ઇરાક પર આક્રમણ કરવાનો આ એક માણસનો નિર્ણય પૂરેપૂરો અનુચિત અને ક્રૂર છે…મારો મતલબ યુક્રેન પર આક્રમણ કરવાનો.’’ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશનું વિધાન છે. થોડા દિવસ પહેલાં ડલાસ શહેરની સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટીમાં પ્રેસિડેન્શિયલ સેન્ટર ખાતે એક વક્તવ્ય આપતી વખતે તેમણે યુક્રેન પર રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનના આક્રમણની ટીકા કરી હતી પણ ભૂલમાં તેમના મોઢામાંથી ‘ઇરાક’નું નામ નીકળી ગયું, જે તેમણે તરત સુધારી લીધું.
શ્રોતાઓ હસી પડ્યા. બુશ છોભીલા પડી ગયા. જો કે આરબ વિશ્વમાં ને ખાસ તો ઈરાકમાં કોઈને એમાં હસવા જેવું લાગ્યું નહોતું. સામૂહિક નરસંહારના હથિયારો શોધવાના અને આતંકવાદનો અંત લાવવાના નામે બુશે ખુદ ઈરાક પર અનુચિત અને ક્રૂર આક્રમણ કર્યું હતું. તેને લઇને મુસ્લિમ દેશોમાં આજે પણ ગુસ્સો છે. દુનિયામાં ઇસ્લામિક આતંકવાદમાં વધારો થયો તેના એક કારણમાં બુશનું આ યુદ્ધ પણ ગણાય છે. અજાણતા જ બુશે પણ એ વાત કબૂલી લીધી.
બુશની સ્લિપ ઓફ ટંગ અંગે વજાહત અલી નામના એક કટારલેખકે લખ્યું હતું, ‘’જ્યોર્જ ડબ્લ્યુ. બુશને તેમની ભૂલનો એકરાર કરતા 20 વર્ષ લાગ્યા.’’ જસ્ટિન અમાશ નામના આરબ – અમેરિકન પ્રતિનિધિએ દાઢમાં કહ્યું હતું, ‘’તમે જો જ્યોર્જ ડબ્લ્યુ. બુશ હો તો તમે એક માણસના અનુચિત અને ક્રૂર આક્રમણ અંગે ભાષણ ઠોકી શકો.’’ MSNBC પર એક લોકપ્રિય હોસ્ટ મહેદી હસને કહ્યું, ‘’બુશ રશિયા અને તેના પ્રેસિડેન્ટની વાત કરવા જતા અત્યાર સુધીનો સૌથી મોટો એકરાર કરી બેઠા છે. મને હસવું નથી આવતું અને મને લાગે છે કે એ યુદ્ધમાં મરી ગયેલા હજારો ઈરાકીઓ અને અમેરિકન સૈનિકોના પરિવારોને પણ હસવું નહીં આવ્યું હોય.’’
આને ફ્રોઈડિયન સ્લિપ કહે છે. ગુજરાતીમાં તેને ‘’હૈયે હોય તે હોઠે’’ કહે છે. ઓસ્ટ્રિયન ન્યૂરોલોજીસ્ટ અને સાઈકોએનાલિસીસના સ્થાપક સિંગમન્ડ ફ્રોઇડે માણસની ભૂલમાં કશુંક બોલી જવાની વૃત્તિ પર ઘણું કામ કર્યું હતું એટલે તેને ‘’ફ્રોઈડિયન સ્લિપ’’ કહે છે. સાદી ભાષામાં તેને ‘સ્લિપ ઓફ ટંગ’ અથવા ‘જીભ લપસવી’ કહે છે. એનું વૈજ્ઞાનિક નામ પારાપ્રેક્સિસ છે. માણસના અવચેતન મનમાં દબાઈને પડેલી ભાવનાઓ જે અજાણતા શબ્દોની ભૂલ તરીકે વ્યક્ત થઇ જાય. તમે કહેવા કંઈક માંગતા હો, પણ બોલાઈ જાય કંઈક.
