સુરત: (Surat) પુરુષોની સાથે સાથે હવે મહિલાઓ (Women) પણ જુગારની ક્લબ (Gambling Club) ચલાવીને નાળ પેટે રૂપિયા ઉઘરાવી રહી છે. કાપોદ્રામાં એક મહિલા પોતાના ઘરે જુગારધામ ચલાવતી હોવાની માહિતી મળતા પોલીસે રેડ પાડીને 9 મહિલા જુગારી તેમજ એક પુરુષને પકડી પાડ્યો હતો. પોલીસે તેઓની પાસેથી 41 હજારની મતા પણ કબજે લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કાપોદ્રા શ્રીનાથજી સોસાયટી મકાન નં-૯૩ના બીજા માળે રહેતા નયનાબેન જયસુખભાઈ ડાભીએ આર્થિક લાભ માટે પોતાની મહિલા મિત્રોને જુગાર રમવા માટે બોલાવી હતી. નયનાબેનએ જુગારની દાવ ઉપરથી નાળ પેટે રૂપિયા પણ ઉઘરાવતી હતી અને પોતે પણ જુગાર રમતી હતી. નયનાબેન જ્યાં રહે છે તેની બાજુમાં જ તેની પોતાની બીજી એક રૂમ આવી છે. ત્યાં પુણાગામ બાલમુકુંદ સોસાયટીમાં રહેતી નિધિ વિનોદ પરમાર, કાપોદ્રાના શ્રીનાથજી સોસાયટીમાં રહેતી વિશાલબેન મથુર ડાભીને પોલીસે પકડી પાડ્યા હતાં.
ઉપરાંત અમરેલીના રાજુલા સ્મશાનગૃહ પાસે રહેતી લાભુબેન કાળુભાઈ જેઠવા, પુણાગામમાં બાલમુકુંદ સોસાયટીમાં રહેતા સંગીતાબેન વિનોદ પરમાર, પુણાગામ જયભવાની સોસાયટીમાં રહેતી સોનલબેન ગીરધર પરમાર, સરથાણા વ્રજચોક પાસે સ્વામિનારાયણ નગરમાં રહેતી ભાવનાબેન ભરત ચૌહાણ, કાપોદ્રાની શ્રીનાથજી સોસાયટીમાં રહેતો સુમનભાઈ રામજી પરમારને જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી અંગઝડતી તેમજ દાવ પરના મળીને કુલ્લે રૂા. 41 હજારની મતા કબજે કરી હતી. આ સાથે તમામની સામે ગુનો નોંધીને તેઓની ધરપકડ પણ કરી હતી.
ભરબપોરે મકાનનું તાળુ તોડી તસ્કરોએ કર્યો હાથ સાફ
સુરત : ગોડાદરામાં તસ્કરોએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હોય તેમ ભરબપોરે મકાનના દરવાજાનું તાળુ તોડીને રૂા. 3 લાખ રોકડા તેમજ દાગીના સહિત કુલ્લે 7.58 લાખની ચોરી કરી ગયા હતા. આ મકાનમાં બે ભાડુઆત હોવા છતાં તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરા લક્ષ્મીપાર્ક સોસાયટી વિભાગ-૧માં રહેતા સંતોષભાઈ સુબુધ્ધિ લીંકા બોમ્બે માર્કેટમાં બજરંગબલીના નામથી કરિયાણાની દુકાન ધરાવે છે. તેમના બે પુત્રો અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે, જ્યારે તેમની પુત્રી અઠવાલાઈન્સની કોલેજમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સંતોષભાઇ ગ્રાઉન્ડફ્લોર ઉપર રહે છે. જ્યારે ઉપરના બે માળ ભાડુઆતને આપ્યા છે. એક દિવસ પહેલા સંતોષભાઈ અને પુત્ર દુકાને ગયા હતા અને પત્ની બપોરે તેમને ટીફીન આપવા માટે દુકાને આવી હતી, આ ઉપરાંત તેમની પુત્રી કોલેજ ગઇ હતી ત્યારે અજાણ્યાઓએ તેમના ઘરને નિશાન બનાવવા આવ્યા હતા. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળુ તોડી નાંખીને ઘરના કબાટમાંથી રોકડા રૂા. 3 લાખ તેમજ અન્ય ચાર લાખના સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂા. 7.58 લાખની કિંમતની મત્તા ચોરી કરી ગયા હતા. ઘરે પરત ફરેલા સંતોષભાઇની પત્નીને ઘરનો સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો. બનાવની જાણ થતા જ સંતોષભાઇ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા, બનાવ અંગે ગોડાદરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.