Gujarat

ગાંધીનગરમાં ઉર્જા વિભાગની બેઠક બાદ લેવાયો નિર્ણય, સરકાર સ્માર્ટની સાથે જૂના મીટર પણ લગાડશે

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યભરમાં સ્માર્ટ મીટરને (Smart Meter) લઈ વીજ ગ્રાહકો ભારે વિરોધ કરી રહ્યા છે. વડોદરા, રાજકોટ, જામનગર સહિત અનેક શહેરોમાં વીજ કંપની દ્વારા પ્રિપેઇડ સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત કરવામાં આવી છે. જેનો વિરોધ ચારે તરફથી શરૂ થયેલો વિરોધ લોકઆક્રોશમાં ફેરવાઇ રહ્યો છે. પરિણામે રાજ્ય સરકારે હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવાનો નિર્ણય કર્યો છે.

  • વીજગ્રાહકોનો આક્રોશ જોઇને ફફડેલી સરકાર સ્માર્ટની સાથે જૂના મીટર પણ લગાડશે
  • ગાંધીનગરમાં ઉર્જા વિભાગની મળેલી બેઠક બાદ લેવાયેલો નિર્ણય

રાજ્યમાં વડોદરા, રાજકોટ, જામનગર સહિત અનેક શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાની ફરિયાદને લઈ વીજ ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો છે. વડોદરામાં નવા પ્રિપેઇડ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જેમાં વીજ બીલ વધારે આવતું હોવાની વ્યાપક ફરિયાદો સાથે મધ્ય ગુજરાત વીજ કંપની ખાતે લોકો ભારે વિરોધ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ અને જામનગરમાં પણ સ્માર્ટ મીટરને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

દરમિયાનમાં રાજ્યભરમાં સ્માર્ટ મીટરના વિરોધની આંધી વધુ ફેલાઇ તે પહેલા ગાંધીનગરમાં ઉર્જા વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં સ્માર્ટ મીટરના વિરોધ બાબતમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેને પગલે સરકાર દ્વારા હાલમાં સ્માર્ટ મીટરની સાથે જુના મીટર પણ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાની ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા માટે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. આ બંને મીટરના રીડિંગની ચકાસણી કરવામાં આવશે, અને ત્યારબાદ ગ્રાહકને સંતોષ થયા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ઉર્જા વિભાગ દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટરના મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે.

Most Popular

To Top