Business

ગાંધીજીનો અહિંસા માટેનો આગ્રહ એ લોકો માટે હતો જેઓ તેમની સાથે ચાલવા માગતા હોય

ગાંધીજીએ કહ્યું છે કે ઘણા લોકોને ડાબે-જમણે જોઇને, કોઈ જોતું-સાંભળતું તો નથી ને તેની ખાતરી કરીને ધીમે અવાજે કાનમાં વાત કરવાની આદત હોય છે. ગાંધીજીએ આવી આદતને કાયરતા તરીકે ઓળખાવી છે. તમે જે કહેવા માંગતા હોય એમાં તમને ટકોરાબંધ સત્ય નજરે પડતું હોય અને કોઈનું અહિત કરવાનો ઈરાદો ન હોય અથવા કોઈના હિત માટે કહેવું જરૂરી હોય તો એ કથન ખોંખારો ખાઈને દુનિયા સાંભળે એ રીતે કહેવું જોઈએ. આમાં તમારી સભ્યતા, સંસ્કારીપણું અને મર્દાનગી એ ત્રણેય જળવાય છે.

ગાંધીજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે અદનામાં અદના ભારતીયજને પણ મોટા લાટસાહેબ સાથે આંખમાં આંખ પરોવીને, નીડરપણે, શબ્દ ચોર્યા વિના પોતાની વાત કરતા શીખવું જોઈએ. મર્દાનગીની આ અંતિમ કસોટી છે, બાકી દૂર ઊભા રહીને કોઈને પથ્થર મારવો કે ગોળી મારવી એમાં કોઈ મર્દાનગી નથી. આખું જગત ગાંધીજીને અલગ અલગ રીતે મૂલવે છે જેમાં એક મૂલવણી સર્વસામાન્ય છે કે ગાંધીજીએ પરંપરાગત રીતે જેને નિર્બળ સમજવામાં આવતો હતો એવા અદના માણસના સીનામાંથી ભય દૂર કર્યો. ટોળાંનો ભય દૂર નહોતો કર્યો, વ્યક્તિની અંદર રહેલો ભય દૂર કર્યો હતો.

આ માત્ર મહાત્મા જ કરી શકે પણ ગાંધીજી તો કાયર હતા. માત્ર અને માત્ર પોતાને મહાન દેશપ્રેમી અને કાળઝાળ રાષ્ટ્રવાદી તરીકે ઓળખાવતા હિન્દુત્વવાદીઓને ગાંધીજી માટે અણગમો એટલા માટે છે કે ગાંધીજી અહિંસામાં માનતા હતા અને શસ્ત્ર હાથમાં લેવાનો વિરોધ કરતા હતા. અહીં એક વાત સ્પષ્ટ કરી દેવી જોઈએ કે ગાંધીજીનો અહિંસા માટેનો આગ્રહ એ લોકો માટે હતો જેઓ તેમની સાથે ચાલવા માગતા હોય. જે લોકો ગાંધીજી સાથે સંમત નહોતા અથવા તેમની સાથે ચાલવા માગતા નહોતા તેમને ગાંધીજીએ ક્યારેય કહ્યું નથી કે તેમણે અહિંસાનો માર્ગ અપનાવવો જ પડશે અને જો નહીં અપનાવો તો હું ઉપવાસ કરીશ. જેમને મારું નેતૃત્વ જોઈએ છે તેમણે મારો સિદ્ધાંત સ્વીકારવો જોઈએ.

આનો અર્થ એ થયો કે જે લોકો ગાંધીજીના વિચાર સાથે અને તેમના માર્ગ સાથે સંમત નહોતા તેઓ પોતાનો માર્ગ અપનાવી શકતા હતા. વળી ગાંધીજી કોઈને તેમનાથી વિરુદ્ધ માર્ગ અપનાવતા રોકે પણ કઈ રીતે? કયો એવો તેમની પાસે અધિકાર હતો? અને કોઈ તેમના એવા અવ્યવહારુ અધિકારને સ્વીકારે પણ શા માટે? પરમપૂજ્ય મહાત્મા તેમના અનુયાયીઓ માટે. એ સમયે થોડા ઘણા નહીં મોટી સંખ્યામાં એવા નેતાઓ અને રાજકીય પક્ષો હતા જેઓ ગાંધીજીને નહોતા મહાત્મા તરીકે સ્વીકારતા કે નહોતા પૂજ્ય તરીકે.

તેમના અહિંસાના આગ્રહનો વિરોધ કરનારાઓ પણ મોટી સંખ્યામાં હતા. સામ્યવાદીઓએ ગાંધીજીની અહિંસાનો વિરોધ કરતા હતા અને નોખો માર્ગ અપનાવ્યો હતો. ભગતસિંહ અને બીજા ક્રાંતિકારીઓ અહિંસાનો વિરોધ કરતા હતા અને નોખો માર્ગ અપનાવ્યો હતો. સુભાષ બોઝ એક સમયે ગાંધીજીના અનુયાયી હતા, પરંતુ પાછળથી તેમણે પણ અહિંસાના આગ્રહનો વિરોધ કર્યો હતો અને નોખો માર્ગ અપનાવ્યો હતો. કેટલાક મુસલમાનોએ ખિલાફતની ચળવળ વખતે ગાંધીજીની અહિંસાનો વિરોધ કર્યો હતો અને નોખો માર્ગ અપનાવ્યો હતો.