1901માં ‘’ધ સાઈકોપેથોલોજી ઓફ એવરીડે લાઈફ’’ નામના પુસ્તકમાં ફ્રોઇડે બોલતી વખતે જે લોચા પડે તેની પાછળ અવચેતન મનનાં કારણો, ઈચ્છાઓ, વિચારો અને લાગણીઓનો અભ્યાસ રજૂ કર્યો હતો. ફ્રોઇડે નામો કે શબ્દો ભૂલી જવાનાં કારણો પણ એમાં તપાસ્યાં હતાં. તે લખે છે કે માણસનું મન અનિચ્છનીય વિચારો અથવા માન્યતાઓને કોન્સિયસ ચેતનામાં આવતા રોકી રાખે (તેને રીપ્રેશન અથવા દમન પણ કહે છે) અને અવચેતનમાં પડેલી બાબતો અચાનક બોલવામાં વ્યકત થઇ જાય.
એનું એક સદાબહાર ઉદાહરણ પ્રેસિડેન્ટ જ્હોન કેનેડીના લઘુ બંધુ અને US એટર્ની જનરલ ટેડ કેનેડીનું છે. 1991માં એક ટેલિવિઝન ભાષણમાં તેમની જબાન લપસી હતી. ‘’અવર નેશનલ ઈન્ટરેસ્ટ ઓટ ટુ બી એન્કરેજ ધ બ્રેસ્ટ’’એ અટક્યા અને પછી સુધાર્યું – ‘’ધ બેસ્ટ.’’ (‘’આપણે આપણા રાષ્ટ્રહિતમાં જે શ્રેષ્ઠ હોય તેને પ્રોત્સાહન આપવું જોઈએ’’) પાછા તે જુસ્સા સાથે હવામાં બાચકા ભરતા હોય તેમ સંકેત કરતા હતા એટલે તેમની ફ્રોઈડિયન સ્લિપ વધુ સિમ્બોલિક બની ગઈ. (આ કેનેડી બંધુઓ તેમના સેક્સ પરાક્રમો માટે અમેરિકન ઇતિહાસમાં સૌથી કુખ્યાત છે. હોલિવૂડની મશહૂર એક્ટ્રેસ મેરિલિન મનરોના કસમયના મોત પાછળ આ ભાઈઓની ગંદી હરકતો જવાબદાર હતી તેમ મનાય છે).
સતત ભાષણો આપવાનું કામ કરતા રાજકારણીઓના આવા અનેક છબરડાઓ તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે છતું કરે છે. 2018માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક સભાને સંબોધતા તત્કાલીન પાર્ટી પ્રેસિડેન્ટ અમિત શાહે કહ્યું હતું, ‘’સૌથી ભ્રષ્ટ સરકારની જો સ્પર્ધા થાય તો યેદુરપ્પા સરકારનો પહેલો નંબર આવે.’’ તેમની સાથે મંચ પર ભાજપના મુખ્ય મંત્રી યેદુરપ્પા પણ ઉપસ્થિત હતા અને તેમણે જ મોટાભાઈને કાનમાં ભૂલ બતાવી હતી.
તાજેતરમાં આસામના મુખ્ય મંત્રી હેમંતા બિસ્વા સરમાએ આનાથી મોટું ‘બ્લંડર’ કર્યું હતું. તેમની સરકારનું એક વર્ષ પૂરું થયું તે નિમિતે ગૌહાટીમાં એક વિશાળ જનસભાને સંબોધતા તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ભારતના વડા પ્રધાન તરીકે સંબોધ્યા હતા. આ પૂરતું ન હોય તેમ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહમંત્રી કહીને બોલાવ્યા હતા.
