Gujarat

ક્ષત્રિય સમાજને સમજાવવામાં સરકાર નિષ્ફળ, રૂપાલાનો વિરોધ યથાવત

ગાંધીનગર: (Gandhinagar) પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણીનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. આ વિવાદને શાંત પાડવા માટે સરકાર (Government) દ્વારા ગઈકાલે મોડી રાત્રે પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના સભ્યો અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠક સંપૂર્ણ નિષ્ફળ રહી હતી. સંકલન સમિતિએ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, તે સિવાય અમારી બીજી કોઈ માંગણી નથી, તેવું કહ્યું હતું.

સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ મોડી રાત્રે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે સરકાર દ્વારા સંકલન સમિતિને રૂપાલાના વિવાદ મુદ્દે ચર્ચા કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંકલન સમિતિના સભ્યો, લોકશાહીની પ્રક્રિયા મુજબ સરકાર, મુખ્યમંત્રીના આ આમંત્રણનો સ્વીકાર કરીને ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસ્થાને બેઠક માટે ગયા હતાં. આ બેઠકમાં સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે રૂપાલાએ બે ત્રણ વાર માફી માંગી છે, તો આપ રૂપાલાને માફ આપી, વિવાદનો ઉકેલ લાવો. પરંતુ સંકલન સમિતિએ સર્વાનુમતે પસાર કરેલા ઠરાવ મુજબ મુખ્યમંત્રી સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી કે ક્ષત્રિય સમાજને રૂપાલાની ટિકિટ રદ કરવા સિવાય બીજું કશું જ ખપે તેમ નથી. બસ અમારી એક જ માંગણી અને લાગણી છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આ સિવાય આ બેઠકમાં કોઈ જ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. અમે અમારો પક્ષ -વાત સરકાર સમક્ષ મૂકી છે.

સરકાર તરફથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સમક્ષ ક્ષત્રિય સમાજ દ્વારા જે વાત રજૂ કરવામાં આવી, તે અંગે તેઓ ભાજપ હાઈકમાન્ડ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂઆત કરશે. ત્યારબાદ સરકાર તેનો જવાબ વહેલી તકે આપણને આપશે. હવે આપણે આપણો મત, જવાબ રજૂ કરી દીધો છે, એટલે હવે સરકારે આપણને વળતો જવાબ આપવાનો છે. કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, સરકાર સમક્ષ અમે રજૂઆત કરી છે કે હજુ પણ મોડું થયું નથી. એક તરફ માત્ર એક વ્યક્તિ છે, તો બીજી તરફ આખો ક્ષત્રિય સમાજ છે. હવે નિર્ણય તમારે કરવાનો છે. તમે એક વ્યક્તિને સમજાવી શકતા નથી. બીજી તરફ આખા સમાજને સમજાવવાની વાત કરો છો. ક્ષત્રિય સમાજ વિશે જે ટીપ્પણી કરવામાં આવી છે, તે અંગે સમાજ કોઈપણ સંજોગોમાં બાંધછોડ કરવા તૈયાર નથી.

કરણસિંહ ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, ગઈકાલે મોડી રાત્રે સરકાર સાથે યોજાયેલી બેઠક અંગે કેટલીક ભ્રામક વાતો સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી, પરંતુ આ તમામ વાતો માત્ર અફવા છે. ક્ષત્રિય સમાજ દ્વારા નક્કી કરાયેલા નિર્ણય મુજબ રૂપાલાની ટિકિટ રદ કરવા સિવાય અન્ય કોઈ જ વાત સંકલન સમિતિ દ્વારા થઈ નથી. સમાધાનની કોઈ જ વાત કરવામાં આવી નથી. રૂપાલાનો વિરોધ આજે પણ યથાવત છે. જે દિવસથી રૂપાલાએ વિવાદિત નિવેદન કર્યું છે, તે દિવસથી જ ભાજપ સામે અમારી નારાજગી રહી છે. આજે પણ તે એવી જ છે. જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો 19મી પછી સંકલન સમિતિ બીજા તબક્કાના આંદોલનની રૂપરેખા જાહેર કરશે. રૂપાલા સામેનું આંદોલન બંધ થયું નથી, તે આજે પણ ચાલુ જ છે.

રૂપાલાની જગ્યાએ કોઈ અન્યને કે પાટીદાર દીકરીને ટિકિટ આપો, ખોબે ખોબે મત આપીશું
ગાંધીનગર: પુરુષોત્તમ રૂપાલાના વિવાદનો અંત લાવવા માટે સરકાર દ્વારા ગઈકાલે મોડી રાત્રે બેઠક યોજાઈ હતી. જો કે ક્ષત્રિય સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને સ્પષ્ટ કહી દીધું હતું કે રૂપાલાની ટિકિટ રદ કરવા સિવાય અમને બીજું કાંઈ ખપે નહીં, એટલે હવે આ વિવાદ યથાવત રહ્યો છે. બીજી તરફ ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજ દ્વારા એક જ વાત કહેવામાં આવી છે કે, રૂપાલાની જગ્યાએ કોઈ પણને ટિકિટ આપવામાં આવે, જો પાટીદારની કોઈપણ દીકરીને ટિકિટ આપવામાં આવશે, તો અમારી ક્ષત્રિયાણીઓ તેને ખોબે ખોબે મત આપીને કલ્પી નહીં હોય તેવી જીત અપાવશે.

પી.ટી. જાડેજાએ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી આવાસમાં મળેલી બેઠકમાં સંકલન સમિતિના તમામ સભ્યોએ સર્વનુમતે એક જ લીટીમાં કહી દીધું હતું કે, રૂપાલાની ટિકિટ રદ કરવી એ જ અમારી માગણી છે. રૂપાલાની ટિકિટ રદ કરીને પછી પાર્ટી ભલે રૂપાલાને રાષ્ટ્રપતિ બનાવે, રાજ્યપાલ બનાવે, તો પણ અમને કોઈ જ વાંધો કે વિરોધ નથી.

Most Popular

To Top