સુરત: સુરતના (Surat) ભીમરાડ (Bhimrad) ગામમાં પ્રવાસન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીના (Purnesh Modi) હસ્તે ગાંધી સ્મારકનું ભુમિપુજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીએ આજથી 92 વર્ષ પહેલા ભીમરાડ ગામમાં દાંડી કૂચની સફળ યાત્રા બાદ એક સભાને સંબોધી હતી. આ સભામાં 30 હજારથી નાગરિકો જોડાયા હતા અને ગાંધી બાપુને શાંતિથી સાંભળ્યા હતા. ગાંધીજીના મુલ્યો અને આદર્શો આવનારી પેઢીને જાણે અને સમજે તે હેતું ભીમરાડ ખાતે ગાંધી સ્મારક આશ્રમનું સંકલ્પ રાજ્ય સરકાર દ્વારા કરાવામાં આવ્યું હતું. જેના માટે રૂ.10 કરોડની ફાળવણી રાજ્ય સરકરા દ્વારા કરવામાં આવી છે.
- સુરતના ભીમરાડ ગામ ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ગાંધી સ્મારક પ્રોજેકટનું ભુમિપુજન કરતા પ્રવાસનમંત્રી પૂર્ણેશભાઈ મોદી
- ભીમરાડ-ગાંધી સ્મારક પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજય સરકારે ૧૦ કરોડ ફાળવ્યા છે
- મારું જીવન એજ મારો સંદેશ ગાંધીજીના વિચારો આજે ૨૧મી સદીના ત્રીજા દાયકામાં પણ એટલા જ સ્વીકૃત છે મંત્રી પૂર્ણેશભાઈ મોદી
- ભીમરાડ ગાંધી સ્મારક પર્યટક સ્થળ તરીકેનાં વિકાસ થતા સ્થાનિકોને રોજગારી પ્રાપ્ત થશે સાંસદ સી.આર.પાટીલ
ગુજરાત પ્રવાસન નિગમ લિ.દ્વારા સુરતના ભીમરાડ ગામ ખાતે રૂા.૧૦ કરોડના ખર્ચે નિર્મિત થનારા ‘ગાંધી સ્મારક’નું માર્ગ અને મકાન તથા પ્રવાસન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદીના વરદ્દહસ્તે ભુમિપુજન સંપન્ન થયું હતું. ભીમરાડગામની ભુમિનું ઐતિહાસિક મહત્વ સમજાવતાં મંત્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ૧૯૩૦માં અંગ્રેજોએ મીઠા પર કર લગાવ્યો જેને નાબુદ કરવા માટે ગાંધીજીએ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ અમદાવાદ થી દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રાની પૂર્ણાહુતિ ૬ એપ્રિલના રોજ થઈ હતી. દાંડીથી પરત ફરી ૯ એપ્રિલ ૧૯૩૦ના રોજ પુજ્ય બાપુ સહિત અન્ય સત્યાગ્રહીઓએ ભીમરાડ ગામે આવી સભા સંબોધી હતી. પૂજય બાપુને સાંભળવા માટે આસપાસના વિસ્તારમાંથી ૩૦ હજારથી વધુની જનમેદની ઉમટી પડી હતી. બાપુએ સંબોધેલી ઐતિહાસિક સભાને આજના દિવસે ૯૨ વર્ષ પુર્ણ થયા છે. ગાંધીજીના મુલ્યો અને આદર્શો આવનારી પેઢીને સદાય સ્મરણીય રહે તે માટે ભીમરાડ ખાતે ‘ગાંધી સ્મારક આશ્રમ’ના નિર્માણનો સંકલ્પ રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાનું મંત્રીએ કહ્યું હતું.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, “મારું જીવન એજ મારો સંદેશ છે. ગાંધીજીના વિચારો આજે ૨૧મી સદીના ત્રીજા દાયકામાં પણ એટલા જ સ્વીકૃત છે. ભીમરાડ ગામને ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની નેમ સાથે રાજય સરકારે રૂ.૧૦ કરોડની ફાળવણી કરી છે. આ પ્રોજકેટ આગામી બે વર્ષમાં સાકારિત થશે. જેમાં ગાંધી સભાગૃહ, મ્યુઝિયમ, પ્રાર્થના અને મલ્ટીપર્પઝ હોલ, પુસ્તકાલય, પ્રદર્શન હોલ, સંશોધન કેન્દ્ર, કૌશલ્ય વિકાસ અને વ્યવસાયિક તાલીમ કેન્દ્ર, સ્પોટર્સ એક્સિવિટી ગ્રાઉન્ડ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, ટોયલેટ બ્લોક્સ અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
આ પ્રસંગે સાસંદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભીમરાડની ઐતિહાસિક ધરતી પર ગાંધી સ્મારકનું નિર્માણ થઇ રહ્યું છે. આ આશ્રમના નિર્માણથી પ્રવાસીઓ ગાંધીજીના આદર્શોને જાણી શકશે. યુવાનો ગાંધી વિચાર અને સાદગીપુર્ણ જીવનની જાણકારી પ્રાપ્ત કરી શકશે. આ ઉપરાંત, પ્રતિ વર્ષ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે જેથી કરીને સ્થાનિકોને રોજગારી પણ પ્રાપ્ત થશે.
ભીમરાડ ગાંધી સ્મારક સમિતિ પ્રમુખશ્રી બળવંતભાઈ પટેલે કહ્યું હતું કે, રાજય સરકારે ગાંધીજીના આદર્શો અને મૂલ્યોની જાળવણી માટે ભીમરાડ ગામને વિકસાવવા માટે કરોડોની ફાળવણી કરી છે જે બદલ ગ્રામજનો વતી આભારની લાગણી વ્યકત કરી હતી. સમગ્ર કાંઠા વિસ્તાર ચોર્યાંસી તાલુકા ગ્રામજનો અને શહેરીજનો આ ઉત્સવમાં જોડાયા હોવાનો આનંદ વ્યકત કરીને ગાંધીજી સાથે ભીમરાડને ઐતિહાસિક પળોને વાગોળતા કહ્યું કે, ભીમરાડ ખાતે મહાત્મા ગાંધીજી ૦૯ એપ્રિલ ૧૯૩૦ના રોજ આવી પહોચ્યા હતાં તે સમયે પરભુદાદા આહીરે પોતાના સ્વ હસ્તે બાપુને દુધનો ગ્લાસ પિવડાવ્યો હતો.
આ પ્રસંગે મેયર હેમાલીબેન બોધાવાલા,ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, વિવેકભાઇ પટેલ, પ્રવિણભાઇ ઘોઘારી, શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ગાંધી પરિવારના સભ્ય કિષ્ના ગજાનંદ કુલકર્ણી, પ્રખર ગાંધીવાદી પરિમલ દેસાઇ, સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશભાઇ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.