SURAT

સુરતમાં વિચિત્ર ઘટનાઃ પોલીસથી બચવા જુગારીઓ તાપીમાં કૂદયા, બે ડૂબી ગયા

સુરતમાં દારૂ જુગારની બદી સામે આવી રહી છે. કોઝ વે નજીક તાપી નદીના કાંઠે 8થી 10 ઈસમો ઝાડી ઝાંખરામાં જુગાર રમવા બેઠા હતાં. આ દરમિયાન પોલીસના પેટ્રોલિંગની જાણ થતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ભાગેલા જુગારીઓ પૈકી બે જણા પોલીસથી બચવા તાપી નદીમાં કુદી ગયા હતાં. જેઓના મોત નીપજ્યાં હતાં. જેથી મૃતકોના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.

કોઝ વેમાંથી ગુલામ નબી ગુલામ મહંમદ સફેદા અને આમીનના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યાર બાદ બંનેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સામે આવ્યું કે પોલીસને જોઈને જુગારીઓ જુગારધામ છોડીને આમતેમ ભાગવા લાગ્યા હતા. ભાગદોડ દરમિયાન બે ઈસમો પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા. પાણીની ભરતી આવી જતા બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢી લીધા હતા.

મૃતક ગુલામ નબી સફેદાના સ્વજનોએ જણાવ્યું હતું કે, કોઝવે નજીક જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે રાંદેર ડી સ્ટાફ પોલીસ આવી જતા ગુલામ નબી સફેદા અને અન્ય કેટલાક વ્યક્તિઓ પોલીસને જોઈને ડરને માર્યા ભાગવા લાગ્યા હતા. પોલીસથી બચવા તેઓ નદીમાં કૂદી ગયા હતા અને પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે આ બંને ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. જે બચાવવા જવા ઈચ્છતા હતા તેમને પણ બચાવવા જવા દેવામાં આવ્યા ન હતા અને ત્યાર બાદ પોલીસ જતી રહી હતી. પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ.

Most Popular

To Top