આજે ગાંધીનિર્વાણ દિન: જાણો બાપુની કોચરબ આશ્રમની કહાની, હાલમાં કોણ કરે છે આ આશ્રમનું સંચાલન?

આજનો દિવસ એટલે ગાંધી નિર્વાણ દિવસ. આ દિવસે જ મોહનલાલ કરમચંદ ગાંઘી માંથી ગાંઘીજી મહાત્મા બનેલાં. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ અને ટોલ્સટ્રોય આશ્રમની સ્થાપના કરીને સાદા જીવન સાથે ઉચ્ચ વિચારનો એક નવો વિચાર લોકો સામે મૂક્યો જેના પરીણામ સ્વરૂપે તેઓ દક્ષિણ આફ્રિકામાં મોહનમાંથી મહાત્મા બની સ્વદેશ પરત ફર્યા. ગાંધીજી વર્ષ 1915માં ભારત પરત ફર્યા તે સમયે સમયાંતરે સ્વદેશમાં સત્યાગ્રહાશ્રમ કોચરબ, સત્યાગ્રહાશ્રમ સાબરમતી અને વર્ધા આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમો માંથી સ્વદેશનો સૌ પ્રથમ આશ્રમ એટલે સત્યગ્રહાશ્રમ કોચરબ.

વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવનાર મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફરી આશ્રમ ક્યાં સ્થાપવો તેની વિચારણામાં પડયા. શ્રદ્ધાનંદજી એવું ઈચ્છતા કે બાપુ હરિદ્વાર આવીને રહે. રવિન્દ્રનાથ ટાગોરે બાપુને શાંતિનિકેતનમાં આશ્રમ સ્થાપવા અંગેની રજૂઆત કરી હતી. ગાંધીજી અમદાવાદથી પસાર થયા ત્યારે ઘણાં મિત્રોએ તેમને અમદાવાદ પસંદ કરવા કહ્યું હતું. પહેલાના સમયમાં અમદાવાદ હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે તેવું બાપુને લાગ્યું, તેથી ગાંધીજીએ જીવણલાલ વ્રજરાય દેસાઈનો બંગલો ભાડે રાખી 25 મે 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી.

ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ કોચરબથી જ સ્વરાજ માટેની લડત શરૂ કરી હતી. ગાંધીજીએ અહીં 11 વ્રતો કર્યા હતાં જેનું કારણ આશ્રમમાં રહેતાં છોકરાઓમાંથી એક છોકરો કોઈ બાબત અંગે જૂઠ્ઠું બોલ્યો હતો. ગાંધીજીનો ચંપારણનો સત્યાગ્રહ પણ આ આશ્રમથી જ શરૂ કરવામાં આવ્યો હતો. સત્યાગ્રહાશ્રમ કોચરબમાં ગાંધીજીએ પોતાના જીવનના 2વર્ષ વિતાવ્યા હતાં. શરૂઆતમાં ગાંધીજી સાથે 20-25 લોકો રહેતાં હતાં. થોડાં સમયમાં જ આશ્રમમાં રહેનાર લોકોની સંખ્યા 80 થઈ ગઈ અને આશ્રમને સાબરમતી પાસે ખસેડવો પડયો હતો.

આશ્રમનું નામ કેમ સત્યાગ્રહ રખાયું?
ગાંધીજીના મતે વ્યક્તિગના ગુણનો વિકાસ તેમજ સમાજમાં સામાજિક પરિવર્તન લાવવા માટે સત્યાગ્રહ જરૂરી છે. બાપુએ આશ્રમને સત્યાગ્રહીઓની પ્રયોગશાળા બનાવ્યો તેમજ આ આશ્રમ સત્યાગ્રહનું તાલીમકેન્દ્ર બને એવી પણ તેઓ કલ્પના કરતા હતાં. બાપુએ લખ્યું છે કે, ”મિત્રોની સાથે સારી પેઠે ચર્ચા કરી, છેવટે આશ્રમનું નામ સત્યાગ્રહાશ્રમ રાખવામાં આવ્યું… મારું જીવન સત્યની શોધને અર્પાયેલું છે. તેની શોધને સારું જ જીવવવાનું અને જરૂર જણાય તો મરવાનો આગ્રહ છે.”

હાલમાં કોણ કરે છે આશ્રમનું સંચાલન?
વર્ષ 1950 સુધી કોચરબ આશ્રમ તેની મૂળ સ્થિતિમાં જ હતો. ભારતમાં ગાંધીજીએ સ્થાપેલાં પ્રથમ આશ્રમ તરીકે જાળવી રાખી સ્મારક રૂપે વિકસાવવા તે વખતની મુંબઈ સરકારે તેને સ્મારકનો દરજ્જો આપી કાયમી ધોરણે જાળવી રાખવાનું જાહેર કર્યું. આ પછી સત્યાગ્રહ સ્મારક તરીકે 04 ઓક્ટોબર, 1953ના રોજ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1953થી કોચરબ આશ્રમનું સંચાલન ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે.

Most Popular

To Top