Sports

ગાબા ટેસ્ટ વરસાદના લીધે ડ્રો થઈ, હવે મેલબોર્નમાં મુકાબલો

નવી દિલ્હી: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 ની ત્રીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડ્રો થઈ. આજે તા. 18 ડિસેમ્બરના રોજ બ્રિસ્બેનના ગાબા ખાતે મેચનો છેલ્લો અને પાંચમો દિવસ હતો. પહેલા ખરાબ લાઇટ અને પછી વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. ત્યાર બાદ બંને કેપ્ટનની સહમતિથી આ મેચ ડ્રો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જ્યારે મેચ અટકી ત્યારે યશસ્વી જયસ્વાલ (4) અને કેએલ રાહુલ (4) ક્રિઝ પર હતા. જ્યારે ભારતીય ટીમે બીજા દાવમાં 8/0નો સ્કોર બનાવ્યો હતો. ટ્રેવિસ હેડને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેણે પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર 151 રન બનાવ્યા હતા.

ગાબા ટેસ્ટ ડ્રો થતાં 5 મેચોની આ સિરીઝ 1-1 થી બરાબર છે. શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી (બોક્સિંગ-ડે ટેસ્ટ) રમાશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ 89/7 પર ડિકલેર કર્યો હતો. આ રીતે ભારતને 275 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેને 54 ઓવરમાં (ન્યૂનતમ) પૂરો કરવાનો હતો.

ભારતીય ટીમ પ્રથમ દાવમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા, પર્થમાં BGT શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે 295 રનથી જીત મેળવી હતી, જ્યારે એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવી હતી.

અગાઉ બ્રિસ્બેન ગાબા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાત ટેસ્ટ રમાઈ હતી. આ દરમિયાન ભારતીય ટીમ 5 મેચ હારી છે અને એક મેચ ડ્રો પણ રહી છે. ગાબા ખાતે ભારતીય ટીમની એકમાત્ર ટેસ્ટ જીત જાન્યુઆરી 2021માં હતી. ત્યારબાદ તેણે અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાએ બીજો દાવ 89 રન પર ડિકલેર કર્યો
ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ 89 રન પર ડિકલેર કર્યો હતો. જોકે ભારતીય ઝડપી બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના પગલે ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટ ગુમાવી હતી. બીજા દાવમાં પણ ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાંચમા દિવસે જસપ્રીત બુમરાહે ખૂબ જ ઝડપથી ઉસ્માન ખ્વાજાને 8 રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો.

આના થોડા સમય પછી બુમરાહનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો અને તેણે માર્નસ લાબુશેન (1)ને વિકેટકીપર પંતના હાથે કેચ આઉટ કરાવ્યો. ત્યારપછી આકાશ દીપે તેની પહેલી જ ઓવરમાં નાથન મેકસ્વીની (4)ને પંતના હાથે કેચ કરાવ્યો. થોડા સમય બાદ આકાશે પણ મિચેલ માર્શ (2)ને પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

આ રીતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 28/4 થયો હતો. ત્યાર બાદ સ્ટીવ સ્મિથે મોહમ્મદ સિરાજના બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાનો ઝડપી રન બનાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો પરંતુ તે પછીના જ બોલ પર ફ્લિક કરવાનો પ્રયાસ કરતા પંતના હાથે કેચ આઉટ થયો. આ રીતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 33/5 થઈ ગયો. ટ્રેવિસ હેડ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તે પણ પોતાની ઈનિંગ્સને લાંબી લંબાવી શક્યો ન હતો અને 17 રન બનાવીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો.

હેડ પછી આવેલા કેપ્ટન પેટ કમિન્સે 10 બોલમાં 22 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે બુમરાહના બોલ પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. બીજી ઈનિંગમાં ભારત તરફથી જસપ્રિત બુમરાહે 3 જ્યારે મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે 2-2 વિકેટ ઝડપી હતી.

આકાશ-બુમરાહે ફોલોઓનથી બચાવ્યું હતું
ભારતીય ટીમ પ્રથમ દાવમાં માત્ર 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 185 રનની લીડ મળી છે. આ મેચમાં પણ ભારતનો ટોપ ઓર્ડર ખરાબ રીતે ફ્લોપ થયો અને બેટ્સમેનો એક પછી એક આઉટ થતા ગયા. ભારત તરફથી માત્ર કેએલ રાહુલ (84) અને રવિન્દ્ર જાડેજા (77) જ બેટિંગ કરી શક્યા. ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન પેટ કમિન્સે ભારતની પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે મિચેલ સ્ટાર્કને 3, જોશ હેઝલવુડ, નાથન લિયોન અને ટ્રેવિસ હેડને 1-1 સફળતા મળી હતી.

Most Popular

To Top