આપણા દેશનું પૂર્વીય તટનું એક રાજ્ય ઓડિશા આમ તો એક ગરીબ રાજ્ય છે પરંતુ તે બે બાબતો માટે દેશભરમાં જાણીતું છે. એક તો તેની પુરી શહેરની વાર્ષિક જગન્નાથ યાત્રા અને બીજી એક બાબત માટે તે જાણીતું થયું છે તે તેના પર વારંવાર ત્રાટકતા વાવાઝોડાઓ. ઓડિશા પર જેટલા વાવાઝોડાઓ ત્રાટકે છે તેટલા ભારતના બીજા કોઇ રાજ્ય પર ત્રાટકતા નથી, અને આના માટે તેનું વિશિષ્ટ ભૌગોલિક સ્થાન જવાબદાર છે. આંધ્રપ્રદેશ અને બંગાળ પર પણ વાવાઝોડાઓ ત્રાટકે છે પરંતુ ઓડિશા જેટલા નહીં. આ ઓડિશા પર હાલમાં એક જવાદ નામનું વાવાઝોડું તોળાતું હતું પરંતુ સદભાગ્યે આ વાવાઝોડું નબળુ પડીને ડીપ્રેશનમાં ફેરવાઇ ગયું અને કોઇ જાનહાનિ કે મોટુ નુકસાન થયું નહીં. આ જવાદ વાવાઝોડા નિમિતે એક અહેવાલ બહાર આવ્યો કે ઓડિશાએ ૨૨ વર્ષના સમયગાળામાં દસ વાવાઝોડાઓનો સામનો કર્યો છે. જો કે આવી પ્રાકૃતિક આપત્તિઓનું આવવાનું પ્રમાણ વધી જ રહ્યું છે એમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું છે અને આ એક ચિંતાજનક બાબત છે.
૧૯૯૯ના સુપર સાયક્લોનની સ્મૃતિઓ હજી તાજી છે. તે વાવાઝોડામાં પવનની ઝડપ ભુવનેશ્વર ખાતેના હવામાન કેન્દ્ર દ્વારા નક્કી કરી શકાઇ ન હતી કારણ કે તેની તીવ્રતા એટલી હતી કે તે સમયે તે માપવા માટે માપકયંત્રની ક્ષમતા ન હતી. તે વાવાઝોડામાં દસ હજાર કરતા વધુ લોકો માર્યા ગયા હતા. તે સમયે વાવાઝોડાઓને નામ આપવાની પ્રથા ન હતી. તેના પછી આ રાજ્યે અન્ય એમ મોટી ધાતક ક્ષમતા વાળા વાવાઝોડા ફૈલિનનો સામનો ૨૦૧૩માં કર્યો. ત્યારે વાવાઝોડાઓને નામ આપવાનું ચલણ અસ્તિત્વમાં આવી ગયું હતું. ૧૨ ઓકટોબર, ૨૦૧૩ના રોજ આ વાવાઝોડું ગંજામ જિલ્લામાં ગોપાલપુર નજીક ત્રાટક્યું, અને ૧૯૯૯ના વાવાઝોડા પછી ભારતનું તે બીજું સૌથી શક્તિશાળી ટ્રોપિકલ વાવાઝોડું સાબિત થયું.
તે ઓડિશા પર કલાકના ૧૪૦ માઇલની ઝડપે ત્રાટક્યું હતું. આ વાવાઝોડાનો સામનો કરવા તે સમયે નવીન પટનાયકની સરકારે ભારે તૈયારીઓ કરી હતી અને શૂન્ય જાનહાનિનું લક્ષ્ય મૂક્યું હતું, છતાં આ વાવાઝોડામાં ૨૩નાં મોત થયા હતા. તેના પછી ૨૦૧૪માં ૧૨ ઓકટોબરે આંધ્રપ્રદેશના વિશાખાપટનમ શહેર પર હુદહુદ નામનું વાવાઝોડું ત્રાટક્યું. ઓડિશાને પણ આ વાવાઝોડાથી અસર થઇ હતી. આંધ્રપ્રદેશમાં હુદહુદ વાવાઝોડાથી ૬૦નાં મોત થયા હતા, જ્યારે ઓડિશામાં તેનાથી બેના મોત નોંધાયા હતા. આના પછી ૨૦૧૮માં તિતલી વાવાઝોડું ઓડિશા પર ત્રાટક્યું. આ વાવાઝોડું સત્તાવાળાઓ માટે આંચકા સમાન પુરવાર થયું, કારણ કે આ વાવાઝોડાની સિસ્ટમે અણધારી રીતે પોતાની દિશા બદલી હતી અને તે ગજપતિ જિલ્લામાં દાખલ થયું હતું, જ્યાં આ વાવાઝોડાનો સામનો કરવા માટે કોઇ મોટી તૈયારી કરવામાં આવી ન હતી. વાવાઝોડાને કારણે થયેલા ભારે વરસાદ અને ભૂપ્રપાતમાં ૭૭ લોકો ત્યારે માર્યા ગયા હતા.
