ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત આવતીકાલે સાંજે પડી જશે, તે પછી મતદારોને રીઝવવા માટે ગુપ્ત બેઠકોનો દોર ચાલુ થશે. જો કે પહેલા ગુરૂવારે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા ગાંધીનગર મનપામાં બહુમતી મેળવવા માટે ભાજપ સહિતના પક્ષોએ હવે એડીચોટીનું જોર લગાવ્યું છે.
ગુરૂવારે સાંજે ગાંધીનગરમાં ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ, ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પાર્ટીની સિનિયર નેતાગીરી પણ મેદાનમાં આવી છે. પાટીલે તથા સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રમુખ પાર્ટી પ્લોટ ખાતે ચૌધરી સમાજના સંમેલનમાં હાજરી આપી હતી. તેવી જ રીતે સાંજે સેકટર -12માં ઉમિયા માતાજી મંદિર હોલમાં પાટીદાર સમાજ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.
ભાજપ, કોંગ્રેસ તથા આપ પાર્ટી દ્વારા પોતાના કાર્યકરોની ફોજ પણ ગાંધીનગરમાં ઉતારવામાં આવી છે. નવા મંત્રી મંડળના સભ્યો તથા પહેલાની રૂપાણી સરકારના મંત્રીઓને પણ જવાબદારી સોંપાઈ છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ ગાંધીનગરમાં પ્રચાર કરી રહ્યા છે. ગુરૂવારે સામાજીક રતસિંહ બિહોલા અને ભેખડધારી ગોગા મહારાજ જન કલ્યાણ ટ્રસ્ટના મહંત ઈશ્વરભાઈ વાઘજીભાઈ દેસાઈએ આપનો ખેસ ધારણ કરી લીધો હતો.