Gujarat

વડોદરાના ગંભીરા બ્રિજના બે ટુકડા થયા, વાહનો મહીસાગર નદીમાં પડ્યા, 10ના મોત

આજે તા. 9 જુલાઈની કાળમુખી સવારે વડોદરામાં ગોઝારી દુર્ઘટના બની હતી. વડોદરાને આણંદથી જોડતા મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ અચાનક તુટી પડ્યો હતો. બ્રિજના રીતસર બે ટુકડા થઈ ગયા હતા.

  • મહી નદીની વચ્ચોવચ્ચ બ્રિજના બે ટુકડા થયા, 4 વાહન નીચે પડ્યા
  • પતિ-પુત્ર સાથે મહિલા 150 નીચે નદીમાં ખાબકી
  • એક ટેન્કર બ્રિજ પર લટકી પડ્યું, લોકો દોડી ગયા
  • આ દુર્ઘટનામાં 9ના મોત થયા, 5નું રેસ્ક્યુ

બ્રિજ તૂટ્યો ત્યારે તેના પરથી પસાર થઈ રહેલાં 4 વાહનો 150 ફૂટ નીચે નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. 8ને રેસ્ક્યુ કરાયા છે. દરમિયાન એક વીડિયોએ લોકોના હૃદય હચમચાવી દીધા છે.

આ વીડિયોમાં એક માતાનું આક્રંદ જોવા મળ્યું છે. પતિ અને પુત્ર સાથે બ્રિજ પરથી 150 ફૂટ નીચે નદીમાં ખાબકેલી આ માતા પોતાના પુત્ર અને પતિને બચાવવા માટે નદીની વચ્ચોવચ્ચ કમર સુધીના પાણીમાં ઉભી રહીને બૂમો પાડતી જોવા મળી રહી છે. પરંતુ નદી બંને કાંઠે વહેતી હોય કોઈની હિંમત નથી કે બચાવવા માટે હિંમત કરે. આ માતાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેનું હૈયાફાટ રૂદન દિલ હચમચાવી મુકે છે.

9ના મોત 5નું રેસ્ક્યુ
આ દુર્ઘટનાની જાણ થતા તંત્ર એલર્ટ થયું હતું. ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તંત્રએ મહી નદીમાંથી 9 મૃતદેહ બહાર કાઢ્યા છે. 5ને રેસ્ક્યુ કર્યા છે. 4 ઈજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં દ્વારકાના રાજુભાઈ હાથિયાર, છોટાઉદેપુરના ગણપતસિંહ રાજપૂત, નરેન્દ્ર પરમાર અને બોરસદના દિલીપ પઢીયારનો સમાવેશ થાય છે. ચારેય લોકોની તબીબો સારવાર કરી રહ્યાં છે. એસએસજી હોસ્પિટલનું તંત્ર ઘાયલોની સારવાર માટે ખડેપગે સેવા કરી રહ્યું છે.

સ્વયંસેવકો મદદ માટે દોડ્યા
ઘટનાની જાણ થયા બાદ આસપાસના રહીશો, વડોદરાની સેવાભાવી સંસ્થાના કાર્યકરો દોડી ગયા હતા અને તંત્રને મદદ માટે સાથ આપવા લાગ્યા હતા. સ્વયંસેવકોના લીધે રેસ્ક્યુ ઓપરેશનમાં વેગ આવ્યો હતો અને અનેક જીવ બચાવી શકાયા હતા.

તંત્રએ શું કહ્યું?
ઘટના સ્થળે પહોંચેલા કલેક્ટરે કહ્યું કે, ગંભીરા બ્રિજ અકસ્માતમાં 9 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નદીમાં પડેલા ટ્રકને બહાર કાઢવામાં તકલીફ પડી રહી છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિએ કહ્યું કે, આ ઘટના માટે કોઈને જવાબદાર ગણી શકાય નહીં.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના ૨૩ ગાળા પૈકીનો ૧ ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ કરવાની સૂચનાઓ આપી છે.

દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ બોટ્સ અને તરવૈયાઓ સાથે કાર્યરત છે, તેમજ NDRF ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ છે. આ દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે.

આ માટે ચીફ એન્જિનિયર – ડિઝાઇન તથા ચીફ ઇજનેર- સાઉથ ગુજરાત અને પૂલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઇજનેરોની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે.

Most Popular

To Top