વ્યારા: વ્યારાના ભાટપુરમાં વીજળી ફળિયામાં રહેતો યુવક ઉમેશ ઉર્ફે સીમાર ગામીત પ્લમ્બરિંગનું (Plumbing) કામ કરતો હતો. ગત 1 માર્ચે પથ્થર (Stone) વડે મોં (Face) છુંદાયેલી હાલતમાં કાનપુરાના નજીક ખટારી ફળિયામાંથી પસાર થતી ડોસવાડા વેર-૨ નહેરની બાજુમાંથી પસાર થતા કાચા રોડની બાજુમાં લાશ (Deadbody) મળી આવી હતી. જેની હત્યા પ્રેમ પ્રકરણની અદાવત રાખી મૂળ કાનપુરા ખટાર ફળિયાનો અને હાલ વ્યારાના વડકુઇમાં રહેતા તેના જ મિત્ર રોહિત ઉર્ફે પીન્ટુ જશવંત ગામીતે કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની અટક કરી વધુમાં તપાસ હાથ ધરી છે.
વ્યારા-ઉનાઈ નાકા બ્રિજ પાસે ટ્રક અડફેટે ઘાયલ બે પૈકી એક યુવતીનું મોત
વ્યારા: વ્યારાના ઉનાઇ નાકા બ્રિજ પાસે ગત તા.૨૭ ફેબ્રુઆરીએ સાંજે ૫:૩૦ વાગ્યાના અરસામાં મોપેડ લઈ ડબલ સવારી જતી બે યુવતીને અકસ્માત નડ્યો હતો. જેમાં એક યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બે યુવતી પોતાની મોપેડ લઈ તેમના કોઈ ફ્રેન્ડના ઘરે જઈ પરત આવતી હતી. ત્યારે ઉનાઈ નાકા બ્રિજ પાસે આ મોપેડનો કોઈ ટુ વ્હીલર સાથે અકસ્માત થયો હતો. જેમાં બંને નીચે પડી જતાં પાછળથી આવતી ટ્રકની અડફેટે આવી ગયાં હતાં. મોપેડ પર બેસેલી યુવતીઓમાં દીક્ષિતા અને અલ્પા બંને ગંભીર રીતે ઘવાઈ હતી, જેમાં દીક્ષિતાના બંને હાથ સહિત અન્ય ભાગેથી ટાયર ચઢી જતાં તુરંત જ રેફરલ હોસ્પિટલ વ્યારા ખાતે ખસેડાઈ હતી. જ્યાં દીક્ષિતા તથા તેની સાથે રહેલી અલ્પાની પ્રાથમિક સરવાર કરવામાં આવી હતી. દીક્ષિતાને વધુ ઈજા થઈ હોવાથી વધુ સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં સારવાર ચાલુ હતી. તા.૨૮ ફેબ્રુઆરીએ સાંજે ૫:૧૫ વાગ્યે ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આથી ટ્રકચાલક વિરુદ્ધ દીક્ષિતાના પિતા લક્ષ્મણ ભગીરથ સેને (ઉં.વ.૪૪) ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.