આખરે હાર્દિક પટેલે રાજીનામું આપી જ દીધું. છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ કોંગ્રેસમાથી જાઉ, જાઉં કરતો હતો. શરૂઆતમાં કોંગ્રેસ વિરૂદ્ધ નિવેદનો કરીને હાર્દિક પટેલે માહોલ ઊભો કર્યો. કોંગ્રેસ હાઈકમાન્ડ સારૂં છે અને ગુજરાતના નેતાઓ ખરાબ છે તેવું કહી હાર્દિક પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડની સંવેદના મેળવાવનો પણ પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીએ ખુદ હાર્દિક પટેલ સાથે વાત કરીને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. હાર્દિક પટેલે છેલ્લે છેલ્લે કોંગ્રેસના સંમેલનોમાં પણ હાજરી આપી પરંતુ હવે હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપી જ દીધું.
હાર્દિક પટેલે ભાજપમાં જોડાવવા માટે રાજીનામું આપ્યું કે પછી આપમાં જોડાવવા માટે, તે સમય જ કહેશે પરંતુ હાર્દિક પટેલે રાજીનામું આપીને પોતાની રાજકીય કારકિર્દી પર પાણી ફેરવી દીધું છે. ત્યાં સુધી કે હાર્દિક પટેલ માટે હવે ગુજરાતના રાજકારણમાં આગળનું સ્થાન મેળવવું અઘરૂં છે. હાર્દિક પટેલની ઉંમર હાલમાં ખૂબ જ નાની છે. હાર્દિક પટેલ પાસે ઘણો સમય હતો અને લાંબી કારકિર્દી હતી પરંતુ હાર્દિક પટેલ ધીરજ રાખી શક્યો નહીં. રાજકારણ અનિશ્ચિતતાનો માહોલ છે. રાજકારણમાં એ જ વ્યક્તિ લાંબી રેસનો ઘોડો બને છે કે જેને સમજ છે કે ક્યારે શું છોડવું, શું પકડવું અને ક્યારે શું બોલવું?
હાર્દિક પટેલે જે રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું તે બતાવે છે હાર્દિક પટેલ રાજકારણ માટે પરિપકવ વ્યક્તિ નથી. જે રીતે શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને બાદમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પોતાની કારકિર્દીને ખતમ કરી નાખી તેવી જ હાલત હાર્દિક પટેલની થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. હાર્દિક પટેલે રાજીનામું આપીને જે ગણતરી માંડી હોય તે પરંતુ તેની ગણતરીના હાલના તબક્કે સફળ થાય તેમ નથી. બની શકે કે હાર્દિક પટેલ આગામી દિવસોમાં ભાજપમાં જોડાય જાય પરંતુ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓની સ્થિતિ હાલમાં સારી નથી. ભાજપે મંત્રી બનાવ્યા બાદ આખા મંત્રીમંડળને બદલી નાખ્યું અને કોંગ્રેસમાંથી ભાજપમાં જઈને મંત્રી બનેલા તમામ ઘરે બેસી ગયા.
હાર્દિક પટેલ ભાજપમાં જાય તો પણ તેને ધારાસભાની ટિકીટ અને કદાચ મંત્રી બનાવવામાં આવે, પરંતુ હાર્દિક પટેલ તેનાથી આગળ ક્યારેય ભાજપમાં વધી શકશે નહીં. ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સિવાયના નેતાઓ્ની શું કિંમત છે તે તમામને ખબર જ છે. હાર્દિક પટેલની કારકિર્દી પણ આનાથી હવે આગળ વધે તેવી સંભાવના છે. માની લો કે હાર્દિક પટેલ આપમાં જોડાય જાય. પરંતુ ગુજરાતમાં આપનું એટલું વર્ચસ્વ નથી. આપ દ્વારા કોંગ્રેસના મતો તોડવામાં આવે છે અને સરવાળે સીધો ફાયદો ભાજપને થઈ રહ્યો છે. એકમાત્ર સુરતમાં આપના 27 કોર્પોરેટરો ચૂંટાયા હતા અને તે પણ કોંગ્રેસને અગાઉની ચૂંટણીમાં મળેલા મતો આપને મળ્યા હતા. તેનો તેને ફાયદો થયો હતો. આ સિવાય એકેય ચૂંટણીમાં ગુજરાતમાં આપએ કાઠું કાઢ્યું નથી. હાર્દિક પટેલના આવવાથી આપને મોટો ફાયદો થઈ જાય તેવી સંભાવના નથી. બની શકે કે હાર્દિક પટેલના આવવાથી આપની કેટલીક સીટ વધી શકે પરંતુ આપ ગુજરાતમાં સત્તા પર બેસી જાય તેવી હાલમાં કોઈ જ સંભાવના નથી. આ સંજોગોમાં આપમાં ગયા બાદ પણ હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી ઝડપથી દોડતી થઈ જવાની સંભાવના નથી.
હાર્દિક પટેલે પાટીદાર આંદોલન કરીને પાટીદાર સમાજની અને લોકોની જે ચાહના મેળવી હતી તેમાં કોંગ્રેસમાં જોડાયા બાદ ઓટ આવી ગઈ હતી. હવે ભાજપમાં જઈને પાટીદાર સમાજની લાગણી પણ હાર્દિક પટેલ સાથે રહેશે કે કેમ? તે મોટો પ્રશ્ન છે. પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ પણ રાજકારણમાં આવવા માટે થનગની રહ્યા છે. હાર્દિક પટેલ પાટીદાર સમાજના એક નેતા તરીકે ઉભરી આવ્યો હતો ત્યારે હવે નરેશ પટેલ પણ રાજકારણમાં આવશે તો હાર્દિક પટેલની પાટીદાર આગેવાન તરીકેની ઉંચાઈ એટલી રહેશે નહીં. હાર્દિક પટેલ જે પાર્ટીમાં જાય તે પાર્ટીમાં નરેશ પટેલ પણ જોડાશે તો હાર્દિકની એટલી કિંમત નહીં થાય અને જો નરેશ પટેલ અને હાર્દિક પટેલ સામસામે પાર્ટીમાં આવશે તો ત્યાં પણ હાર્દિક પટેલ કરતાં નરેશ પટેલનો સ્વીકાર વધારે રહેશે. હાર્દિક પટેલે ખરેખર લાંબો વિચાર કરીને કોંગ્રેસમાં રહેવા જેવું હતું. કોંગ્રેસમાં નેતાઓની કદર થાય છે પરંતુ તેમાં સમય લાગે છે. પરંતુ જે રીતે હાર્દિક પટેલ દ્વારા ઉતાવળ કરવામાં આવી તે જોતાં આ હાર્દિક પટેલનો રાજકીય આપઘાત બની જાય તો નવાઈ નહીં હોય.