સુરતઃ લોકસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ઉમેદવારી પત્રક રદ થવાના લીધે વિવાદમાં સપડાયેલા કોંગ્રેસના સુરત બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી સામેનો વિરોધ હજુ પણ યથાવત છે. નિલેશ કુંભાણી દ્વારા દિવાળીની શુભેચ્છા આપતા પોસ્ટર્સ ઠેરઠેર લગાડવામાં આવ્યા હતા, તેની પર કોઈકે ગદ્દાર લખ્યું છે. પોસ્ટર પર ગદ્દાર લખ્યા બાદ તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા છે, જે દર્શાવે છે કે કુંભાણી વિરુદ્ધ વિરોધ હજુ યથાવત છે.
લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં સુરતની બેઠક બિનહરિફ જાહેર થઈ હતી. આ બેઠક બિનહરિફ જાહેર થતાં મુકેશ દલાલ વિના ચૂંટણીએ સાંસદ બની ગયા હતાં. ત્યારે કોંગ્રેસના મેન્ડેટ સાથેનું ફોર્મ રદ્દ થતાં નિલેશ કુંભાણી સામે જે તે વખતે જોવા મળતો વિરોધ હજુ પણ યથાવત હોવાનું સામે આવ્યું છે. દિવાળીની શુભકામના આપતાં નિલેશ કુંભાણીના પોસ્ટર પર કાળા અક્ષરથી ગદ્દાર લખવામાં આવ્યું હતું.
નિલેશ કુંભાણીના પોસ્ટર પર કાળા અક્ષરે ગદ્દાર લખવામાં આવ્યું છે. રિક્ષા પર દિવાળીની શુભકામના આપતાં નિલેશ કુંભાણીના પોસ્ટર પર રાત્રિ દરમિયાન ગદ્દાર લખવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટએ કહ્યું કે, નિલેશ કુંભાણીએ કોંગ્રેસની સાથે સાથે સુરતના મતદારો સાથે દ્રોહ કર્યો હતો. જે લોકો ભુલ્યા નથી. જેથી આ પ્રકારે વિરોધ કરી રહ્યાં છે. તમામ શરમ નેવે મૂકનાર દલાલના દલાલ નિલેશ કુંભાણીનો વિરોધ થાય તેમાં કોઈએ નવાઈ પમાડવી જોઈએ નહીં.
કુંભાણીએ કહ્યું મને પોસ્ટર અંગે કોઈ જાણ નથી..
પોસ્ટર પર લખાયેલા લખાણ અંગે પ્રતિક્રિયા આપતાં નિલેશ કુંભાણીએ કહ્યું કે, હું મારા વતનમાં છું. સુરતમાં નથી. પોસ્ટર કદાચ મારી ઓફિસથી લગાવાયા હોય શકે છે. જેની મને જાણ નથી. પોસ્ટર પર વિરોધમાં જે લખાયું હોય તે અંગે હું કંઈ કહેવા માગતો નથી. જો કે, આ વખતે નિલેશ કુંભાણીના પોસ્ટરમાં કેસરીયો કલર વધુ હોવા અંગે તેણે કહ્યું કે, મને પોસ્ટર કે કલર કશી જ ખબર નથી.
કુંભાણીનો કેમ વિરોધ?
લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક પર કોંગ્રેસ તરફથી નિલેશ કુંભાણીએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ નાટ્યાત્મક રીતે સાક્ષીઓ ફરી ગયા હતા. કુંભાણી પણ ગાયબ થઈ ગયા હતા, તેના પગલે ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો અને છેલ્લે કુંભાણીનું ફોર્મ ટેક્નિકલ કારણોસર રદ્દ થયું હતું. સુરતની આ બેઠક આખરે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ જીતી લીધી હતી. તેથી કોંગ્રેસના કાર્યકરો અને સુરત બેઠકના ઉમેદવારો ભારે રોષે ભરાયા હતા. મતદાનથી વંચિત રહી ગયેલા મતદારોને તેમની સાથે દ્રોહ થયાનો અનુભવ થયો હતો. આ બધું કુંભાણીએ ઈરાદાપૂર્વક કર્યું હોવાના કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યા હતા.