Gujarat

મહાઠગ કિરણ પટેલની તપાસ માટે કાશ્મીર પોલીસની ટીમ અમદાવાદ પહોંચી

ગાંધીનગર: (Gandhinagar) માર્ચ મહિનામાં પીએએમઓના (PMO) અધિક ડાયરેકટર હોવાનો સ્વાંગ રચીને ફાઈવસ્ટાર હોટેલમાં (Hotel) રહી ચૂકેલા અમદાવાદના મહાઠગ કિરણ પટેલ ઉર્ફે બંસી પટેલની સાથે ગુજરાતના બે સહિત ત્રણ બીજા પીએએમઓના નકલી કર્મચારીઓ હતાં. તેઓની ધરપકડ માટે તપાસ ઝડપી બનાવવામાં આવી છે. કાશ્મીર પોલીસની (Kashmir Police) એક ટીમ અમદાવાદ આવી પહોચી છે. અહીં મણિનગરમાં એક ગ્રાફિક ડિઝાઈનર શોપ – આકાંક્ષા ક્રિએશનમાં આ મહાઠગે પોતાનું નકલી આઈ કાર્ડ બનાવ્યુ હતું. જેના પગલે આ કોમ્પ્યુટર ડિઝાઇનિંગનું કામ કરનાર યુવકનું નિવેદન પણ લેવાયુ છે.

  • મહાઠગ કિરણ પટેલની તપાસ માટે કાશ્મીરની પોલીસ ટીમ અમદાવાદ પહોંચી
  • મહાઠગ સાથે કાશ્મીરની હોટલમાં રોકાયેલા સુરતના બે સહિત ત્રણની શોધખોળ
  • ગ્રાફિક ડિઝાઈનર શોપ-આકાંક્ષા ક્રિએશનમાં આ મહાઠગે પોતાનું નકલી આઈ કાર્ડ બનાવ્યુ હતું

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે પીએમઓના અધિક ડાયરેકટર કિરણ પટેલની સાથે શ્રીનગરની લલિત પેલેસ હોટેલમાં ગુજરાતના બે સહિત કુલ ત્રણ નકલી કર્મચારીઓ પણ લલિત પેલેસ હોટેલમાં રોકાયા હતા. જેમાં અમીત પંડયા, જય સીતાપરા તથા રાજસ્થાનના ત્રિલોક સિંઘનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેય નાસતા ફરી રહ્યાં છે. તેઓની ધરપકડના ચક્રો ગતિમાન થયા છે.

કિરણ પટેલે ગઢડા સ્વામીનાયણ સંત પાસેથી 6 કરોડની ઠગાઈ કરી હોવાની વિગતો પણ બહાર આવી છે. કાશ્મીરમાં સીનિયર આઈએએસ તથા આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવા મોટો સોદો પાર પાડયો હોવાની પણ વિગતો બહાર આવી છે. કિરણ પટેલ પોતાને ભાજપનો કાર્યકર તથા સંઘનો કાર્યકર પણ હોવાની વાતો કરતો હતો.

મહાઠગ કિરણ પટેલે ઉર્ફે બંસી પટેલે એસજી હાઈવેની પાછળ રિંગ રોડ પર ભાજપના પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો નીલકંઠ ગ્રીન્સમાં આવેલા 600 વારના પ્લોટમાં બનેલા વિશાળ બંગલા નંબર 11-ને પણ પચાવી પાડવા આ બંગલો મોટી રકમ સાથે ખરીદવાની ઓફર કરીને બંગલો રિનોવેટ કરવા મેળવ્યો હતો. જેમાં અંદાજિત 50 લાખનો ખર્ચ પણ થયો હતો. જો કે આ બંગલો વેચાઈ ગયો હોવાની વાતો કાને આવતા જગદીશ ચાવડાએ ત્વરીત પોલીસ ફરિયાદ કરીને કિરણ પટેલનો સામાન બંગલાની બહાર ફેંકી દીધો હતો. ભાજપના એક મોટા ગજાના નેતાના પુત્રએ આ બંગલો ખરીદવાનો સોદો કરવા મહત્લવની ભૂમિકા ભજવી હતી.

Most Popular

To Top