ગાંધીનગર: કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા 18-22 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શન-DefExpo 2022ની 12મી આવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે. આ મેગા સંરક્ષણ પ્રદર્શન જમીન, હવાઈ, નૌકા અને હોમલેન્ડ સુરક્ષા પ્રણાલી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર, ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની નીતિગત પહેલ સાથે માને છે કે દેશમાં તેના ઘણા મિત્ર રાષ્ટ્રોને સંપૂર્ણ સંરક્ષણ સોલ્યુશન્સનો અગ્રણી સપ્લાયર બનવાની વિપુલ સંભાવના છે.
ડિફેન્સ એક્સપો દરમિયાન નિકાસ, સંરક્ષણ સ્ટાર્ટ-અપ્સ અને MSMEsમાં રોકાણ, સંરક્ષણ R&D અને ભવિષ્યવાદી ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા સહિતના વિવિધ વિષયો સેમિનાર મહાત્મા મંદિર ખાતે હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાશે. આ સેમિનાર અગ્રણી ઉદ્યોગ સંગઠનો, થિંક ટેન્ક, ભારતીય સંરક્ષણ જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, સર્વિસ હેડક્વાર્ટર (SHQs), સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), ગુણવત્તા ખાતરીના મહાનિર્દેશાલય (DGQA), નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને રાજ્ય સરકાર વગેરે દ્વારા આયોજિત કરવામાં આવશે.
આ સેમિનારોની થિમ વ્યાપકપણે નિકાસ, ફાઇનાન્સિંગ અને ડિફેન્સ સ્ટાર્ટ-અપ્સ અને MSMEsમાં રોકાણ, એરોસ્પેસ ઉત્પાદન અને MROમાં MSMEની ઊભરતી ભૂમિકા, સંરક્ષણ R&Dમાં આત્મનિર્ભરતા, હવાઈ પ્રભુત્વ માટે ભવિષ્યવાદી સ્વાયત્ત ટેક્નોલોજી વગેરેને આવરી લેશે.