મોટે ભાગે રાજનેતાઓ સત્તાકાળમાં આત્મીયતા સાથે જમીની રીતે વર્તી શકતા નથી. અણીશુધ્ધ પ્રામાણિકતા રહેતી નથી. માત્ર પ્રસિધ્ધિ અને પ્રચારલક્ષી દેખાવ કરે છે અને જયજયકાર કરાવે છે. કોઇક લાલબહાદુર શાસ્ત્રી ગામડાના કોઇક ગરીબ ઘરમાં રાતવાસો સરળતાથી કરે છે, કોઇક રાજનેતા દીનદલિત સાથે ભોજન આરોગે છે, ખાણીપીણી કે ચીજવસ્તુ ખરીદી બાદ ત્યારે જ દામ ચૂકવે છે. હાલમાં આનંદાશ્ચર્ય પમાડતી ઘટના બની છે. અમદાવાદ-રાજકોટ હાઇ વે પર વિકાસ યોજનાનાં કામો માટે, નિરીક્ષણ, સૂચના અંગે ગુજરાત રાજયના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ તેમના અધિકારીઓ સાથે ગાંધીનગરથી નીકળ્યા ત્યારે બગોદરા પાસેના હાઇ વે પરના એક ઢાબા નજીક પોતાના કાફલાને થંભાવી દીધો, તેમને ચા પીને તાજગીસભર થવું હતું.
કોઇ પણ જાતના રૂઆબ વિના સામાન્ય નાગરિકની જેમ તેઓ, ઢાબાના ખાટલા પર બેસી ગયા અને ચા નો ઓર્ડર ગ્રાહકની અદામાં વિનમ્રતાપૂર્વક આપ્યો અને તે બાદ પ્રેમથી, સરળતાથી ચા પીધી. સાથી અધિકારીઓને ચા પીવડાવી અને જતી વેળા ઢાબાવાળાને ચા ના પૈસા પૂછયા ત્યારે લાગણીવશ ઢાબાવાળાએ ત્રણસો રૂપિયા કહ્યા ત્યારે પ્રસન્નતાપૂર્વક મુખ્યમંત્રીએ પોતે પાંચસો રૂપિયા ધરી દીધા. આવો ગાંધીમાર્ગી વ્યવહાર, સાદાઇ, જનસેવા કાજે પરિશ્રમ લોકશાહીની સાચી દિશા ચીંધે છે. આવું ઉદાહરણ પ્રેરક બની રહે છે. પદ અને સત્તાનો ગેરલાભ નહીં લેવાનો પાઠ શીખવે છે. જો બધા રાજનેતાઓ આવી ભાવના કેળવે તો આઝાદીના આનંદ ઉત્સવ કાયમી બની જાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.