SURAT

કોલેજ સમયના બંને મિત્રોએ પૈસા કમાવવા માટે લોજિસ્ટિક સિસ્ટમમાં છેડછાડ કરી અને ઝડપાયા

સુરતઃ એક્સપ્રેસ બીજ બીઝીબી લોજિસ્ટિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સિસ્ટમ હેક કરી ૨૬૪૮ ઓર્ડર કંપનીના સિસ્ટમમાં ડિલિવર થયા હોવાનું બતાવી છેતરપિંડી કરાયાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ હતી. સાયબર ક્રાઈમ પોલીસે એનલાઈન વેપાર કરતા બે વેપારીની આ ગુનામાં ધરપકડ કરી છે.

સુરતના હજીરા-પલસાણા હાઇવે નજીક સોનારી સ્થિત એક્સપ્રેસ બીજ બીઝીબી લોજિસ્ટિક સોલ્યુશન પ્રા.લિ. કંપની મીસો, ટાટા, મયંત્રા, એમેઝોન, ફ્લીપકાર્ટ, વન એમજી, પામેજી જેવી અલગ અલગ કંપનીને ગ્રાહક પ્રોડક્ટનો ઓર્ડર કરે એ સેલર પાસે મેળવી ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરે છે. એ માટે ડેવલોપ કરેલી સિસ્ટમ હેઠળની એક એપ મારફતે કુરિયર બોય કુરિયર સ્કેન કરી મેળવીને કંપનીની બ્રાન્ચ ઓફિસમાં આપે પછી તેની સિક્યુરિટી ગાર્ડ રજિસ્ટરમાં એન્ટ્રી કરે છે. અને તે કુરિયર સચિન ઓફિસે આવ્યા બાદ ફરી સ્કેન કરી પિન કોડ વાઇઝ અલગ અલગ બેગો બનાવી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવે છે. તેની તમામ માહિતી લોજિસ્ટિક કંપનીની પુના સ્થિત ઓફિસે ઓનલાઈન જોઈ શકાય છે.

ગત તા.9 જુલાઈ, 2022ના રોજ પુનાની ઓફિસથી સુરત ઓફિસને મીસો કંપનીના 2648 ઓર્ડર કસ્ટમરને મળ્યા નથી, પણ સિસ્ટમમાં તેની ડિલિવરી થયાનું દેખાતાં હોવાની જાણ કરાઈ હતી. આ અંગે તપાસ કરતાં 6થી 9 જુલાઈ સુધીમાં કુલ 2648 ઓર્ડરની ખોટી એન્ટ્રીઓ ઊભી કરાઈ હતી. કંપનીની સિસ્ટમ હેક કરીને ઓર્ડરની એન્ટ્રી ઊભી કરી હોવાની આશંકાને આધારે એસોસીએટ મેનેજર ગુલશનપાલ યશપાલ ભાસીને સાયબર ક્રાઈમ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ હાથ ધરી સાયબર ક્રાઈમ પોલીસે બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ઓનલાઈન વેપાર કરતા બે વેપારીની ધરપકડ કરી હતી.

આરોપી પ્રણવકુમાર સોમિત્ર પ્રહલાદભાઇ પરીડા (ઉં.વ.૨૮) (રહે.,ઘર નં.૫૧૪, જલારામનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, છાપરાભાઠા રોડ, અમરોલી તથા મૂળ ગંજામ, ઓડિશા) અને રવિભાઇ મનસુખભાઇ મેઘજીભાઇ કાછડિયા (ઉં.વ.૨૯) (રહે.,ઘર નં.૯૪, શાંતિનગર સોસાયટી, સિલ્વર ચોકની પાસે, પુણાગામ, સુરત તથા મૂળ અમરેલી) ની ધરપકડ કરી હતી. પકડાયેલા બંને આરોપી કોલેજકાળના મિત્રો છે. બંને ઓનલાઈન વેપાર કરતા હોવાથી આ સમગ્ર લોજિસ્ટિક સિસ્ટમથી વાકેફ હતા. રવિ એન્ટ્રીઓ ઊભી કરતો અને પ્રણવ એકાઉન્ટમાં પૈસા જમા કરાવતો હતો.

Most Popular

To Top