સુરત : સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એમડી ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે. બાતમીના આધારે સાંજે કામરેજના વેલંજામાંથી રૂપિયા અઢી કરોડના એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડયા બાદ મોડીરાત્રે ભરૂચ પોલીસ સાથે અંકલેશ્વરની એક ફેક્ટરીમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે કામરેજના વેલંજા ખાતે કારમાં એમડી ડ્રગ્સ નો મોટો જથ્થો આવી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે વોચ ગોઠવી બાતમી મુજબની કાર દેખાતા તેને રોકી હતી અને તપાસ કરતા કાર માંથી અઢી કરોડ રૂપિયાથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ડ્રગ્સ કબ્જે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા એમડી ડ્રગ્સ અંકલેશ્વરની એક કેમિકલ ફેક્ટરી માંથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવતા મોડી રાત્રે સુરત અને ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વરની કેમિકલ ફેક્ટરીમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
એફએસએલની તપાસ બાદ આંકડો એક હજાર કરોડની પાર પહોંચી શકે
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અંકલેશ્વરની જે ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે ત્યાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો પોલીસને મળી આવ્યો છે. ત્યારે આ શંકાસ્પદ કેમિકલની તપાસ માટે ફેક્ટરી ખાતે એફએસએલની ટીમને બોલાવાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. એફએસએલની તપાસમાં જો આ શંકાસ્પદ કેમિકલ ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ થશે તો પકડાયે ડ્રગ્સના જથ્થા નો આ આંકડો એક હજાર કરોડ રૂપિયાથી વધુ પહોંચી જશે.
હાલમાં જ અંકલેશ્વરની ફેક્ટરીમાંથી પાંચ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું
તાજેતરમાં અંકલેશ્વરની એક આવકાર નામની ફેક્ટરીમાંથી પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ પકડાયું હતું. એટીએસ દ્વારા આ ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. આ પ્રકરણમાં ફેક્ટરીમાં ત્રણ સંચાલકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.