Gujarat

ગાંધીનગર સિવીલ હોસ્પિટલના કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા 1600 સર્જરી સફળતાથી પૂર્ણ

ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે આજે વર્લ્ડ હિયરીંગ ડે, તા. ૩ માર્ચે, ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકનું (Book) વિમોચન કરીને કોકલીયર ઇમ્પ્લાન્ટ દ્વારા શ્રવણશક્તિ મેળવેલા ૧૦ જેટલા ભુલકાંઓ સાથે વાત્સલ્યસભર સંવાદ કર્યો હતો. WHO દ્વારા ર૦૦૭ થી ૩માર્ચે આ વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરીંગ ડે ઉજવવામાં આવે છે.

ગાંધીનગર સિવીલ હોસ્પિટલના કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટરના સર્જન ડૉ. નીરજ સુરી લેખિત-સંપાદિત ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકમાં એવા બાળકોની વાતો કરવામાં આવી છે જેમણે રાજ્ય સરકાર દ્વારા વિનામુલ્યે મળેલી સારવારથી જીવનમાં પહેલ વહેલી વાર અવાજની અનૂભુતિ કરી છે. આવા બાળકોના માતા-પિતા અને સમગ્ર પરિવારમાં આના પરિણામે આવેલા પરિવર્તન-બદલાવ અંગેના પ્રતિભાવો પણ પુસ્તકમાં સમાવિષ્ટ છે. વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરીંગ ડે ના દિવસે પ્રકાશિત થયેલું આ પુસ્તક સમાજમાં મૂક-બધિરતા સામે વહેલું અને વેળાસરનું નિદાન, સારવાર માટેની જનજાગૃતિનું સંવાહક બનશે.

મુખ્યમંત્રી પટેલે આ પુસ્તક વિમોચન વેળાએ ઉપસ્થિત સ્પીચ થેરાપીસ્ટ, તબીબો અને કોકલીયર ઇમ્પ્લાન્ટ દ્વારા શ્રવણશક્તિ મેળવેલા બાળકોના પરિવારો સાથે પણ વાતચીત કરીને વિગતો મેળવી હતી. બાળકોમાં રહેલી જન્મજાત મૂક-બધિરતા દૂર કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારે ફ્રી ઇમ્પ્લાન્ટ યોજના ર૦૧પના વર્ષથી શરૂ કરીને ૬ વર્ષથી નાની વયના બાળકો માટે ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટર કાર્યરત કરેલું છે અને સમગ્ર રાજ્યમાં આ પ્રોગ્રામ નો અમલ કરવામાં આવે છે. હિયરીંગ લોસ ધરાવતા બાળકોને અદ્યતન આરોગ્ય સેવાઓથી આ કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી અને ત્યારબાદ સ્પીચ થેરાપીના નિઃશુલ્ક ૧૦૦ જેટલા સેશન્સ બાળકને સામાન્ય બાળક જેવું જીવન આપવામાં મહત્વનું પ્રદાન કરે છે.

રાજ્યના આવા હિયરીંગ લોસ ધરાવતા બાળકોના સામાજીક, ભાવનાત્મક, વર્તન વાણી- વિકાસ થી સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર બાળક દીઠ રૂ. પાંચ લાખથી વધુના અંદાજીત ખર્ચે થતી સારવાર વિનામુલ્યે આપે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં જરૂરતમંદ ર૭પ૦ બાળકોના કોકલીયર ઇમ્પ્લાન્ટ વિનામુલ્યે કરવામાં આવ્યા છે. ગાંધીનગરની સિવીલ હોસ્પિટલમાં આવા ૧૬૦૦ થી વધુ ઓપરેશન થયા છે. એટલું જ નહિ, બાળક ઇમ્પ્લાન્ટ કરાવીને તેના ઘરે જાય પછી એક-બે વર્ષ સુધી તેના પૂનર્વસન માટે સિવીલ હોસ્પિટલ સામે ચાલીને ફોલો અપ લે છે.

Most Popular

To Top