Gujarat

75માં પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પરેડમાં ”ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ”ના ટેબ્લોને મળ્યા બે એવોર્ડ

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 2006માં કચ્છમાં શરૂ કરાવેલો ધોરડો રણોત્સવ અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે. આ ઓળખના પરિણામરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરીને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એવોર્ડ ૨૦૨૩માં એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતને મળેલા આ ગૌરવ સન્માન ‘ધોરડો વર્લ્ડ ટુરીઝમ વિલેજ-UNWTO’ની (Dhordo, World Best Tourism Village) થીમ આધારિત ઝાંખી રાજ્ય સરકાર દ્વારા ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરવામાં આવી હતી.

  • રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે નવી દિલ્હીમાં મુખ્યમંત્રીના સેક્રેટરી અવંતિકા સિંઘે એવોર્ડ સ્વીકાર્યો
  • પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે “પીપલ્સ ચોઇસ એવોર્ડ”માં અવ્વલ ક્રમે
  • વિજેતા પસંદગી સમિતિની જ્યુરી મેમ્બર્સ ચોઇસમાં ગુજરાતે અગ્રેસરતા મેળવી
  • પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસત ક્ષેત્રે ગુજરાતની આ આગવી સિદ્ધિ છે – મુખ્યમંત્રી

૭૫મા પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોનની પ્રેરક ઉપસ્થિતિમાં કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલા આ નયનરમ્ય ટેબ્લોને પીપલ્સ ચોઈસ એવોર્ડઝ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. આ ટેબ્લોઝની ઝાંખીમાં ગુજરાતના ટેબ્લોને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ-જનતા જનાર્દનની પસંદગીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ બીજો ક્રમ મેળવ્યો છે.

ગુજરાતના ટેબ્લોમાં કચ્છની ઓળખ સમા ‘ભૂંગા’, રણોત્સવ, ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણ, ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિને દર્શાવતાં નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. ટેબ્લોની સાથે UNESCOના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં તાજેતરમાં જ સામેલ કરવામાં આવેલા ગુજરાતના ભાતીગળ ગરબાની પ્રસ્તુતિએ ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ટેબ્લોની સાથે રજૂ થયેલા ગરબામાં કચ્છી ગાયિકા સુશ્રી દિવાળીબહેન આહિરે તેમનો કંઠ આપીને સંગીતબદ્ધ કર્યો હતો અને ટેબ્લો આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં જન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

ગુજરાતનો ટેબ્લો દેશભરનાં રાજ્યોમાં સૌથી વધુ ૩૨ ટકા વોટ શેર સાથે સતત બીજીવાર પીપલ્સ ચોઈસ એવોર્ડમાં ગુજરાત અગ્રીમ સ્થાને રહ્યું છે. તદઅનુસાર, આ વર્ષે તા.૨૬ થી ૨૮ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાનની ઓનલાઈન વોટિંગની પ્રક્રિયામાં કુલ વોટ્સ પૈકી સૌથી વધુ ૩૨ ટકા વોટ્સ ગુજરાતની ઝાંખીને પ્રાપ્ત થયા હતા અને ગુજરાતનો ટેબ્લો પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં સતત બીજા વર્ષે અગ્રિમ વિજેતા જાહેર થયો છે. ગયા વર્ષે પણ ગુજરાતનો ટેબ્લો પીપલ્સ ચોઈસ એવોર્ડમાં પ્રથમ ક્રમે રહ્યો હતો.

આ ઉપરાંત એવોર્ડ પસંદગી સમિતિ-જ્યુરીની પણ સેકન્ડ ચોઇસ બનવાનું ગૌરવ ગુજરાતના ટેબ્લોએ હાંસલ કર્યું છે. વર્ષ ૨૦૦૮માં ગુજરાતના ટેબ્લોને જ્યુરી ચોઈસમાં સ્થાન મળ્યા પછી ફરી એકવાર આ વર્ષ એટલે કે ૨૦૨૪ના પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ગુજરાતના ટેબ્લોને જ્યુરી ચોઈસમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા બદલ સૌનો આભાર માનતા કહ્યું હતું કે, કચ્છ સહિત ગુજરાતના પ્રત્યેક નાગરિકની આ જીત છે, પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસત ક્ષેત્રે ગુજરાતની આ આગવી સિદ્ધિ છે. કચ્છના ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું ગૌરવ સન્માન તેમજ ગુજરાતની ઓળખ સમા ગરબાને વિશ્વના અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું મળેલું સન્માન દિલ્હીમાં કર્તવ્યપથ ઉપર ઝળક્યું છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવી દિલ્હીમાં ૨૯ જાન્યુઆરીએ આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતના માહિતી અને પ્રસારણ સચિવ તેમજ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે આ એવોર્ડ માહિતી નિયામક ધીરજ પારેખ સાથે સ્વીકાર્યો હતો. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક ધીરજ પારેખ, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમા પંકજ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું.

Most Popular

To Top