Charchapatra

ગાફેલ

ગાફેલ એટલે બેફામ, વિચાર્યા વિના અને જેમ આવે તેમ-જેમ ફાવે તેમ. વધુ પડતો નશો કરનાર નશાબાજ બેસુધ, બેહોશ, બેભાન કે મસ્ત હોય ત્યારે સાવ ગાફેલ બનીને વર્તન કરે છે. નશાની લહેરને કારણે બેફામ વાણી-વિલાસ કરે તેવું જોવા મળે. આ ગાફેલ બની જવું મોટે ભાગે નુકસાનકારક સાબિત થાય છે. ક્યારેક અશ્લીલ હરકતો પણ જોવા મળે, પછી લોકો મેથીપાક આપે. એમાં એકાદ પોલીસકર્મી પણ હોય ત્યારે સમગ્ર પોલીસતંત્રને હાનિ પહોંચાડે છે. આપણે ત્યાં “નેતાઓ બેફામ બોલે” વાક્ય જગજાહેર છે. કેટલાક વ્યક્તિની છાપ જ એવી હોય કે તે “આ તો બેફામ બોલે છે.” 

વિચાર કર્યા વિના, મરજીમાં આવે તેમ બોલવું કે વર્તવું પોતાને અને આજુબાજુનાં સૌ કોઈને મુશ્કેલીઓમાં મૂકી દે છે. કોઈ પણ બાબતમાં અતિ, અનહદ તો ન જ ચાલે. સાવ બેદરકાર બની, અસાવધ બની વર્તન કરે તેવાની કોઈએ પરવા કરવાની જરૂર નથી. એવી વ્યક્તિને એકલી છોડીને પદાર્થપાઠ શીખવવા જોઈએ. લક્ષ વિના, ધ્યાન વગર વાહન હંકારનારને જીવતાને મોત આપનારા નબીરાઓના કેસ સૌની જાણમાં છે. આવી ગફલત કરનારને સજા થવી જોઈએ કારણ કે, નિર્દોષ વ્યક્તિઓએ પ્રાણ ગુમાવવાનો વારો આવે છે. આમાં ખાસ કરીને શ્રમજીવીઓએ સહન કરવું પડે છે. નેશનલ ધોરીમાર્ગમાં આવા બેફામ કહેવાતાં ચાલકોને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાતા હોય છે.

આવી ભૂલ કે પ્રમાણ કરનાર પ્રમાદીને અસાવધ રહેવા માટે મોટી સજા થવી જોઈએ. કેટલીક વાર સુસ્ત અને આળસુ લોકો પણ ગાફિલ બનીને વ્યવહાર કરે છે. બેખબર લોકોને પાઠ ભણાવવા જોઈએ. અવિચારી પગલાં ભરનાર અન્યોને જોખમમાં મૂકી દેતા હોય છે. વાણી, વર્તન અને વ્યવહારમાં જરૂરી અંકુશ રાખવામાં સમજદારી છે. કહેવાતાં મોટાઓ બેફામ બની જાય તો પેલા બેફામ બની ગયેલા આખલાઓની જેમ માર્ગમાં આવનાર નિર્દોષ લોકોએ સહન કરવું પડે અથવા ક્યારેક જાન ખોવો પડે છે. મોટા હોય ને અનુજ સૌએ સમજણપૂર્વક વાણી, વર્તન અને સમગ્ર વ્યવહાર કરવો એ સમયની માંગ છે.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top