uncategorized

અંબિકાના રણિયામણા કિનારે વસેલું ગણદેવા

  • અંબિકા નદીના કિનારે વસેલું ગણદેવા ગામ ગણદેવી તાલુકાનું છેવાડાનું ગામ છે. અંદાજે 7000 થી વધુ વસ્તી ધરાવતા ગામના સરપંચ તરીકે સતીષ કટારિયા કાર્યરત છે. ગામના 36 ફળિયા આવેલા છે. ગામનો ઘેરાવો 7 કિલોમીટરનો છે. તેની એક તરફ નવસારી તાલુકાનું મહૂડી ગામ તથા બીજી તરફ ચીખલી તાલુકો લાગે છે. બે બેન્ક, બે પોસ્ટ ઓફિસ અને પાણી પુરવઠાની યોજના સાથે ગામમાં ઘણી સુવિધા છે. જો કે ગટર યોજના તમામ વિસ્તારમાં ન હોવાને કારણે પાણીના નિકાલમાં કેટલાક સ્થળોએ મુશ્કેલી જોવા મળે છે. ગામમાં શિક્ષણના સારી સુવિધા છે. સાત વર્ગો અને એક મુખ્ય શાળા ઉપરાંત લાયબ્રેરીની સારી સુવિધા છે. ખેતીનો મુખ્ય વ્યવસાય છે, ત્યારે ગામમાં સહકારી મંડળી પણ કાર્યરત છે. સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા છે, જો કે તે પેટે 200 રૂપિયાનો મોટો કહી શકાય એવો વેરો પણ ઉઘરાવાય છે. ગણદેવા ગામમાં ત્રણ હાઇ વે પસાર થાય છે. ગણદેવાના એક ફળિયા ખારેલ નજીકથી નેશનલ હાઇ વે પસાર થાય છે. જ્યારે બીજો નવો તૈયાર થઇ રહેલો અમદાવાદ મુંબઇ એક્સપ્રેસ વે પણ અહીંથી પસાર થવાનો છે, જ્યારે નાસિકને જોડતો એક હાઇવે પણ ગણદેવાની પાસેથી જ પસાર થવાનો છે. આ માર્ગોને કારણે ગામનો વિકાસ થાય એવા સંજોગો પણ ઉજળા છે.

અંબિકાના સુંદર રણિયામણા કિનારાને પર્યટન સ્થળ તરીકે વિકસાવો

અંબિકા નદી ગણદેવામાંથી પસાર થાય છે. ડાંગમાંથી નીકળેલી આ નદી ગણદેવી તાલુકાના ઘણા ગામો માટે જીવાદોરી સમાન છે. ડાંગ ખૂબ જ વરસાદવાળો પ્રદેશ છે, તેને કારણે ચોમાસામાં આ નદી બેકાંઠે થઇને ઘણી વખત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. જો કે ચોમાસાના ભારે વરસાદના દિવસો બાદ કરીએ તો અંબિકા નદી સૌમ્ય અને સુંદર છે. અંબિકા નદીનો કિનારો કુદરતનું અપ્રિતમ સૌંદર્ય ધરાવે છે. એ સૌંદર્ય પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી શકે છે. એ રીતે જો વિકસાવાય તો અંબિકા નદીની આસપાસનો વિસ્તાર એક પર્યટન સ્થળ બની શકે એમ છે.

ગણદેવી તાલુકાના મુખ્ય મથક ગણદેવીથી 10 કિલોમીટર અને જિલ્લાના મુખ્ય મથક નવસારીથી 15 કિલોમીટર દૂર આવેલું ગણદેવા ગામ ગ્રામ પંચાયત છે. જો કે ગામ ખૂબ જ મોટું છે. 36 ફળિયાનું બનેલા આ ગામનો વિસ્તાર 1553.07 હેક્ટર જમીનનો છે. ગામની કુલ વસ્તી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 7100ની છે. જો કે અહીં પુરૂષ અને મહિલાઓની વસ્તી વચ્ચે ખાસ તફાવત નથી. ગામમાં પુરૂષોની વસ્તી 3580 છે, જ્યારે મહિલાઓની વસ્તી 3520 છે. વસ્તીની ગીચતા જોઇએ તો દર ચોરસ કિલોમીટરે 671 લોકો વસે છે. ગામમાં 1630 ઘરો છે. ગામામાં દેસાઇ, કોળી પટેલ, ધોડિયા પટેલ, હળપતિ, મુસ્લિમો અને જૈનોની બહુધા વસ્તી છે. ગામની કુલ વસ્તીમાં 0.72 ટકા વસ્તી અનસૂચિત જાતિની છે, જ્યારે કુલ વસ્તીમાં 62.8 ટકા વસ્તી અનુસૂચિત જનજાતની છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ગામ રસ્તા માર્ગે અન્ય ગામો સાથે જોડાયેલું છે. રેલવેની સુવિધા માટે તેણે બીલીમોરા સ્ટેશન પર આધાર રાખવો પડે છે.

