યુગો વીતે પછી ય ગાંધી ના પુરા સમજી શકાય એમ છે, કે તેના પુરા સમજાવી શકાય એમ છે… ગાંધીને ગમે એટલી ગોળી મારો પણ એમના વિચારો અવિનાશી છે.. દેહ તો કોઈપણ મહાપુરુષોનો નાશવંત હોય છે, પણ એમના તરફથી આ જગતને મળેલા વિચારોના અમીછાંટણા યુગો વીતે તોય તારોતાજા રહેતા હોય છે.. ગાંધી સ્વઘોષિત મહાત્મા કે રાષ્ટ્રપિતા નહોતાં. સુભાષચંદ્ર બોઝ સાથે કેટલાક વૈચારિક મતભેદ હોવા છતાંય સુભાષબાબુ ગાંધીજીને “રાષ્ટ્રપિતા” તરીકે સંબોધે એ આજના કલુષિત ને નિમ્નકક્ષાના રાજકારણમાં વિચારી પણ ન શકાય… જેમને સ્વયં મહાત્મા કહી શકાય એવા રવીન્દ્રનાથ ટાગોર જ્યારે ગાંધીજી ને “મહાત્મા” કહીને સંબોધે ત્યારે એનું મૂલ્ય અદકેરૂ બનતું હોય છે. ગાંધીજી સિદ્ધાંતવાદી હતા પરંતુ જડ નહોતાં. પોતાના માટે કઠોર પણ અન્યને માટે ઘણી વખત કુંપણ બની રહેતાં.. મહમદ અલી ઝીણા ને દારૂ પીરસવો કે ખાન અબ્દુલ ગફાર ખાન માટે માંસાહાર ની વ્યવસ્થા કરવી કે જવાહરલાલ નહેરુને સિગારેટનું પાકીટ ભેટમાં આપવું કે પુત્રવત્ મહાદેવ દેસાઈ માટે ક્યારેક ચા બનાવી આપવી.
જેવા કાર્યો ખરા અર્થમાં “મહાત્મા” હોય એ જ કરી શકે… ગાંધીજી નેચરોપથીના ચુસ્ત હિમાયતી હતા છતાંય એમને જીવનમાં બે વખત (વાઢકાપ) સર્જરી કરાવવી પડેલી. એક વખતે એપેન્ડિક્સનું ઓપરેશન અને બીજી વખતે પાઇલ્સનુ ઓપરેશન…. એક તરફ ગરીબ માનો દીકરો કહીને કીંમતી અને ડિઝાઇનર વસ્ત્રો પરિધાન કરી બનાવટી આત્મવિશ્વાસ છલકાવતા નટબાજો છે, તો બીજી તરફ જગતભરમાં વેલ ડ્રેસ માટે જાણીતા એવા અંગ્રેજો સામે કડકડતી ઠંડીમાં પોતડીભેર ગોળમેજી પરિષદમાં હાજર રહેવું એ કોઇ ગાંધી જેવો વિરલો જ કરી શકે.. વિચારી જુઓ..! આવી પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ કઈ કક્ષાનો હશે.. (ચર્ચિલ હંમેશા ગાંધીને નગ્ન ફકીર કહેતાં) મહાપુરુષોને સાચી અંજલિ એમના પૂતળાં ઉભા કરવામાં નહીં, પરંતુ તેમણે ચીંધેલા માર્ગે ચાલવામાં છે.. ગાંધી સહાદત વખતે ઘણા મહાનુભાવોએ અંજલિ આપી પણ અમેરિકન લેખક pearl buck આપેલી શ્રદ્ધાંજલી ધ્યાનાર્હ બની રહે છે.. એમણે કહ્યું હતું કે; “ઈસુ પછીની આ સૌથી મહાન શહાદત છે…”
સુરત – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.