Charchapatra

સુરતના નાગરિકના નજરેથી: ખાડીપૂર વ્યથા કે અવગણનાનું ચિત્ર?

દર વર્ષે ચોમાસું આવે એટલે સુરત અને આસપાસના વિસ્તારોમાં હજારો નાગરિકો માટે જીવન યાતનાવાળું બની જાય છે. આ વર્ષે પણ તે જ ચિત્ર; પાણી ભરેલા ઘરો, તળાવ બની ગયેલી સોસાયટીઓ, અને લોકોને પોતાના ઘરમાં જ કેદ થવાની ફરજ. આ પ્રશ્ન હવે કુદરતી કરતા માનવસર્જિત વધુ લાગવા લાગ્યો છે. કારણ કે તંત્રને પણ ખબર છે કે ખાડીપૂરનું કારણ માત્ર વરસાદ નહીં, પણ ખાડીની પરિસ્થિતિ, દબાણો અને જુદાજુદા ગેરકાયદે જોડાણો છે. મહાનગરપાલિકા પાસે દેશનું સૌથી મોટું સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક છે. જેને લઈને આપણને ગૌરવ છે. પણ વાસ્તવિકતા એ છે કે જ્યારે વરસાદ આવે ત્યારે આ ગૌરવ વગર જવાબદાર બને છે. એક જવાબદાર નાગરિક તરીકે મારે એ પૂછવું છે – શું ખાલી પત્ર લખવાથી સમસ્યા દૂર થાય? શું અધિકારીઓ અને નેતાઓએ એકવાર પણ જમીન પર હાલત જોઈ? જો એમના પોતાના ઘરમાં ખાડીનું પાણી ઘૂસી જાય તો? દર વર્ષે લોકો પોતાની નાની મોટી મિલકત બચાવવા સંઘર્ષ કરે છે. એમ કહેવામાં દુઃખ થાય છે કે ખાડી હવે ગટર બની ગઈ છે. ખાડીપૂર હવે સહનશીલતા કરતાં જવાબદારી માંગે છે. – એક સમયસર વેરા -ટેક્સ ભરતો વિચારશીલ નાગરિક.
પર્વત ગામ, સુરત- આશિષ ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top