ગણદેવાની આસપાસ આવેલા ગામોમાં સૌથી નજીકનું ગામ મટવાડ, એંધલ, ખાપરિયા અને નોગામા છે,જે ગણદેવાથી 3 કિલોમીટરના અંતરે આવેલા છે. જયારે સુંથવાડ 4 કિલોમીટર દૂર આવેલું છે. ગણદેવાની પૂર્વમાં મહુવા તાલુકો આવેલો છે, જ્યારે પશ્ચિમમાં નવસારી તાલુકો, દક્ષિણમાં ચીખલી અને પશ્ચિમમાં જલાલપોર તાલુકો સંકળાયેલો છે. ગણદેવામાં હિન્દુ અને મુસ્લિમોની વસ્તી રહે છે. ગામમાં મંદિરો ઉપરાંત એક મસ્જિદ પણ આવેલી છે.

ગણદેવામાં અંબિકા નદીના કિનારે ગાઢ જંગલ પણ આવેલું છે. આ ઇમારતી લાકડાનું વન છે. અહીં અનેક પક્ષીઓ પણ જોવા મળે છે. નજીકમાં જ નદી હોવાને કારણે પાણીમાં રહેનારા કે માછલી ખાનારા અનેક પક્ષીઓ અહીં જોવા મળે છે. વડોદરા મુંબઇ એક્સપ્રેસ વે ગણદેવામાંથી પસાર થાય છે.આ એક્સપ્રેસ વે આઠ લેનનો હશે. ગણદેવા એના એક્સપ્રેસવેની લંબાઇ 27.50 કિલોમીટર છે. એ પ્રોજેક્ટનો ખર્ચ 1755 કરોડ રૂપિયા થશે.

વર્ચ્યુઅલ અને ઇન્ટરએક્ટિવ શિક્ષણથી સજ્જ ખારેલ હાઇસ્કુલ

ખારેલ હાઇસ્કુલની સ્થાપના 1952માં થઇ હતી. આજે તો શાળામાં જુનિયર કેજીથી માંડીને 12 સાયન્સ સુધીના ધોરણ ચાલે છે. કુલ 38 વર્ગોમાં 1650 જેટલા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સામાજિક ભાવિનું નિર્માણ થાય છે. શાળાનું છેલ્લા સાત વર્ષનું બોર્ડની પરીક્ષાનું પરિણામ 85 ટકાથી વધુ આવે છે. સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગિક વિકાસ થાય એ માટેના જુદા જુદા કાર્યક્રમોનું આયોદન થાય છે. અહીં શિક્ષણની સાથે સાથે કરાટેના વર્ગો, સંગીતનું શિક્ષણ અને આધુનિક યુગની સાથે સાથે બાળકો તાલ મિલાવી શકે એ માટે કમ્યુટરનું શિક્ષણ પણ આપવામાં આવે છે. ડિજીટલ ઇન્ડિયાનો યુગ શરૂ થયો છે, ત્યારે શાળા પણ આધુનિક ટેકનોલોજીને શિક્ષણ માટે ઉપયોગમાં લઇ રહી છે. અહીં વર્ચ્યુઅલ વર્ગો તથા ઇન્ટરએક્ટિવ વર્ગો દ્વારા પણ શિક્ષણ અપાય છે.

જંગલ સફારી પણ શરૂ થઇ શકે

અંબિકા નદીના તટ પર છસો વીઘાનું ઇમારતી લાકડાંનું જંગલ આવેલું છે. આ જંગલમાં દીપડા સહિતના પ્રાણીઓ રહે છે. એક સમયે એ જંગલ એવું ઘટોટપ હતું કે તેમાં દિવસે પણ સૂર્યપ્રકાશ ખાસ પહોંચતો ન હતો. અંબિકા નદીના કિનારે જંગલ આવેલું હોવાને કારણે અહીંના દીપડા સામે કિનારે મહુવામાં પણ ફરતા હોય તો નવાઇ નહીં. દીપડા અને ડુક્કરોનો ત્રાસ ખેડૂતોને વેઠવો પડે છે.અહીંના જંગલમાં જંગલ સફારી શરૂ થઇ શકે એમ છે. દીપડો તથા અન્ય પ્રાણીઓ ઉપરાંત અહીંનું પક્ષી જીવન પણ સમૃધ્ધ છે. કુદરતી ઇકો સિસ્ટમનું જીવન ચક્રમાં જૈવ વૈવિધ્ય પણ ઘણું છે અને તેનો લાભ લઇને પર્યટકો ખાસ કરીને પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી શકાય એમ છે. જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ પણ છે, જેને કારણે વૃક્ષ પ્રેમીઓને પણ અહીં અભ્યાસ કરવાની તક મળી શકે એમ છે.

