શહેરના પોશ વિસ્તાર ઘોડદોડ રોડ પર આવેલા G3ના ભવ્ય શોરૂમમાં ગઈકાલે શરદ પૂર્ણિમાની રાતે અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં શોપિંગ સેન્ટરના ઉપરના માળ પર ફસાયેલા 16 લોકોનું ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું હતું. સદ્દભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ ઘોડદોડ રોડ પર આવેલા G3 શો રૂમ ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનો છે. આ શો રૂમના બેઝમેન્ટ પરથી આગની શરૂઆત થઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ગ્રાઉન્ડ ફ્લોર પરના પીઓપી અને વાયરિંગમાં આગ લાગી હતી, જે ઝડપભેર ઉપરના માળ સુધી ફેલાઈ હતી.
આગની જવાળાઓ સાથે ધૂમાડો ઉઠ્યો હતો. જે ઝડપથી શો રૂમના ઉપરના ફ્લોર તરફ પ્રસર્યો હતો. ધૂમાડાના લીધે ગૂંગળામણ થતા ઓફિસમાં કામ કરતા 16 લોકો ઉપરના માળે ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડને આ મામલે જાણ કરાતા લાશ્કરો દોડી ગયા હતા અને તમામ 16 જણાનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું હતું.
ફાયરના સૂત્રોએ કહ્યું કે, બનાવની જાણ થતા માનદરવાજા, મજુરા અને વેસુ ફાયર સ્ટેશન સહિત પાંચ ઠેકાણેથી કુલ 10 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સમયસુચકતા વાપરી સુરક્ષા કવચ પહેરીને લાશકરો અંદર ઘુસી ગયા હતા. ધુમાડામાં ફસાયેલા લોકોને ટર્ન ટેબલ લેડરથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગ ઓલવવામાં આવી હતી. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કાપડનો સ્ટોક બળી ગયો છે. આગ લાગવાના કારણની તપાસ પોલીસ કરી રહી છે.