1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી સૌથી સમર્થ મુખ્ય મંત્રી તરીકે જેમનું નામ નોંધાયેલું છે તેઓ એક પત્રકારની કારકિર્દી છોડીને રાજકારણમાં પ્રવેશ્યા હતા. આમ તો પત્રકાર અને રાજકારણ એક સિક્કાની બે બાજુ છે, પણ બંને પોત-પોતાની જગ્યાએ જ ખણખણતા સિક્કા છે. ઇતિહાસ તપાસીએ તો જાણવા મળે છે કે, રાજકારણમાં આવેલા અનેક પત્રકારો ખુબ જ સફળ રહ્યા છે. ગાંધીજીથી શરૂ કરીને અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, અરુણ શૌરી, એમ.જે.અકબર અને આમ આદમી પાર્ટીના હાલના સેકન્ડ નંબર મનિષ સિસોદિયા પણ પત્રકાર જ હતા.
ગુજરાતમાં આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને CM પદના ઉમેદવાર જાહેર કરીને એક નવો અધ્યાય માંડ્યો છે. એક પત્રકારનું રાજકીય ક્ષેત્રે સફળતાનું સૌથી મોટું ઉદાહરણ જોવું હોય તો એ માધવસિંહ સોલંકી છે. પત્રકારત્વમાંથી રાજકારણમાં આવેલા માધવસિંહ સોલંકીના નામે સૌથી વધુ બેઠકો જીતવાના રેકોર્ડ છે. આ રેકોર્ડને નરેન્દ્ર મોદી પણ તોડી શક્યાં નથી. માધવસિંહ સોલંકીએ 149 બેઠકો જીતવાનો રેકૉર્ડ ગુજરાતમાં કર્યો છે. આ એક જ એવી બાબત છે જે કદાચ નરેન્દ્ર મોદીને સુદ્ધાં ખૂંચ્યા કરી છે. તેઓ લાંબો સમય મુખ્ય મંત્રી રહ્યા પણ આટલી જંગી જીત મેળવી શક્યા નહીં. ગુજરાતના રાજકારણમાં એક પત્રકાર મુખ્યમંત્રી 149 બેઠકો જીતી શક્યાં છે ત્યારે આગામી ચૂંટણીમાં ગુજરાતનું ધ્યાન ઈસુદાન ગઢવી પર હશે એમાં કોઈ શંકા નથી.
આમ આદમી પાર્ટીએ પંજાબમાં જે પ્રયોગ હાથ ધર્યા એ બધા પ્રયોગો હવે ગુજરાતમાં ચાલી રહ્યા છે! પંજાબની માફક CMનો ચહેરો પસંદ કરવા માટે ગુજરાતમાં લોકોનો અભિપ્રાય માગ્યો હતો. એક નંબર આપ્યો હતો. લોકોએ 3 નવેમ્બર ગુરુવાર સાંજે 5 વાગ્યા સુધી પોતાના અભિપ્રાયો મોકલાવ્યાં હતાં. આમ તો આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 2 નામો પર ફિક્સ હતા, છતાં ગુજરાતની જનતા કોઈ ત્રીજું નામ સૂચવે તો તેનાં માટે પણ તૈયારી રાખી હતી. સંભવિત 2 નામમાં એક OBC હતું અને બીજું પાટીદાર. કેજરીવાલના બંને હાથમાં લાડુ હતો. આખરે પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયા પર OBC નેતા ઈસુદાન ગઢવીને લોકોએ ચૂંટી કાઢ્યાં હતા અને આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને ગુજરાતમાં પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.
નેતા બનતા પહેલા વ્યવસાયે પત્રકાર ઈસુદાન ગઢવી ટૂંકાગાળામાં લોકોના નાયક બની ગયા હતા. નાયક એટલા માટે બની ગયાં હતા કારણે તેઓ સત્તાને સવાલ કરતાં હતા. તેમની કાઠિયાવાડી શૈલીને કારણે તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર બની ગયા હતા. આલમ એ હતો કે તેમનો શો મહામંથન રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે આવતો હતો, પરંતુ લોકોની માંગને કારણે તેને 9.30 સુધી લંબાવી દેવામાં આવ્યો હતો. પોતાને ‘નાયક’ ગણાવતા ગઢવી જનતા માટે ન્યાયની વાત કરે છે. 40 વર્ષીય ગઢવી જામખંભાળિયા તાલુકાના પીપળીયા ગામમાં આર્થિક રીતે મજબૂત ખેડૂતોના પરિવારમાંથી આવે છે.