સ્મોકલેસ નગરની અસુવિધા

નવસારીના સાંસદ સી.આર.પાટીલે ગણદેવી તાલુકાના ગણદેવા ગામને સ્મોકલેસ બનાવ્યું હતું. ગામના દરેક પરિવારને ગેસ જોડાણ પૂરા પાડીને તેમણે ધૂમાડારહિત ગામ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. જો કે સિલિન્ડરના વધતા ભાવ તથા ઓછી આવકના પગલે ઘણા ઘરોમાં હવે ગેસની સુવિધા બંધ થઇ છે. ધૂમાડારહિત ગામ બનાવવામાં વહીવટી તંત્ર એટલું ઘેલું બન્યું હતું કે રાહતદરનું કેરોસિન મળતું બંધ થઇ ગયું અને તેને કારણે હવે ગામલોકોને ન તો ગેસની સુવિધા મળે છે, ન કેરોસીનની. એ સંજોગોમાં ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા લોકો માટે ફરીથી કેરોસીન મળતું થાય એવું આર્થિક રીતે સામાન્ય એવા લોકો ઇચ્છી રહ્યા છે.

પ્રગતિશીલ ખેડૂત : સંજય નાયક

અજીતાબેન અને સંજય નાયક એ એવું ખેડૂત દંપતિ છે, પ્રગતિશીલ ખેડૂત દંપતિ છે. આ દંપતિ ખેતીપ્રધાન દેશમાં એક ઉદાહરણરૂપ દંપતિ છે. એક સમયે તેઓ કેરી વેચતા હતા. સુરત જેવા શહેરમાં કેરી તો ચપોચપ વેચાઇ જતી હોય છે. 1994માં કેરીનો સારો ભાવ નહીં મળતાં તેઓએ રીટેલમાં કેરી વેચવાનું શરૂ કર્યું, પરંતુ સી ગ્રેડની એટલે કે નાની કેરી કોઇ ખરીદે નહીં અને એ બગડી જતી હતી. તેનું નુકશાન વેઠવું પડે, તેને કારણે કંઇક ખાસ કરવાની ઇચ્છા થઇ. નવસારી કૃષિ કોલેજમાં લીધેલી તાલિમ લીધી હતી, તેનો ઉપયોગ કરીને કેરીનું મૂલ્યવર્ધન કામગીરી કરવાની દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું.

એ રીતે રસાયણનો ઉપયોગ વિના ફક્ત કેરી જ 14 પ્રકારના ફળોનો રસ તેઓ આજે પેક કરી વેચે છે. સાથે સાથે સ્થાનિક મહિલાઓને પણ એ રીતે રોજગારી પૂરી પાડે છે. સંજયભાઇ નાયકને કૃષિ ક્ષેત્રની આ કામગીરી બદલ 2002માં સરદાર પટેલ કૃષિ એવોર્ડ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એનાયત થયો હતો. એ જ વર્ષે નવસારી કૃષિ યુનિવર્સિટીનો પ્રગતિશીલ ખેડૂત એવોર્ડ, 2011માં લખનૌ ખાતે આઇસીએઆર ખાતે તત્કાલિન ભારત સરકારના હોર્ટીકલ્ચર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર એચ.પી.સિંઘના હસ્તે નેશનલ એવોર્ડ ફોર એસડીએસએચ બેસ્ટ એન્ટરપ્રિઝનરશીપ, 2013માં ઉત્તર પ્રદેશના તત્કાલિન રાજ્યપાલ બી.એલ.જોષીના હસ્તે એગ્રીકલ્ચર લિડરશીપ એવોર્ડ ફોર ઇનોવેટીવ ફાર્મિંગ એન્ડ ફાર્મ મેનેજમેન્ટ સિસ્ટમ એવોર્ડ એનાયત થયો હતો. એ ઉપરાંત 2012માં તેમને પ્લાનિંગ કમિશનના સભ્ય ડૉ. સદાવ્રતેના હસ્તે ઉદ્યમ રત્ન એવોર્જ એનાયત થયો હતો. સંજય નાયકે જબલપુર ખાતે રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વાષિઁક મીટીંગમાં અને ભારતીય બાગાયતી સંશોધન સંસ્થા બેંગ્લોર ખાતે હાઇ ડેન્સીટી પ્લાનટેશન અને વેલ્યુએડિશન પર પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.

