ગાંધીનગર: (Gandhinagar) કોરોનાના ૮૦ ટકા દર્દીઓમાં સ્પોન્ટેનિયસ રિકવરી (Recovery) થતી હોય છે એટલે કે દર્દીને તાવ આવે, માથું દુખે, હાથ-પગ દુખે અને આ જે લક્ષણો છે એ શરૂઆતમાં ત્રણ થી પાંચ દિવસ સુધી રહી શકે અને પછી દર્દીની રોગપ્રતિકારક શક્તિના લીધે રોગના લક્ષણો જતા રહે છે અને રિકવરી થાય છે. આવા દર્દી ૧૦ થી ૧૪ દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ (Healthy) થઈ જાય અને ૧૪ દિવસના આઈસોલેશન પછી પાછો પોતાના કામે પણ ચડી શકે છે. એટલે જે ખૂબ જ સ્વસ્થ છે તેમણે બિનજરૂરી રીતે વધારાની દવાઓ ન લેવી જોઇએ.
ગુજરાત સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને અમદાવાદના ચેપી રોગના નિષ્ણાંત ડો. અતુલ પટેલ કહે છે કે, દર્દીને લાંબા સમય સુધી જો તાવ રહેતો હોય ( ૧૦૧/૧૦૨ ડીગ્રી) અને એ તાવ પેરાસીટામોલથી કન્ટ્રોલમાં ન આવતો હોય તો ચોક્કસ તરત જ ડૉક્ટરનો કોન્ટેક કરવો જોઈએ. આ એક અગત્યનું લક્ષણ છે. આ ઉપરાંત બાથરૂમમાં જઈને આવે ત્યારે થોડોક થાક લાગે અથવા તો શ્વાસ લેવાની, શ્વાસ ચડવાની પ્રક્રિયા ચાલુ થાય તો તરત જ એણે સમય બગાડ્યા વિના એના ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. એ જ રીતે દર્દીનું જે સેચ્યુરેશન ઓક્સિમીટર પર ૯૪ થી ઓછું બતાવે તો સમય બગાડ્યા વગર તરત જ ડોક્ટરની સલાહ લઇ અને દાખલ થઈ જવું જોઈએ.
રેમડેસિવિર (Remdecivir) દવાની ક્યારે જરૂર પડે? તે પ્રશ્નનો ઉત્તર આપતા ડો. અતુલ પટેલ કહે છે કે, જ્યારે દર્દીના શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ૯૪ થી ઓછું થાય, શરીરના બંને ફેફસામાં ન્યુમોનિયા હોય અને એને ઓક્સિજન થેરાપીની જરૂર પડે. આ એક રેમડેસિવિર દવા આપવા માટેનું ઈન્ડિકેશન છે. આનો અર્થ એ થયો કે દરેક કોરોનાના દર્દી કે જેનું નિદાન થયું છે તેને રેમડેસિવિર નામનું ઇન્જેક્શન લેવાની કોઈ જરૂર નથી. રેમડેસિવિર એ કોઈ જીવ બચાવે તેવી કે રામબાણ દવા નથી, એટલે તે મેળવવા માટે ભાગદોડ કરવાની જરૂર નથી. આ ઇન્જેક્શન અંગે ગેરસમજ દૂર કરવી જ પડશે.