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે 29 ઑક્ટોબરે સુરતમાં પત્રકારપરિષદ યોજીને લોકોને પૂછ્યું હતું કે લોકો કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો બનવા માટે પક્ષપ્રમુખ ગોપાલ ઈટાલિયા, મહાસચિવ મનોજ સોરઠિયા જેવાં નામો રેસમાં હતાં. જોકે, સર્વેમાં ભાગ લેનારા લોકોએ બહુમતથી ઈસુદાન પર પસંદગી ઉતારી હતી.ઈસુદાન ગઢવી ગુજરાતી TV ડિબેટનું એક પ્રસ્થાપિત નામ બની ગયા હતા. V TV પર આવતા પ્રાઇમ ટાઇમ ડિબેટ ‘મહામંથન’ અને તેના ઍન્કર તરીકે ઈસુદાન ગઢવીની મજબૂત ઓળખ ઊભી થઈ હતી.
તેનું મુખ્ય કારણ એ હતું કે ‘મહામંથન’માં ખેડૂતો, મધ્યમવર્ગ, નાગરિકોને ખરેખર સ્પર્શતા હોય તેવા મુદ્દાઓની ચર્ચા વધારે થતી હતી. મીડિયાની તાકાત જૂઓ – એક ટીવી ડિબેટ શો હોસ્ટ કરીને ઈસુદાન આજે ગુજરાતના CMની ખુરશીના દાવેદાર બની ગયા છે. મજબૂત પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયા અને OBC નેતા ઈસુદાન ગઢવી વચ્ચે કેજરીવાલે કેમ ઈસુદાનને પસંદ કર્યા એ ગણિત પણ સમજવા જેવું છે. ઈસુદાન OBC કેટેગરીના છે. ખાસ વાત એ છે કે ગુજરાતમાં OBC સમાજના લોકો 48 ટકા છે. આ આંકડાઓ અને TV થી મળેલી લોકપ્રિયતા ઈસુદાનના ફેવરમાં જાય છે. આપ માટે આ કોમ્બિનેશન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ઈસુદાને પત્રકારત્વની તેની કારકિર્દીની ટોચ પર હતા ત્યારે 1 જુલાઈ, 2021ના રોજ અચાનક નોકરી છોડી દીધી હતી. તેમનું કહેવું છે કે તેમને કોંગ્રેસ, ભાજપ અને આપ તરફથી ઓફર મળી હતી. એક ઇન્ટરવ્યૂમાં ઈસુદાને કહ્યું હતું કે, મારી પાસે ત્રણેય ચોઈસ હતી, પણ પત્રકાર તરીકે મેં કોરોનામાં રાજ્યની જે પરિસ્થિતિ જોઈ હતી, તેમાં અવાજ ઉઠાવવો હોય તો ભાજપ કે કોંગ્રેસમાંથી હું કાંઈ ન કરી શકું. એટલે મેં લોકોનો અવાજ બનવા માટે આપ પર પસંદગી ઉતારી હતી.
