ગાંધીનગર: (Gandhinagar) ભાજપ (BJP) દ્વારા શરૂ કરાયેલું ઓપરેશન લોટસ ફરીથી સક્રિય થઈ ગયું છે. ખાસ કરીને બે દિવસ અગાઉ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા બાદ હવે આજે આણંદ જિલ્લામાં કોંગીના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ પોતાના કાર્યકરોની ફોજ સાથે આજે ભાજપમાં જોડાઈ ગયા છે. જયારે બોરસદમાં યોજાયેલા વિશાળ સંમેલનમાં કોંગ્રેસના 2500 કાર્યકરોએ આજે ભાજપમાં જોડાઈ જવા સાથે કેસરિયો ખેસ પહેરી લીધો છે.
- ઓપરેશન લોટસ: ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલના કેસરિયા
- બોરસદમાં 2500 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા, કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા ઝટકો
બોરસદ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં કોંગ્રેસના બોરસદ વિધાનસભા ક્ષેત્રના બુથ સ્તરના કાર્યકરો, સરપંચો સહિત 2500 જેટલા કાર્યકરોએ ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો હતો. જયારે ખંબાતમાં કડવા પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલા બીજા સંમેલનમાં કોંગીના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ પોતાના કાર્યકરોની મોટી ફોજ સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા.
બોરસદમાં પાટીલે કહયું હતું કે , જે લોકો ભગવાન શ્રી રામના નહીં , તે કોઈના થવાના નથી. ખાસ કરીને બોરસદમાં વર્ષોથી એક કુટુંબનું રાજ હતું, અને આ રાજની અંદર શોષણ ચાલતું હતું, આજે ખરા અર્થમાં આઝાદીના ફળ આપ સૌના કારણે આ વિસ્તારને મળવાના છે. સમગ્ર ગુજરાતનો વિકાસ થયો અને આ વિસ્તારનો વિકાસ કેમ અટકી ગયો, કારણ કે જેને પણ ચૂંટીને મોકલ્યા તેમણે વિકાસના કામમાં મીંડું અને રાજ કરવામાં પાવર હતો અને આજે એવી પાર્ટીને જાકારો આપી કાર્યકરો ભાજપમાં જોડાયા છે. કોઈપણ કાર્યકર્તા કોઈપણ પાર્ટી સાથે જોડાય છે ત્યારે તે પાર્ટી જ નહીં બલ્કે તેની વિચારધારા સાથે જોડાય છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કરતાં પાટીલે કહ્યું હતું કે હમણાં ગુજરાત વિધાનસભા ચુંટણીમાં દિલ્હીથી એક મહાઠગ આવીને ઠગવાના પ્રયત્નો કરતો હતો પરંતુ આ ગુજરાતની સ્વાભિમાની પ્રજાને લોભ લાલચ આપીને લલચાવી ન શકાય અને ગુજરાતની પ્રજાએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો એટલું જ નહીં. 126 બેઠકો પર તેમની ડિપોઝીટ જપ્ત થઇ ગઈ. હવે લોકસભાની ચુંટણી આવશે જેમ ચોમાસામાં દેડકા બહાર આવે તેમ અહીં આવીને લલચાવશે પરંતુ હવે દેશ અને ગુજરાતની પ્રજા સમજી ગઈ છે, એટલું જ નહીં તેનાથી સાવધાન છે.
ખંભાતમાં યોજાયેલા બીજા સંમેલનમાં પાટીલે કહ્યું હતું કે આજે ગુજરાતમાં વિકાસ થયો છે અને આ વિકાસમાં ખંભાત પાછળ ન રહી જાય તેની આપ સૌને હું ખાતરી આપું છું. આજે ઉમેદવારોની જાહેરાત થયા પહેલા જ 26 એ 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આવું કાર્ય બીજે દેશમાં ક્યાય જોવા નહીં મળે.