આ ગોટાળાની અસર હતી કે નહીં તે તો ખબર નથી પરંતુ યોગાનુયોગે બે દિવસ પછી ભરૂચના એક કાર્યકમમાં વર્ચુઅલ સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે ‘’એક વરિષ્ઠ વિપક્ષી નેતાએ એક વાર મને પૂછ્યું હતું કે મોદીજી, બે વાર વડાપ્રધાન તો બન્યા છો. હવે શું બાકી રહ્યું છે? ત્યારે મેં કહ્યું હતું કે સરકારની યોજનાઓ 100% લાગુ ન થાય ત્યાં સુધી હું જંપવાનો નથી.’’
2010માં એક પત્રકાર પરિષદમાં તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહના હૈયે જે હતું તે હોઠે આવી ગયું હતું. સરકારમાં મતભેદ ચાલે છે, તેવી ગોસીપને લઈને એક પત્રકારના સવાલનો જવાબ વાળતા ડો. સિંહે કહ્યું હતું, ‘’વી આર નેશન ઓફ વન બિલિયન ડોલર્સ, સોરી, પીપલ…’’ વડા પ્રધાન ‘’લોકો’’ બોલવાના બદલે ‘’ડોલર્સ’’ બોલી ગયા હતા. કારણ કે એ પોતે અર્થશાસ્ત્રી છે અને હંમેશાં રૂપિયા – ડોલર અંગે મિલિયન અને બિલિયનની સંખ્યામાં વિચારતા હોય છે. કોઈકે ત્યારે એમાં ઊંડો અર્થ કાઢતાં લખ્યું હતું કે વડા પ્રધાન ભારતને એક બિલિયન નાગરિકોના દેશ તરીકે નહીં પણ એક બિલિયન કન્ઝ્યુમરના દેશ તરીકે જુએ છે તે બરાબર જ છે.
બુશના જ વહીવટીતંત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો કાર્યભાળ સંભાળનાર કોન્ડોલીઝા રાઈસનું વોશિંગ્ટન DCમાં એક ડીનર પાર્ટી વેળા ભાષણ હતું. તેમાં તે બોલી હતી કે ‘’એઝ આઈ વોઝ ટેલિંગ માય હસ્બ’’ – ‘’તેણે હસબંડ શબ્દ પૂરો કર્યા વગર તરત સુધાર્યું, ‘’એઝ આઈ વોઝ ટેલિંગ પ્રેસિડેન્ટ બુશ’’ (‘’હું પ્રેસિડેન્ટ બુશને કહેતી હતી તેમ…’’) અમેરિકન મીડિયાને મજા પડી ગઈ. બુશ અને રાઈસ વિશે કોઈ ગોસીપ નહોતું પરંતુ અવિવાહિત રાઈસ પ્રેસિડેન્ટ બુશ અને ફર્સ્ટ લેડી સાથે વીકએન્ડ્સ વિતાવે છે તેની નોંધ તો લેવામાં આવતી હતી. રાઈસની આ ફ્રોઈડિયન સ્લિપને લઈને મીડિયા ડો. ફ્રોઈડનું મફત વિશ્લેષણ કરવા મંડી પડ્યું હતું કે ‘’કુમારી’’ રાઈસના અવચેતન મનમાં તેના બોસ માટે સુંવાળી લાગણીઓ તો નથી ને!
ભાષા ચીજવસ્તુઓનું વર્ણન કરવાનું સાધન માત્ર નથી તે આપણી આઇડેન્ટિટીનું ગઠન કરવાનું માધ્યમ પણ છે. જાહેરમાં અને અંગતમાં, ચેતનમાં અને અવચેતનમાં આપણે કોણ છીએ તે આપણી ભાષાથી નક્કી થાય છે. આપણે જે વિચારીએ છીએ, જે અનુભવીએ છીએ તે બધું જ જો ભાષામાં વ્યક્ત થઇ જાય તો કદાચ આપણે બોલવાનું બંધ કરી દઈએ. એટલા માટે જ હૈયા અને હોઠનો, ચેતન અને અવચેતનનો એક સંઘર્ષ સતત ચાલતો હોય છે. મોટાભાગે તો હોઠનો જ રૂઆબ હોય છે પણ ક્યારેક હૈયું હોઠને છેતરી જાય છે.