SURAT

હોડીબંગલામાં મકાનની ગેલેરી તુટી, એકને ઈજાઃ મનપાએ 3 મહિના પહેલાં નોટિસ આપી હતી

શહેરના કોટ વિસ્તારમાં આવેલા હોડી બંગલા પાસે આજે સવારે એક જર્જરિત કોમ્પલેક્ષનો ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ જતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. હોનારતને પગલે કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર એક યુવક કાટમાળમાં દટાઈ ગયો હતો.

સ્થાનિકો દ્વારા ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતાં લાશ્કરોનો કાફલો ત્વરિત પહોંચ્યો હતો. કાટમાળમાં દબાયેલા યુવકનું રેસકયુ કર્યા બાદ એમ્બ્યુલન્સમાં ગંભીર હાલતમાં લોખાત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. પાલિકાની ટીમ દ્વારા કોમ્પલેક્ષનાં જર્જરિત 4 હિસ્સાને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે.

આજે તા. 5 જૂનને ગુરુવારની વહેલી સવારે સુરત મહાનગર પાલિકાનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં હોડી બંગલા પાસે આવેલા મલ્લિક બાબા કોમ્પલેક્ષનો ગેલેરીનો ભાગ ધડાકાભેર ધરાશાયી થયો હતો. જર્જરિત કોમ્પલેક્ષના ગેલેરીનો હિસ્સો જમીનદોસ્ત થતાં કોમ્પલેક્ષમાં વસવાટ કરતા 20 પરિવારોના જીવ અદ્ધર થયો હતો.

દુર્ઘટનાને પગલે કાટમાળમાં એક યુવક દબાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચક્ચાર પ્રસરી ગઈ હતી. આસપાસના રહીશોએ ફાયર વિભાગને જાણ કરતા કતારગામ, મુગલીસરા અને ધાંચી શેરી ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે ધસી ગઈ હતી. ફાયર વિભાગનાં લાશ્કરો દ્વારા કાટમાળમાં દબાયેલા યુવકનું રેસક્યુ કરાયું હતું. કાટમાળ નીચે દબાયેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકમાં આવેલ લોખાત હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં પટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ધસી ગયો હતો.

કોમ્પલેક્ષનાં રિપેરીંગની કામગીરી ચાલુ હતી
ફાયર વિભાગ અને પાલિકા દ્વારા જર્જરિત થઈ ચુકેલા મલ્લિક બાબા કોમ્પલેક્ષમાં વસવાટ કરતાં નાગરિકોનાં જીવને જોખમને ધ્યાને રાખીને નોટિસ ફટકારવામાં આવી હતી. જેને પગલે ઈમારતમાં વસવાટ કરતાં નાગરિકોએ પણ જર્જરિત કોમ્પલેક્ષનાં સમારકામ માટેની તજવીજ હાથ ધરી હતી. જેના ભાગરૂપે હાલમાં કોમ્પલેક્ષમાં આવેલ લાઈટ મીટરોનાં શિફટીંગ ભાદ તબક્કાવાર સમારકામ કરવામાં આવનાર હતું. અલબત્ત, ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે કોમ્પલેક્ષમાં વસવાટ કરતાં નાગરિકોને સ્થળાંતર માટેની સૂચના આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાલિકા દ્વારા કોમ્પલેક્ષ સીલ કરાયું
વહેલી સવારે હોડી બંગલા પાસે જર્જરિત કોમ્પલેક્ષનો ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં જ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં સેન્ટ્રલ ઝોનનાં અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલમાં પાલિકાની એક ટીમ દ્વારા સમગ્ર કોમ્પલેક્ષને કોર્ડન કરીને જોખમી હિસ્સો ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કોમ્પલેક્ષમાં વસવાટ કરતાં પરિવારોને પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની તાકિદ કરી દેવામાં આવી છે અને કોમ્પલેક્ષને સીલ કરી દેવામાં આવ્યું છે.

ત્રણ મહિના પહેલાં જ પાલિકાએ નોટિસ ફટકારી હતી
સચીનનાં પાલી ગામ હોનારતમાં સાત નિર્દોષ નાગરિકોનાં મોત બાદ સમગ્ર શહેરમાં જર્જરિત ઈમારતો વિરૂદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને જેના ભાગરૂપે જ પાલિકા અને ફાયર વિભાગ દ્વારા ઠેર-ઠેર સર્વેની કામગીરી શરૂ કરી હતી. જે દરમિયાન સેન્ટ્રલ ઝોન દ્વારા હોળી બંગલા ખાતે આવેલ મલ્લિક બાબા કોમ્પલેક્ષને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. જર્જરિત થઈ ચુકેલા કોમ્પલેક્ષમાં વસવાટ જોખમી હોવાને કારણે ફાયર વિભાગ દ્વારા પણ ગત 26મી મેનાં રોજ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને રહેવાસીઓને સલામતીનાં સાધનો વસાવવા માટે તાકિદ કરવામાં આવી હતી.

Most Popular

To Top