Charchapatra

ફુતોબા-શિયોબા, બસ થયું, બહુ થયું

ઉપરના શબ્દો જાપાનીઝ શબ્દો છે, એનો અર્થ થાય છે બસ થયું, બસ કરો હવે. માનવી હજારો વર્ષથી યુધ્ધખોર માનસ ધરાવતો આવ્યો છે. શાંતિના અંચળા હેઠળ પણ યુધ્ધના જ વિચારો કરતો જોવા મળે છે. વાતો કરે છે. વસુધૈવ કુટુમ્બકમની પરંતુ પોતાના જ કુટુંબને સાચવી શકતો નથી. (રશિયાનો દાખલો જ પૂરતો છે). તે ભૂલી જાય છે કે યુધ્ધનાં પરિણામો કેટલાં કલંકિત હોય છે! આપણા વિશ્વને પડકારનારા પ્રશ્નો આ રહ્યા. યુધ્ધ, ધર્મ, (ધાર્મિક યુધ્ધો ખાસ!) વસ્તી વધારો, જાતિવાદ, બેકારી, પર્યાવરણ, ભ્રષ્ટાચાર વગેરે. પોતાના જ દેશમાં વરસ દહાડે પ્રદૂષિત પર્યાવરણને લીધે લાખો માણસોને મરવા દેનારા દેશો પર્યાવરણની ચર્ચા કરીને છૂટા પડતા હોય છે.

કુદરતના નિયમોની અવમાનના કરનારને કુદરત માફ કરતી નથી. અનિયંત્રિત જનસંખ્યાએ પ્રકૃતિ પર્યાવરણનો વિધ્વંસ કર્યો છે. પરિણામો ભોગવ્યે જ છૂટકો! વિકાસની પાછળ આંધળી બનેલી પ્રજા (સરકાર જ તો!) પ્રકૃતિને વેચવા કાઢે છે. ભ્રષ્ટાચાર તો જાણે શિષ્ટાચાર બની ગયો છે! બેંકોના વર્તમાન ગ્રાહકોના વ્યાજના દરો ખૂબ જ ઘટી ગયા હોવાથી સિનિયર સીટીઝનોની વાંકી વળેલી કમર બેવડાઇ ગયેલી છે. જેની સરકાર વેપારી તેની પ્રજા ભિખારી! પક્ષપલટો તેમજ રોડ શો પાછળ બેહિસાબ નાણાં ખર્ચીને પોતાનો પક્ષ તથા ચહેરો ઉજળો બનાવવાની કળા અદ્‌ભુત જ કહેવાય ને! અમીરની રોટલી કે ગરીબનો રોટલો બંનેનો આકાર તો સરખો જ હોય છે.
પાલ ભાઠા – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

તો સંબંધ બગડે
આપણે આપણાં સગાં સંબંધી કે મિત્રો-સ્નેહીઓ સાથે પૈસાની લેવડદેવડનો સંબંધ રાખવો જોઇએ નહીં. કારણ કે સ્નેહ અને સંપત્તિને કદી બનતું નથી. તેમ કરવાથી ઘણી વાર આપણા અન્ય સાથેના સંબંધો બગડે છે. તેથી પૈસાની લેવડદેવડ કરવી હોય તો જોઇ વિચારીને કરવી જોઇએ. કોઇકે સુંદર કહ્યું છે કે સગાં સાથે દેણદાર કે લેણદાર બનવું જોઇએ નહીં. સ્નેહીઓ સાથે પૈસાની લેવડદેવડ કરતાં ક્યારેક આપણે મુશ્કેલીમાં મુકાઇએ છીએ. શરમના ભોગે આપણે જરૂર પડે ત્યારે પૈસા માગી ન શકીએ, કોઇ સમયસર પૈસા પાછા ન આપે, પૈસાની વારંવાર ઉઘરાણી કરવાથી સંબંધો દિન પ્રતિદિન બગડતાં જાય માટે આવી વ્યક્તિને મદદ કરવાનું પગલું ભરતાં પહેલાં ઊંડો વિચાર કરવો જરૂરી છે.

સગપણમાં સ્નેહમાં
દેણા લેણા દામ
અંતે હેત રહે નહિ
કરજો જોઇને કામ
બામણિયા – મુકેશ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top