તાજેતરમાં ગણેશોત્સવ ગયો અને હવે થોડાક દિવસોમાં નવરાત્રી મહોત્સવ શરૂ થશે. આ અંગેની તૈયારીઓના ભાગરૂપે આયોજક મંડળો ઘરદીઠ, સોસાયટી દીઠ તથા બજારમાં આવેલી દુકાનો દીઠ ફંડ ફાળો ઉઘરાવવાનું શરૂ કરી દે છે. આવાં આયોજક મંડળો ધાકધમકી તથા શરમનો દુરુપયોગ કરીને બહુ મોટી રકમનો ફાળો ઉઘરાવે છે. જે વ્યક્તિઓ ખમતીધર છે તે લોકો પાસેથી આયોજક મંડળો મ્હોં માંગી રકમનો ફાળો વસૂલે તો વાંધો નથી, પરંતુ જે વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નથી તેવી વ્યક્તિઓ પાસેથી સ્વૈચ્છિક અને યથાશક્તિ ફાળો ઉઘરાવવો જોઈએ.
હવે જે લોકોની બજારમાં નાની મોટી દુકાનો કે હાટડી છે એવાં લોકોને સોસાયટી સાથે કે ગરબાના સ્થળ અંગે કોઈ નિસ્બત હોતી નથી, છતાં પણ, તેમની પાસેથી બહુ મોટો ફાળો લેવામાં આવે છે. બજારમાં વિધર્મી વ્યક્તિઓની પણ દુકાનો હોય છે અને સ્વાભાવિક છે કે એવી વ્યક્તિઓને ગણેશોત્સવ કે નવરાત્રી મહોત્સવ અંગે કોઈ રુચિ કે રસ હોતો નથી તો આવી વ્યક્તિઓ સ્વૈચ્છિક જે ફંડ ફાળો લખાવે તે હસતાં મુખે સ્વીકારી લેવો જોઈએ. ઘણાં આયોજક મંડળનાં સભ્યો તો ચાર રસ્તા વચ્ચે ઊભા રહીને વાહનચાલકો તથા રાહદારીઓ પાસેથી ફરજિયાત ફાળો ઉઘરાવે છે. આ અંગે આયોજક મંડળો ઈશ્વરનો ડર રાખી સ્વૈચ્છિક કે યથાશક્તિ ફાળો ઉઘરાવવાનું રાખશે તો ઈશ્વર પણ એમાં રાજી રહેશે અને લોકોનો ઉત્સાહ પણ જળવાઈ રહેશે.
સુરત – યોગેશભાઈ આર. જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.