Charchapatra

જ્યાંથી ગણતંત્ર ચાલે છે

ભારતની સંસદમાં ગૌરવપ્રદ ચિત્ર દેખાતું નથી. મનીપાવર અને મસલપાવર છવાયેલાં છે અને વર્તમાન સંસદના એક્સો પાંચ વિજેતા ઉમેદવારો ધોરણ પાંચથી બાર સુધી જ ભણેલાં છે. પાંચસો તેંતાળીસમાંથી પાંસચો ચાર કરોડપતિ જનપ્રતિનિધિઓ ગરીબ જનતાને માથે રહીને ખુશ છે. એ.ડી.આર.ના વિશ્લેષણ અનસાર ત્રાણું ટકા સાંસદો કરોડપતિ છે. સારું છે કે જેમણે પોતાને અભણ જાહેર કરેલા તેવા એકસો એકવીસ ઉમેદવારો હારી ગયાં. ભારતમાં એંશી કરોડથી વધુ નાગરિકો દયાદાન જેવા સ્વરૂપે પાંચ કિલો અનાજ પ્રતિમાસ મફતમાં ખાઈને જીવનનિર્વાહ કરે છે, તે શરમજનક પરિસ્થિતિ ચાલે છે.

ભૂખમરો, કુપોષણ, મોંઘવારી, બેરોજગારી, ઘરનો અભાવ જેવી કરુણ દશા સંસદમાં બિરાજમાન જનપ્રતિનિધિઓને કદાચ દેખાતી ન હોય કે તેમાંથી પસાર થવાનો અનુભવ ન થયો હોય. રાષ્ટ્રપિતા જેવી સંવેદના, સાદાઈ હોય તો જ સાચા જનસેવક કે જનપ્રતિનિધિ બની શકાય. અલ્પશિક્ષિત સાંસદો ભારતની જનતાને શિક્ષણ માટે કઈ રીતે સમૃદ્ધ કરી શકે અને નિરક્ષરતા નાબૂદી પણ કઈ રીતે કરી શકે તે પ્રશ્ન વણઉકેલ્યો જ રહે છે. મેનીફેસ્ટો કે સંકલ્પપત્ર ચૂંટણી પ્રચારનું જ સાધન બની રહે છે. ‘‘ગરીબી હટાઓ’’ સૂત્ર કરોડપતિઓના મોઢે મજાકરૂપ બની જાય છે.

આવા સંપત્તિવાન સાંસદો રજવાડી સુખસગવડ મેળવે છે. પેન્શન અને ભાડાં ભથ્થાં અમર્યાદ રહે છે. વર્તમાન કરોડપતિ સાંસદોનું હૃદય પીગળે અને દેશ માટે ધનસંપત્તિ ધરી દે તો એક જ વર્ષમાં દેશની દુર્દશા દૂર થઈ જાય, ગરીબી નાબૂદ થઈ જાય. શિક્ષણ અને આરોગ્ય માટે ખાસ પ્રદાન કરવાનું છે. વિકાસ યોજનાઓ અને રોજગારી માટે નિષ્ઠાપૂર્વક મંડી પડવાનું છે. દેશમાં સૌથી મોટા શત્રુઓ ભ્રષ્ટાચાર અને નફરતી વ્યવહાર છે. ‘જનસેવા એ જ પ્રભુસેવા’’ સમજીને આચરણ થાય તો કર્મને નામે આડંબર, દુરાગ્રહ, ભેદભાવને સ્થાન ન રહે. જ્યાંથી ગણતંત્ર ચાલે છે, તે સંસદ જ ‘‘મેરા ભારત મહાન’’ ભાવનાને સત્ય સ્વરૂપે સાકાર કરવામાં ઐતિહાસિક ભાગ ભજવી શકે. વિશ્વમાં ગૌરવપ્રદ બની શકાય.
સુરત – યુસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top