લુણાવાડા : મહીસાગરના મુખ્યમથક લુણાવાડાની કોર્પોરેશન બેન્કના લોકરમાંથી સોના ચાંદીના ગુમ થયાની ઘટના બહાર આવતા ચકચાર મચી ગઇ છે. લુણાવાડા ખાતે આવેલા યુનિયન બેંકના લોકરમાંથી જાણીતા તબીબના રૂપિયા 22 લાખના સોના ચાંદીના દાગીના ગુમ થવાના બનાવ અંગે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ આપી છે. લુણાવાડામાં છેલ્લા 20 વરસ ઉપરાંતથી શાહ ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા જાણીતા ડોક્ટર સંજય શાહ અને તેમના પત્નીના નામે લુણાવાડાની કોર્પોરેશન બેન્કમાં છેલ્લા ઘણા સમયથી લોકર હતું, અને તેમાં 23મી જાન્યુઆરી 2020ના રોજ સોના ચાંદીના અંદાજિત 22 લાખના દાગીના કોર્પોરેશન બેન્ક લોકરમાં મૂક્યા હતા. જોકે, કોરોના લોકડાઉનના કારણે લાંબા સમય સુધી લોકર ઓપરેટ કર્યું નહતું. લુણાવાડા ખાતે આવેલી કોર્પોરેશન બેન્ક યુનિયન બેન્કમાં મર્જ થઇ જતા હાલ લુણાવાડા ખાતે યુનિયન બેન્કમાં બેન્ક લોકર ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.
સંજય શાહ જ્યારે તેમને કોઈ પ્રસંગમાં જવાનું હોય હોવાથી સંજય શાહ અને તેમના પત્ની બેન્કમાં જઈ લોકર ખોલ્યું તો એકપણ દાગીનો લોકરમાં ન દેખાતા ચોંકી ઉઠયા હતા. આથી, તપાસ કરતાં લોકરમાંથી કોઈ વ્યક્તિ દ્વારા ખોટી સહી કરી લોકરમાં રહેલા સોનાં ચાંદીના અંદાજિત 22 લાખના દાગીનાની તફડંચી કરી લોકર ખાલી કરી દેવામાં આવ્યું છે. તેમણે યુનિયન બેન્કના મેનેજરને લેખિતમાં ફરિયાદ કરી હતી. જો કે બેન્ક મેનેજર દ્વારા સમગ્ર મામલા અંગે યેનકેન પ્રકારે દિવસો લંબાવવા લાગ્યા ત્યારે ડૉ. સંજય શાહ દ્વારા લેખિતમાં દાગીના ચોરાયા હોવાથી બેન્કના સીસીટીવી પણ માંગણી કરી હતી. પરંતુ તે પણ ન આપતા આખરે ડો.સંજય શાહે પોતાના દાગીના પરત મેળવવા અને લોકરમાંથી દાગીના લઈ જનાર પર સખત કાર્યવાહીની માંગ સાથે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ આપી છે. બેન્કના લોકરમાંથી અન્ય વ્યક્તિ 22 લાખના દાગીના ચોરી કરી ખોટી સહી કરી લઈ પલાયન થઈ જતાં બેન્કના જવાબદારો સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.