અરવિંદ કેજરીવાલે આજે ગુજરાત ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી ત્યારે પિતાને યાદ કરીને ઈસુદાન ગઢવી ભાવુક બની ગયા હતા. તેમણે કહ્યું – હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું, પણ મારા પિતાએ મને ઘણું શીખવ્યું. તેઓ ગંભીર રીતે બીમાર હતા, તેથી મેં મારા કાગળો મૂક્યા હતા. હું મારા ગામ પાછો ગયો હતો, પરંતુ મારા પિતાએ જ મને પત્રકારત્વ ચાલુ રાખવા અને લોકોનો અવાજ બુલંદ કરવા અમદાવાદ પાછા જવાનું કહ્યું હતું. ગુજરાતમાં આપ ના ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવે તો એવો દાવો કર્યો હતો કે – ઈસુદાન ગઢવીના પાર્ટીમાં આગમન પછી રાજ્યમાંથી લાખો લોકોએ આપમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ પછી તરત જ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે આપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. આ વર્ષે જૂનમાં આપે ગુજરાત એકમનું વિસર્જન કર્યું હતું અને તેમાં માળખાકીય ફેરફારો કરીને નવા લોકોને સામેલ કર્યા હતા. ત્યારબાદ ઈસુદાનને આપ ના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. બાદમાં પાર્ટીએ જૂનાગઢમાં ગઢવીની આગેવાની હેઠળ ‘જનસંવેદન યાત્રા’ શરૂ કરી હતી. તે દરમિયાન તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આપે આની પાછળ ભાજપના લોકોનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ પણ ઇસુદાન ગઢવીની સ્વચ્છ છબી તેમને મુખ્યમંત્રી પદની રેસમાં પ્રબળ દાવેદાર બનાવે છે તેઓ રાજકીય રીતે ભલે બહુ અનુભવી નથી, પરંતુ લોકપ્રિય માનવામાં આવે છે અને તેમનું નામ કોઈપણ પ્રકારના વિવાદમાં આજ સુધી આવ્યું નથી. એટલા માટે ઇસુદાન ગઢવી આપ માટે એક આદર્શ ઉમેદવાર છે, જે આપણને ગુજરાતમાં પાયો મજબૂત કરવામાં મદદ કરશે.
ઈસુદાન ક્યારે ચર્ચામાં રહ્યા? ચૂંટણી પ્રચાર દરમિયાન ઇસુદાન ગઢવીએ ગુજરાતની આરોગ્ય વ્યવસ્થાને લઈને રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી, તેમણે કોરોના સંકટનો સામનો કરવામાં આવેલી નબળાઈઓને ટાંકીને ગુજરાતના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે – ભાજપ 2 દાયકાથી વધુ સમયથી સત્તામાં છે, પરંતુ કોરોના સંકટ દરમિયાન ગંભીર દર્દીઓને ઓક્સિજન પણ મળ્યો ન હતો, જરૂરી દવાઓ, હોસ્પિટલમાં બેડની અછત હતી.
ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે મહામારીમાં ગુજરાત સરકારની નીતિઓને કારણે, લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા, જેના કારણે ‘લાખો’ લોકો મૃત્યુ પામ્યા હતા.આ ઉપરાંત સુરતમાં પ્રખ્યાત રામદેવ પીર મંદિર સપ્ટેમ્બર 2021માં તોડી પાડવામાં આવ્યું હતું. ગઢવીએ આ મુદ્દો ઉઠાવીને ગુજરાત સરકારને લોકોની માફી માંગવાની માંગ કરી હતી. તે જ સમયે, ડિસેમ્બર 2021માં ઇસુદાન ગઢવીએ સેંકડો કાર્યકરો સાથે કથિત પેપર લીકના સંબંધમાં ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલયની બહાર વિરોધ કર્યો હતો. જે બાદ પોલીસે ગઢવી સહિત પક્ષના અનેક લોકોની ધરપકડ કરી હતી.
ખેડૂતોના મુદ્દે પણ ગઢવીએ ગુજરાત સરકાર પાસે જવાબ માગવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે MSP, યુરિયાના કાળાબજાર અને કૃષિ કાયદાઓને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર પર ઘણી વખત પ્રહારો કર્યા હતા. કૃષિ અધિનિયમ પાછો ખેંચવાના કેન્દ્રના નિર્ણય અંગે ગઢવીએ કહ્યું હતું કે શાસક પક્ષે ચૂંટણીના ડરથી આવું કર્યું છે. ભલે ઈસુદાનની સરખામણી માધવસિંહ સોલંકી સાથે ન થાય, પણ ગુજરાતનો ઇતિહાસ કહે છે કે, પત્રકારો એક સારા રાજકારણી બન્યા છે. જોકે, ગુજરાતમાં ઇસુદાનને કેવી સફળતા મળશે તેની કસોટી આ ચૂંટણીમાં થવાની છે. પત્રકાર તરીકેની લોકપ્રિયતા ઉપરાંત સમગ્ર રીતે પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને કેવી અને કેટલી પસંદ પડે છે તેના પર સમગ્ર આધાર છે.