Gujarat

ગાંધીનગરમાં એક્ટિવા લઈ નીકળેલા યુવકોએ મિત્રની બર્થડે પાર્ટી ઉજવી અને તેઓને મળ્યું મોત

ગાંધીનગર: ગાંઘીનગરમાં (Gandhinagar) મિત્રનો જન્મદિવસ (Birthday) ઉજવવા માટે ઘરેથી એકટિવા (Activa) લઈને નીકળેલા યુવકોને રસ્તામાં (Road) મોત મળ્યું હતું. મળતી માહિતી મુજબ ગાંધીનગરના ખ રોડ ચાર રસ્તા નજીક મધરાત્રિના સમયે ટ્રેલર ચાલક પૂરપાટ આવતો હતો તે સમયે તેણે એક્ટિવાને જોરદાર ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા સવાર બંને મિત્રોનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ મામલે પોલીસે મૃતક યુવકોનાં ફિંગર પ્રિન્ટથી મોબાઇલ ફોન અનલોક કરી માતા-પિતાને ધટના અંગેની જાણ કરી હતી.

  • મધરાત્રિના સમયે ટ્રેલર ચાલક પૂરપાટ આવતો હતો તે સમયે તેણે એક્ટિવાને જોરદાર ટક્કર મારીને ફરાર થઈ ગયો
  • અકસ્માતમાં એક્ટિવા સવાર બંને મિત્રોનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું
  • પોલીસે મૃતક યુવકોનાં ફિંગર પ્રિન્ટથી મોબાઇલ ફોન અનલોક કરી માતા-પિતાને ધટના અંગેની જાણ કરી
  • પોલીસને ટ્રેલરની તપાસ કરતાં ટ્રેલર સરગાસણ થી મહાત્મા મંદિર તરફ ગયું હોવાની જાણકારી મળી

મળતી માહિતી મુજબ ગઈકાલે ભાર્ગવ અને જૈનીલ એક્ટિવા લઈને અન્ય એક મિત્રની બર્થડે પાર્ટી ઉજવવા માટે સરગાસણ ગયા હતા. બર્થડે પાર્ટીની ઉજાણી થઈ ગયા પછી બંને યુવકો ઘરે પરત ફરી રહ્યાં હતા તે સમયે તેઓને રસ્તામાં મોત મળ્યું હતું. ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાને ટક્કર મારી નાસી ગયો હતો. જ્યારે બન્ને મિત્રો ઉછળીને રોડ પર પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મોતને ભેટયા હતા.

આ ઘટના અંગેની જાણ થતાં સેકટર – 7 પોલીસ મથકના પીએસઆઇ મૂલયાણી, એએસઆઈ દિલીપસિંહ રાણા અને કોન્સ્ટેબલ અનિલસિંહ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં રોડ પર બંને યુવાનોના મૃતદેહ પડ્યા હતાં. યુવકોના પરિવારને ઘટના અંગેની જાણ કરવા માટે પોલીસે સ્થળ પરથી મળેલી કોલેજ બેગની તપાસ કરી હતી. પરંતુ તેમાંથી કોઈ પુરાવા ન મળતા પોલીસને યુવકોના મોબાઇલ ફોન નજરે ચઢયા હતા. ફોનમાં લોક હોવાના કારણે તેમજ માતાપિતાને જાણ કરવા માટે પોલીસે મૃત યુવાનની ફિંગર પ્રિન્ટ વડે મોબાઇલ ફોનનું લોક ખોલી નાંખ્યુ હતું. પોલીસને ટ્રેલરની તપાસ કરતાં ટ્રેલર સરગાસણ થી મહાત્મા મંદિર તરફ ગયું હોવાની જાણકારી મળી છે. ટ્રેલરના ચાલકને ઝડપી પાડવા તજવીજ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top