નવી દિલ્હી: G20ના (G20 Summit) સફળ આયોજન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મંગળવારે પહેલીવાર ભાજપ (BJP) કાર્યાલય પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓએ તેમના પર ફૂલોની વર્ષા કરી હતી. અહીં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમનું સ્વાગત (Welcome) કર્યું. પીએમ મોદી પહેલા ગૃહમંત્રી અમિત શાહ પાર્ટી ઓફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહ્યા હતા. G-20ની સફળતા બાદ PM મોદીને દેશ અને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે.
રાજધાની દિલ્હીમાં રાજકારણ ગરમાયો છે. જ્યાં એક તરફ શરદ પવારના ઘરે ઈન્ડિયા એલાયન્સની કોઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ હતી, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા છે. પીએમ મોદી બીજેપી હેડક્વાર્ટર ખાતે બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેશે. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં ભારતની અધ્યક્ષતામાં G-20નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, ઈટાલી, સાઉદી અરેબિયા, આર્જેન્ટિના સહિત વિશ્વના તમામ શક્તિશાળી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો હતો. નવી દિલ્હી ઘોષણા પર જી-20માં પણ સર્વસંમતિ સધાઈ છે. આને ભારત માટે ઐતિહાસિક ક્ષણ ગણાવવામાં આવી રહી છે. G-20 સમિટની સફળતા માટે PM મોદીને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે.
તેમજ પીએમ મોદીએ વિદેશ મંત્રાલયની ટીમ સાથે મુલાકાત કરી અને G20 માં તેમની સખત મહેનત અને સમર્પણની પ્રશંસા કરી અને સફળ ઇવેન્ટ માટે અભિનંદન આપ્યા હતા. પીએમ મોદી મંગળવારે અચાનક G20 સચિવાલય પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ અધિકારીઓ સાથે અંગત રીતે વાત કરી અને તેમના અનુભવો જાણ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી સાથે વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર હતા.
આગામી રાજ્ય ચૂંટણીઓ માટે પાર્ટીના ઉમેદવારોની ચર્ચા કરવા માટે કેન્દ્રીય ચૂંટણી બેઠક યોજવામાં આવશે. પીએમ મોદી, કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત અન્ય વરિષ્ઠ નેતાઓ CECના સભ્યો છે. મળતી માહિતી મુજબ, આ સમયગાળા દરમિયાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી થઈ શકે છે. સીઈસીએ ગયા મહિને એક બેઠક યોજી હતી અને મધ્યપ્રદેશની 39 બેઠકો અને છત્તીસગઢની 21 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી, જે તે બેઠકો માટે જાહેર કરવામાં આવી હતી જ્યાં ભાજપ પાસે વર્તમાન ધારાસભ્યો નથી.