Columns

વસુધાથી વસુધૈવ કુટુંબકમ્‌ સુધી….

વસુધા એટલે પૃથ્વી. વિશ્વના વસુને ધારણ કરે છે તે ધરતી. જેને ‘ધરતીમાતા’ કહેવાય. માતા માટે કોને વહાલ ન હોય? જયારે આ તો સમસ્ત વિશ્વના માનવોની, પશુ-પક્ષીઓની, જડ અને ચેતન સમસ્ત સૃષ્ટિની જનની છે. આવી વિરાટ અને વહાલસોઇ માતાનો આપણે કદીયે વિચાર કર્યો નથી. આપણે હંમેશાં આપણી જાતનો જ વિચાર કરનારાઓ એવા માનવીઓ, કદી સ્વસુખના કુંડાળાની બહાર જઇને વિચારીએ છીએ ખરાં? વસુધૈવ કુટુંબકમ્‌ની ભાવના આપણે શબ્દોની ભાષા સુધી સીમિત રાખીએ છીએ. પરિણામે આજે પણ નાત – જાત – ધર્મ – કોમ – સંપ્રદાય – ભાષા – પ્રદેશ અને દેશની સરહદો અંકાયેલી જ રહે છે.

આપણે સામાન્ય રીતે એવી ફ્રેમની વચ્ચે જીવીએ છીએ કે જીવનની પ્રગતિ માટે શરીર અંતરાયરૂપ લાગે છે. આ ફ્રેમ એટલે ધરતી અને આકાશ. એની વચ્ચે આપણું માનવજીવન આયુષ્યના અંત સુધી વસુધાથી આરંભ કરી અનેક આકાશોને જન્મ આપીએ છીએ. તો વળી અનેક આકાશોને આંબવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. વાસ્તવિક જીવનમાં બને છે એવું કે આયુષ્યના આરંભથી અંત સુધીમાં આપણે નાનકડું આકાશ પણ આંબી શકતાં નથી. વસુધૈવ કુટુંબકમ્‌ની ભાવના જીવનના અંતિમ બિંદુ સુધી આકાર કરી શકતાં નથી.

જયાં સુધી આપણે આપણા મનની ક્ષિતિજને નહીં વિસ્તારીએ ત્યાં સુધી બીજાના હૃદય સુધીના સેતુ કેવી રીતે બની શકીએ? જયાં આપણું પોતાનું વિશ્વ જ સાંકડું છે ત્યાં વસુધાનો કે વસુધૈવ કુટુંબકમ્‌નો વિચાર કયાંથી આવે? આ વસુધા પર કરોડો પ્રાણીઓ – પક્ષીઓ શ્વાસ લઇ રહ્યા છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખોરાકનો આધાર પણ આ જ વસુધા પર રાખે છે. આ એ જ વસુધા છે. જેણે સંપત્તિની અને સમૃધ્ધિની ભેટ આપી છે. જેના પેટાળમાં વરસો જૂનો કુબેરનો ખજાનો છે, તે સાથે જીવનનું અક્ષયપાત્ર પણ છે. આ જ વસુધા કરોડોના જન્મ અને મૃત્યુની સાક્ષી પણ છે.

સમય પર અસહાય માનવીઓના કુટુંબ ભાવનાઓથી જોડાઇને આંસુઓ પણ લૂછ્યા છે. થાકેલા અને દુ:ખી માણસોને વિસામો પણ એણે જ આપ્યો છે. બુદ્ધિશાળી કહેવડાવતો માનવી જે નથી કરી શકતો તે આ વસુધા પોતાના સહસ્ત્ર હાથો વડે અને એકતાના બળે બધું જ કરે છે. એક બાજુ સહારાનું રણ છે તો બીજી બાજુ મીઠા જળાશયો પણ છે. સમુદ્રનું સંગીત પણ છે તો પર્વતોનો પડકાર પણ છે. જંગલોની ભુલભુલામણી પણ છે, તો સરળ વહેતી નદીઓનો પ્રવાહ પણ છે. અહીં શું નથી? આંસુ પણ છે અને આનંદ પણ છે. હતાશા પણ છે અને નિરાશા પણ છે. કથા પણ છે અને વ્યથા પણ છે. એવી વસુધાથી વિખૂટા પડવાનું માનવીને જરાય ગમતું નથી.

વસુધા પોતે જ સમસ્ત જીવોનું મહાવિદ્યાલય છે. માનવીએ જો વસુધાનો વિચાર કર્યો હોત તો વસુધૈવ કુટુંબકમ્‌ સાકાર થઇ શકયું હોત. વસુધૈવ કુટુંબકમ્‌ અર્થાત્‌ આપણે સૌ જીવાત્માઓ એક નિરાકાર પરમપિતા પરમાત્મા શિવનાં સંતાનો છીએ. એટલે આત્મિક દૃષ્ટિએ આપણે સૌ ભાઇ-ભાઇના સંબંધથી બંધાયેલા છીએ. આપણા સૌના પરમપિતા જ્ઞાન-ગુણ અને શકિતના સાગર છે. એટલે આપણે સૌ સંતાનો જ્ઞાન – ગુણ – શકિત સ્વરૂપ છીએ.

આપસના ભાઇ-ભાઇના સંબંધથી આપણો વ્યવહાર શુદ્ધ અને પવિત્ર હોવો જોઇએ. એકબીજાને સંકટ સમયે મદદરૂપ બનવાનો હોવો જોઇએ, પરંતુ વર્તમાન વિશ્વમાં નજર નાંખતા અનુભવાય છે કે નજીવી બાબત માટે ભાઇ-ભાઇની હત્યા કરતાં અચકાતો નથી. આ સમસ્યાનો ઉકેલ આપણે ભૂલી ગયા છીએ કે આપણે સૌ એક પરમાત્માની સંતાન હોવા છતાં આપસમાં વસુધૈવ કુટુંબકમ્‌ની ભાઇચારાની ભાવના સદંતર ભૂલી ગયા છીએ. મિત્રો, ચાલો એ ભૂલાઇ ગયેલી ભાઇચારાની ભાવનાને પરમાત્મા શિવ પિતાની યાદ સાથે અંતરમનને જાગૃત કરીએ અને આ વસુધાને ‘વસુધૈવ કુટુંબકમ્‌’ ની ભાવનાથી ભરપૂર કરવા સહયોગી બનીએ એવી શુભકામના.

Most Popular

To Top