ન્યૂયોર્ક: ૨૦૦૨થી લઇને બે દાયકા કરતા વધુ સમયમાં વિદેશી સરકારો દ્વારા ભારતને (India) ૬૦ ભાગેડૂઓનું (fugitive) પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે, જયારે તેણે ૨૬/૧૧ના મુંબઇ હુમલાના (Mumbai Attack) કાવતરાખોરોને ન્યાય સમક્ષ લાવવામાં એક મોટો વિજય મેળવ્યો છે જેમાં અમેરિકાની (America) એક ફેડરલ કોર્ટ પાકિસ્તાની (Pakistan) મૂળના એક કેનેડિયન વેપારી તહવ્વુર રાણાની (Tahvur Rana) સોંપણી ભારતને કરવા માટે સહમત થઇ છે.
- અમેરિકા, યુએઇ, કેનેડા, થાઇલેન્ડ જેવા દેશોમાંથી આ ભાગેડૂ આરોપીઓનું ભારતને પ્રત્યાર્પણ કરાયું
- અમેરિકાની એક ફેડરલ કોર્ટ પાકિસ્તાની મૂળના એક કેનેડિયન વેપારી તહવ્વુર રાણાની સોંપણી ભારતને કરવા માટે સહમત થઇ
વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ફેબ્રુઆરી ૨૦૦૨ અને ડીસેમ્બર ૨૦૧૫ દરમ્યાન વિદેશી સરકારો દ્વારા ૬૦ ભાગેડૂઓનું ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે, જેમાંથી ૧૧નું પ્રત્યાર્પણ અમેરિકાથી, ૧૭નું સંયુકત આરબ અમીરાતથી, ચારનું કેનેડાથી અને ચારનું થાઇલેન્ડથી કરવામાં આવ્યું હતું. ગેંગસ્ટર અબુસાલેમ, કે જે ૧૯૯૩ના મુંબઇના શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકામાં તેની ભૂમિકા બદલ આજીવન કેદ ભોગવી રહ્યો છે તેનું પ્રત્યાર્પણ પોર્ટુગલથી નવેમ્બર, ૨૦૦પમાં કરવામાં આવ્યું હતું. ઇકબાલ શેખ કાસકર, ઇઝાજ પઠાન અને મુસ્તુફા ઉમર ડોસા – જે તમામ મુંબઇ વિસ્ફોટોના કેસમાં સંડોવાયેલા હતા તેમનું પ્રત્યાર્પણ ૨૦૦૩ની શરૂઆતમાં યુએઇ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતના જે ભાગેડૂઓનું તેને પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે તેઓ મોટેભાગે ત્રાસવાદ, સંગઠીત ગુનાખોરી, ગુનાહિત કાવતરું અને છેતરપિંડી, હત્યા, દેશ સામે યુદ્ધ છેડવું, નાણાકીય છેતરપિંડી વગેરે ગુનાઓમાં સંડોવાયેલા હતા.
અત્રે ઉલ્લેખીય છે કે અમેરિકી સરકાર અને ભારત સરકાર વચ્ચે ૨૫ જૂન, ૧૯૯૭ના રોજ પ્રત્યાર્પણ સંધિ થઇ હતી જે સમયે અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટન અને ભારતના વડાપ્રધાન ઇન્દરકુમાર ગુજરાલ હતા. બંને દેશોના તે સમયના વિદેશ રાજ્ય મંત્રીઓ વચ્ચે આ સંધિ પર હસ્તાક્ષર થયા હતા.