Gujarat

ગ્રામજનોનો સર્વાંગી વિકાસ થાય એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે – રાઘવજી પટેલ

ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) રાજયભરના તમામ ડીડીઓની (DDO) મહત્વની કોન્ફરન્સ યોજાઈ હતી. ખાસ કરીને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે કહયું હતું કે ગ્રામજનોનો સર્વાંગી વિકાસ થાય એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. ગ્રામજનોનું જીવનધોરણ સુધારવા તથા વિકાસ કાર્યોમાં તેમને અસરકારક રીતે સામેલ કરવા માટેની વ્યૂહરચના, નીતિ અને પરિયોજનાઓની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. ડીડીઓ ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર પણ ઉપસ્થિત રહયા હતા.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરનું નવનિર્માણ – નવીનીકરણ કરવાનું આહવાન કર્યું હતું તેને રાજ્યમાં સત્વરે પૂર્ણ કરવા ગ્રામ વિકાસ મંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી અને બનાસકાંઠામાં આ સંદર્ભે થયેલ કામગીરી ઓનલાઇન નિહાળી હતી.
તેમણે ગ્રામજનોના આર્થિક ઉત્થાન માટે સૌને ગામમાં રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના સંદર્ભે પણ ચર્ચા કરી તાલુકાવાર થઈ રહેલ કામોની સમીક્ષા પણ કરી હતી. દરેક તાલુકામાં રમત ગમતના ૧૦ મેદાનો બનાવવામાં આવે તથા દરિયા કિનારાના વિસ્તારોમાં મનરેગા યોજના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પણ મંત્રીએ સૂચન કર્યું હતું.

આ બેઠકમાં પ્રધાન મંત્રી આવાસ યોજના, જીએલપીસી, વોટર શેડ તથા સ્વચ્છ ભારત મિશન વિષયે સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ગ્રામ વિકાસ વિભાગની સિદ્ધિઓ તથા તમામ જિલ્લાઓના એક્શન પ્લાન સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ બેઠકમાં’ LoKOS ‘ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરાયું હતું. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) સમગ્ર રાજ્યમાં DAY-NRLM યોજના હેઠળ LokOS એપ્લિકેશન રોલ-આઉટ કરી રહી છે. આ એપ્લિકેશન તમામ સ્વ-સહાય જૂથો, ગ્રામ સંગઠનો, ક્લસ્ટર લેવલ ફેડરેશન અને આજીવિકા સબંધિત માહિતી “પ્રોફાઇલ” અને “ટ્રાન્ઝેક્શન્સ” એવા બે વિભાગોમાં એકત્રિત કરશે જે આ એપ્લીકેશનની મુખ્ય વિશેષતા છે.

Most Popular

To Top