આના પછીના વર્ષમાં બે વાવાઝોડા – ફાની અને બુલબુલ – દેશના પૂર્વ કાંઠા પર ત્રાટક્યા. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આનાથી વ્યાપક નુકસાન થયું. ૨૦૨૦માં અમ્ફાન વાવાઝોડું ત્રાટકયું અને તેણે ઓડિશા તથા પશ્ચિમ બંગાળમાં જાનમાલનું નુકસાન કર્યું. તે ૨૦મેના રોજ પશ્ચિમ બંગાળમાં ત્રાટક્યું હતું અને તે દેશનું એવું પ્રથમ વાવાઝોડું હતું જે બંગાળના અખાતમાં ચોમાસા પહેલા ઉદભવેલું વાવાઝોડું હતું. આ વર્ષના મે મહિનામાં ઓડિશા પર યાસ વાવાઝોડું ત્રાટક્યું અને તેમાં બે જણા માર્યા ગયા. તેના થોડા જ સમય પછી સપ્ટેમ્બરમાં ગુલાબ વાવાઝોડું આવ્યું ઓડિશા-આંધ્ર કાઠે આવ્યું અને તે વાવાઝોડાની બાકી રહેલી અસર જેવું શાહીન વાવાઝોડું આવ્યું, જે એક આગવી હવામાન ઘટના હતી. ગુલાબ વાવાઝોડાી જુદા જુદા રાજ્યો અને પાડોશી દેશોમાં મળીને કુલ ૨૦ કરતા વધુ લોકો માર્યા ગયા પરંતુ ઓડિશામાં એક પણ મૃત્યુ થયું નહીં. જોઇ શકાય છે કે છેલ્લા બે દાયકા કરતા વધુ સમયમાં ઓડિશાએ જ સૌથી વધુ વાવાઝોડાઓનો સામનો કર્યો છે.
ચિંતાજનક બાબત એ છે કે આ વાવાઝોડાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ફક્ત ઓડિશા જ નહીં પરંતુ હવે તો પશ્ચિમ કાંઠાના મહારાષ્ટ્ર, ગુજરાત જેવા રાજ્યો પણ વધતી માત્રામાં વાવાઝોડાઓનો સામનો કરી રહ્યા છે અને આ માટે હવામાન પરિવર્તન જવાબદાર હોવાનું નિષ્ણાતો જણાવે છે. ગ્લોબલ વૉર્મિંગના કારણ સમુદ્રનું તાપમાન પણ વધી રહ્યું છે અને તેના કારણે વધુને વધુ પ્રમાણમાં વાવાઝોડાઓ સર્જાઇ રહ્યા છે એમ નિષ્ણાતો કહે છે. ઓડિશાના પ્રાદેશિક હવામાન કેન્દ્રના ભૂતપૂર્વ ડિરેકટર સરત સાહુ એક આવા જ નિષ્ણાત છે, તેઓ કહે છે કે વાવાઝોડાઓની વધતી સંખ્યા માટે હવામાન પરિવર્તન એ એક મોટું જવાબદાર પરિબળ છે. આપણે ઓડિશાનું કે અન્ય કોઇ રાજ્યનું ભૌગોલિક સ્થાન તો ન બદલી શકીએ, પરંતુ હવામાન પરિવર્તન રોકવા પ્રયાસો તો જરૂર કરી શકીએ