સાક્ષરતામાં મહિલાઓ પાછળ

એમ તો દર 1000 છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા 848 છે. એવો જ તફાવત સાક્ષરતા દરમાં પણ જોવા મળે છે. પુરૂષો કરતાં મહિલાઓમાં સાક્ષરતા દર ઓછો છે. ગામનો સાક્ષરતા દર 83.86 ટકા છે. પુરૂષોનો સાક્ષરતા દર 88.86 ટકા અને  મહિલાઓનો સાક્ષરતા દર 78.87 ટકા છે. ગામમાં કુલ 5384 લોકો સાક્ષર છે, જેમાં પુરૂષોની સંખ્યા 2854 છે, જ્યારે મહિલાઓની સંખ્યા 2530 છે.

મુખ્ય દાતાઃ છગનભાઇ નાયક

ગણદેવા ગામમાં અનેક કામો પાછળ મુખ્ય દાતા મૂળ ગણદેવાના અને સુરતમાં રહેતા સ્વ. છગનભાઇ નાયકનો ફાળો મહત્વનો રહ્યો છે. તેઓ વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલા હોય, આર્થિક રીતે સંપન્ન હતા અને તેથી જ ગામમાં સ્મશાનભૂમિ, લાયબ્રેરી અને પાણીની સુવિધા કરી આપવામાં તેમનો આર્થિક સહયોગ વધુ રહ્યો હતો. ઉપરાંત ગામની શાળાની મરામત તેમજ બાળકોને પુસ્તકો આપવા જેવી પ્રવૃતિમાં પણ તેમનો સિંહફાળો રહ્યો છે.

ખેતમજુરોની સંખ્યા વધુ

ગણદેવા ગામમાં 2011ની વસ્તી ગણતરીના આધારે જોઇએ તો કુલ 3425 કામદારો છે, જેમાં ખેતમજુરીનું કામ કરનારાઓની સંખ્યા 2289 છે. ખેતમજુરી કરતા લોકોમાં પણ પુરૂષોનું પ્રાધાન્ય વધુ છે. 1385 પુરૂષો ખેતમજુરીનું કામ કરે છે, ત્યારે 904 મહિલાઓ પણ ખેતમજુરી કરી પરિવારને ટેકો આપે છે.

ખારેલ આઇટીઆઇ તથા અન્ય શિક્ષણ સુવિધામાં અનિલ નાયકનો ફાળો

ખારેલ ખાતે આઇટીઆઇ તથા અન્ય શિક્ષણ સંસ્થાઓ આવેલી છે. આ સંકુલનો વિકાસ કરવામાં હાઇસ્કુલના એક સમયના આચાર્ય ભરતભાઇ નાયક તથા લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન અનિલભાઇ નાયકનો સિંહફાળો રહ્યો છે. અનિલભાઇ નાયક અહીંથી નજીક આવેલા એંધલ ગામના વતની છે. અનિલભાઇ અહીંથી જ ઇજનેર થઇને આગળ વધ્યા છે. સામાન્ય કુટુંબમાંથી આવેલા અનિલભાઇ નાયક દેશની એક ટોચની કંપનીના કર્ણધાર બન્યા બાદ પણ વતનને ભુલ્યા નથી. હાલમાં જ તેમણે નવસારી ગ્રીડ નજીક એક કેન્સરની હોસ્પિટલનો પ્રારંભ કર્યો છે, તો બીજી એક મોટી હોસ્પિટલ શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. નવસારી તથા તેની આસપાસના ગામોના લોકોને સારી સ્વાસ્થ્ય સારવાર સેવા મળી શકે એ માટે તેઓ કાર્યરત છે. પૌત્રી નિરાલીને ગુમાવ્યા બાદ તેઓએ તેમના નામે એક ટ્રસ્ટ શરૂ કર્યું છે, જે લોકો માટે ઉપયોગી થઇ રહે એમ છે. ખારેલ ચોકડી ખાતે આઇટીઆઇ શરૂ કરીને તેમણે ગામડાંના ઓછા ભણેલા યુવાનોને રોજગારી મળી રહે એ રીતે ઔદ્યોગિક તાલિમ ધરાવતા કારિગરો પેદા થાય એ દિશામાં એક મહત્વનું કામ કર્યું છે.

Most Popular

To Top