વડોદરા: પારુલ યુનિવર્સિટી સંચાલિત સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન અને એક્સેલેટર સેન્ટર એવા ‘ વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શિત કરવા માટે વડ-એક્સ ટૉકનું આયોજન કરાયું હતુ. જેમાં ગુજરાતના ડાયમન્ડ બિઝિનેસ લીડર ગોવિંદ ધોળકિયા (ફાઉન્ડર અને ચેરમેન – શ્રી રામક્રિષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ) જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘વડ-એક્સ ટૉક’ શ્રેણી અંતર્ગત યોજાયેલા આ પહેલા સત્ર માં ગુજરાત ભર થી સ્ટાર્ટઅપ આંત્રપ્રેન્યોર્સ, ઇનોવેટર્સ, ઈકોસીસ્ટમ અનેબલર્સ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સામાન્ય ખેડૂત પરિવાર થી લઈને સફળ ડાયમંડ ટાયકૂન બનવાની સફર તેઓ એ પોતાના પ્રસંગો દ્વારા વર્ણવી હતી. તેઓ એ સ્ટાર્ટઅપ આંત્રપ્રેન્યોર્સ ના પ્રશ્નો ના જવાબ પણ આપ્યા હતા.
ઈમાનદારી, સત્યતા, કર્મચારીઓ અને ગ્રાહકો પ્રત્યેની પ્રતિબધ્ધતા જેવા ગુણો જ તમને સફળતાના શ્રેષ્ઠતમ શિખર પર લઇ જવા મદદરૂપ બનશે. નાની ઉમરમાં ઘર છોડીને સુરત શહેરમાં આવીને હીરા ઘસવાના કામ માં પરોવાઈ ગયો હતો, અને માર્કેટમાં નવું શીખતા રહી ને અમે પોતાનું કારખાનું નાખ્યું હતું.
દરેક મુશ્કેલીઓને પોતાની કોઠાસૂઝ અને કૌશલથી પાર કરતા કરતા આજે 6000 કરતા વધુ કર્મચારીઓ સાથે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આ ઉપરાંત તેઓ એ જણાવ્યું હતું કે, સહનશક્તિ એ સફળતા માટેની સૌથી મહત્વપૂર્ણ કડી છે
તેઓ દ્વારા વધુ માં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, ઘણી વાર નવા સ્ટાર્ટઅપ વેન્ચર ની શરૂઆત માં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. પરંતુ તે મુશ્કેલીઓ નો સામનો કરવા જો તમારી પાસે તમારા કર્મચારી / ટીમ મેમ્બર નો સાથ હશે તો તમારા સ્ટાર્ટઅપ વેન્ચર ના પ્રથમ પગથિયા થી લઇ હિમાલય જેટલો ઊંચો માર્ગ પણ ખુબ જ સરળતા થી સિદ્ધ થઇ શકે છે.
તેઓ દ્વારા ઉપસ્થિત સ્ટાર્ટઅપ આંત્રપ્રેન્યોર્સ સાથે રસપ્રદ ચર્ચા પણ ચર્ચા કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું; ‘નવા વેન્ચર ની શરૂઆત કેવી રીતે કરવી’, ‘પ્રોડક્ટ ની ગુણવત્તા કેવી રીતે જાળવી રાખવી’, ‘કર્મચારી / ટીમ મેમ્બર સાથે કેવી રીતે વાતચીત કરવી’ તથા ‘કસ્ટમર સાથે કેવી રીતે વ્યવહાર રાખવો’, જેવી તમામ બાબતો વિશે પણ યોગ્ય સમજણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે તેઓ એ પારુલ યુનિવર્સિર્ટી ને ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે કરવામાં આવેલ કાર્યો માટે બિરદાવ્યા હતા, અને યુવા ઉધોગસાહસિકો ને પ્રેરિત કર્યા હતા. આગામી દિવસો માં વડએક્સ ટોક ના માધ્યમ થી વધુ ને વધુ યુવાઓ માં ઉદ્યોગસાહસિકતા ના ગુણો કેળવવા માં આવશે.