Charchapatra

ઊંડા અંધારેથી

એક સુંદર પ્રાર્થનામાં યાચના છે કે ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમતેજે તું લઇજા’ માતાના ર્ગભમાં શિશુ અંધકારમાં વિકસી પ્રસૂતિકાળે પ્રકાશ પામે છે. જગત અને જીવનમાં અંધકારને ભેદવો પડે છે. દૃષ્ટિહીન પ્રજ્ઞાચક્ષુઓ બાદ્યપ્રકાશ વિના પણ અંતરચક્ષુઓ વડે પ્રેરક જીવન જીવી જાય છે. બીજી બાજુ શઠ લોકોની છે, જેઓ ભોળી વ્યકિતને અંધારામાં રાખીને રમત રમી જાય છે. સ્વસ્થ આંખોવાળા પ્રકાશિત માહોલમાં પણ કપટનો ભોગ બને છે, જયારે અંધવ્યકિત અંધકારમાંયે સતેજ રહે છે. કેટલાક લોકોની અંધશ્રદ્ધા, ભકિતભાન, સ્વાર્થ વગેરે કારણોસર બુદ્ધિ પર અંધકાર છવાઇ જાય છે અને અંધભકત છતી આંખે બનીને ફરે છે એવું જ શિક્ષિત, વિચારશીલ નાસ્તિકોનું મન પણ અંધકારમાં ડૂબી જાય છે.

એ બધાને ઊંડા અંધારેથી ઉગારવા જરૂરી છે. રાજકુમાર સિદ્ધાર્થ વૈભવ વિલાસના રાજકુટુંબમાં હોવા છતાં સત્ય પ્રકાશની ખોટ અનુભવતા હતા તેથી ગૃહત્યાગ કરી તપસ્વી બની ગયા અને તેમના નામનો અર્થ સિધ્ધ થયો, જ્ઞાન પ્રકાશ બાધ્યો, અંધકારયુકતમાંથી અંધકાર મુકત થયા. માનસિક અંધકારને ભેદવા રાષ્ટ્રપિતા ગાંધીજી આજીવન સત્યના પ્રયોગો કરતા રહ્યા. અસામાજિક તત્ત્વો રાતોના રાજા બને છે. ચોરી, લૂંટફાટ, બળાત્કાર, હત્યા ગુંડાગીરી અંધારી આલમની હકીકતો છે. કાનૂની અપરાધનાં કામો માટે અંધારી આલમ સક્રિય રહે છે.

અંધારપટને કારણે સાક્ષી-સાબિતી શકય નહીં બનતા અપરાધીઓ ફાવી જાય છે. ભારતે તો ગોરાઓનાં કાળાં કરતૂતો સાથે બબ્બે સદી ગુલામીનો અંધકાર ભોગવેલો છે. હવે ભ્રષ્ટ નેતાઓ અંધકાર ફેલાવે છે. ગરીબી, બેરોજગારી, ભૂખમરો, કુપોષણ, બીમારીઓના અંધકારને સહન નહીં થતાં આપઘાતો પણ વધતા જાય છે. વિશ્વસ્તરે પણ વૈજ્ઞાનિક સિધ્ધિઓ હોવા છતાં ગંદા રાજકારણે માનવતા પર પ્રહારો કર્યા છે અને વિનાશક વિશ્વયુદ્ધની શરતયા વધારી છે, જે વિશ્વવ્યાપી અંધકારજ ફેલાવશે.
ઝાંપાબજાર,  સુરત – યૂસુફ એમ. ગુજરાતી         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top