ટૂંકમાં ભારતમાં કુડીબંધ જૂથો, અનેક પ્રતિષ્ઠિત નેતાઓ અને હજારો યુવકો હતા જેમને ગાંધીજીની અહિંસા સ્વીકાર્ય નહોતી અને તેમણે પોતાનો માર્ગ અપનાવ્યો હતો. ગાંધીજીએ તેમાંથી કોઈનેય રોક્યા નહોતા અને રોકી શકે એમ પણ નહોતા. માત્ર હિંસક માર્ગે જ દેશ આઝાદ થઈ શકે એમ જે લોકો માનતા હતા એ બધા લોકોએ પોતપોતાનો હિંસાનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે જે માર્ગ અપનાવ્યો અને જે કૃતિ કરી એ આપણી સામે છે. પોતપોતાની શક્તિ મુજબ તેઓ જે કરી શકતા હતા એ કરી બતાવ્યું. પોતાના માર્ગે ચાલી બતાવ્યું અને પોતાની શરતે જિંદગી જીવી ગયા. કેટલાકે જાનની કુરબાની આપી દીધી. ભગતસિંહ અને સુભાષબોઝ જેવા અનેક ઉદાહરણ આપણી સામે છે. હું ફરી એકવાર કહું છું કે ગાંધીજીએ તેમને રોક્યા નહોતા અને રોકી શકે એમ પણ નહોતા. જેમને ચાલવું હતું એ ચાલ્યા છે.

ઉપર કહ્યું એમ ગાંધીજીની અહિંસાનો વિરોધ હિન્દુત્વવાદીઓ પણ કરતા હતા. તેમનો તે અધિકાર હતો અને તેમના એ અધિકારનો આપણે આદર કરવો જોઈએ. તેઓ એમ માનતા હતા અને આજે પણ માને છે કે ગાંધીજી અહિંસાના પૂજારી છે અને માટે કાયર છે. આ કાયર માણસ દેશની પ્રજાને (ખાસ કરીને હિંદુઓને) અહિંસાનો પાઠ શીખવીને કાયર બનાવી રહ્યો છે. દેશને આઝાદી માત્ર હિંસા દ્વારા જ મળી શકે એમ તેઓ ત્યારે કહેતા હતા અને માટે તેઓ ગાંધીજી પ્રેરિત આઝાદી માટેના આંદોલનથી દૂર રહેતા હતા. તેઓ એમ પણ માને છે કે હિંદુઓમાં મર્દાનગીનું આરોપણ કરવું પડે એમ છે કારણ કે બુદ્ધ અને મહાવીરની પરંપરાએ અને ગાંધીજી જેવાએ અહિંસાનો મહિમા કરીને હિંદુઓના પૌરુષને નુકસાન પહોંચાડ્યું છે.

ઉપસંહાર કરીએ તો બે મિશન તેમણે પોતાના માટે નક્કી કર્યા હતા. એક, ગાંધી નામનો નમાલો માણસ દેશને આઝાદી અપાવી શકે એમ નથી માટે હિંસક લડત લડીને દેશને આઝાદ કરવો. આને માટે યુવકોને તૈયાર કરવા અને એક દિવસ લોહીયાળ ક્રાંતિ કરવી. બે, દેશની બહુમતી હિંદુ પ્રજાની અંદર મર્દાનગીનું આરોપણ કરવું. ગાંધીજી કહેતા એમ આંખમાં આંખ પરોવીને, નીડરપણે, શબ્દ ચોર્યા વિના પોતાની વાત કરતા શીખવું એ મર્દાનગીની અંતિમ કસોટી નથી; પણ દુશ્મનનો કોલર પકડવામાં મર્દાનગીની અંતિમ કસોટી છે. ગાંધીજી કહેતા એમ તાકાત કાળજામાં નથી, પણ અન્યત્ર છે. તાકાતનાં અન્યત્ર શક્તિસ્રોત પણ તેમને તપાસવાનાં-શોધવાનાં હતાં.

બે જબરદસ્ત મિશન તેમણે અપનાવ્યાં હતાં. બીજાં કોઈ પણ હિંસાના હિમાયતીઓ કરતાં હિન્દુત્વવાદીઓનું મિશન ઘણું પડકારરૂપ હતું. મિશન જોતા દેખીતી રીતે તેમણે ખૂબ સહન કર્યું હશે. જાનની કુરબાનીઓ આપી હશે. ઘણાં પરિવારો ખુવાર થઈ ગયાં હશે. અંગ્રેજોની જેલો છલકાવી દીધી હશે. કેસરિયાં કર્યાં હશે અને ખાંડાની ધારે ચાલ્યા હશે. મિશન જ પડકારરૂપ હતું અને પડકાર સામેથી ઝીલ્યો હતો. પ્રિય વાચક, દરમ્યાનમાં હિન્દુત્વવાદીઓની એક ઘા અને બે કટકા કરે એવી દિલધડક દાસ્તાનમાં શું બન્યું અને કોણે શું કર્યું એ શોધવાનું શરુ કરી દે.

Most Popular

To Top