નડિયાદ: ગળતેશ્વર તાલુકાના રૂસ્તમપુરાની પરિણીતા પાસે દહેજમાં રૂપિયા ૨૦ લાખ રોકડા તેમજ જમીનની માંગણી કરી ઘરેથી કાઢી મુકનાર અમદાવાદના સાસરીયાઓ વિરૂધ્ધ મહિલા પોલીસમથકમાં ગુનો નોંધ્યો છે. ગળતેશ્વર તાલુકાના રૂસ્તમપુરામાં રહેતાં મંજુરહુસેન બાકરઅલી સૈયદની પુત્રી સીદીરફાતેમાના લગ્ન આઠેક વર્ષ અગાઉ અમદાવાદના રાયખડ વિસ્તારમાં રહેતાં મુજમ્મીલ સાકીરહુસેન સૈયદ સાથે થયાં હતાં. જોકે, પતિ મુજમ્મીલ, સાસુ મહેજબીન, નણંદ આયેશાસિદ્દીકા અને નણંદોઈ તસમીરહુસેન ભેગાં મળી સંતાન ન થવા મુદ્દે પણ સીદીરફાતેમાને મ્હેણાટોણા મારી તલ્લાક આપી દેવાની ધમકીઓ આપતાં હતાં. સમાજમાં કોઈના લગ્ન કે અન્ય કોઈ પ્રસંગમાં સીદીરફાતેમાને જવા પણ દેતાં ન હતાં.
બાદમાં સીદીરફાતેમાને સારા દિવસો રહ્યાં તે વખતે સારસંભાળ રાખવાની તસ્દી પણ લીધી ન હતી. ડિલેવરી સમયે દવાખાને મુકી સાસરીયાઓ ઘરે ભાગી ગયાં હતાં. ત્રણેક મહિના બાદ સીદીરફાતેમા પોતાના પુત્રને લઈને સાસરીમાં ગઈ હતી. જેના થોડા દિવસો બાદ સાસરીયાઓએ દહેજ પેટે ૨૦ લાખ રૂપિયા રોકડા તેમજ જમીનની માંગણી કરી સીદીરફાતેમા સાથે ઝઘડો કરી મારઝુડ કરી હતી. આ બનાવ અંગે સીદીરફાતેમાએ પતિ મુજમ્મીલ સાકીરહુસેન સૈયદ, સાસુ મહેજબીન, નણંદ આયેશાસિદ્દીકા અને નણંદોઈ તસમીરહુસેન સૈયદ સામે ફરીયાદ આપતાં મહિલા પોલીસે ગુનો નોંધ્યો હતો.