હાલમાં મોરબીમાં બનેલી ઘટનાએ આપણને સૌને હચમચાવી મૂક્યા છે. ત્યાં લગભગ દોઢ સદી જૂના ઝુલતા પુલ પર દીવાળી પછીના પહેલા રવિવારે લોકો આનંદ પ્રમોદ માટે ગયા હતા પરંતુ થોડી જ વારમાં આનંદ આઘાતમાં અને શોકમાં ફેરવાઇ ગયો. લોકોના ભારે ધસારાને કારણે આ ઝૂલતો પૂલ તૂટી પડ્યો અને લગભગ ૫૦૦ જેટલા લોકો નીચેની મચ્છુ નદીમાં ખાબક્યા. સ્વાભાવિક રીતે જ તેમાં મહિલાઓ અને બાળકો વધારે હતા. થોડી વાર પહેલા જ્યાં આનંદની કિલકારીઓ સંભળાતી હતી ત્યાં આખો માહોલ ચીસાચીસથી ભરાઇ ગયો. થોડી વાર પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સોની સાયરનોની ચિચિયારીઓ સંભળાવા માંડી. બચાવ કાર્ય શરૂ થયું અને રાત સુધીમાં તો ૯૦ કરતા વધુ લાશો બહાર કાઢવામાં આવી.
આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું અને બીજા દિવસે તો મૃત્યુઆંક ૧૪૦ને વટાવી ગયો. ખરેખર આ ખૂબ જ આઘાત જનક ઘટના છે. આ ઝુલતો પુલ મોરબીના ભૂતપૂર્વ રાજવીએ લગભગ ૧૪૦ વર્ષ પહેલા બનાવડાવ્યો હતો. લોકો તેનો ઉપયોગ પિકનિક સ્પોટ માટે કરતા હતા. હાલ કેટલાક સમયથી આ પુલ બંધ હતો. તેના સમારકામ અને રિનોવેશન પછી આ નવા વર્ષના દિવસે જ તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ચારેક દિવસમાં જ આ પુલ તૂટી પડ્યો. એમ કહેવાય છે કે પુલની ક્ષમતા કરતા ઘણા વધારે લોકો તેના પર ચડી ગયા હતા અને તેમના ભારને કારણે આ વાયરો પર લટકતો ઝૂલતો પુલ તૂટી પડ્યો. આ ઘટના બની તેના એક જ દિવસ પહેલા દક્ષિણ કોરિયામાં આવી જ એક ઘટના બની હતી.
ત્યાંની રાજધાની સિઉલમાં હેલોવીન ઉત્સવ ઉજવવા માટે એક વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા હતા અને ત્યાં નાસભાગ અને કચડાકચડી મચી ગઇ અને ૧૨૦ જેટલા લોકો મોતને ભેટ્યા. હેલોવીન એ આમ તો પશ્ચિમી દેશોમાં ઉજવાતો વેશભૂષાનો એક ઉત્સવ છે. જાપાન અને કોરિયા જેવા દેશોનું ઘણુ પશ્ચિમી કરણ થયું છે અને કોરિયામાં પણ આ ઉત્સવ ઉજવાય છે. એમ કહેવાય છે કે કોઇ સેલિબ્રિટીના આગમનની અફવા ફેલાતા લોકોએ તેને જોવા માટે ધસારો કર્યો અને તેમાંથી નાસભાગ મચી ગઇ. આ ઘટનાના થોડા સપ્તાહો પહેલા ઇન્ડોનેશિયાના એક શહેરમાં બે સ્થાનિક ફૂટબોલ ટીમો વચ્ચે મેચ રમાતી હતી તેમાં એક ટીમ હારી જતા તેના ટેકેદારોએ તોફાન મચાવ્યું, તેમાં નાસભાગ મચતા ૧૨૫ જેટલા લોકો માર્યા ગયા.
આપણા મોરબીની ઘટના હોય, કોરિયાની કે પછી ઇન્ડોનેશિયાની ઘટના હોય, આપણે જોઇ શકીએ છીએ કે માણસો આમાં ટપોટપ મર્યા છે, કીડા-મકોડાની જેમ મર્યા છે. આવી બીજી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની છે, આપણે અહીં માત્ર હાલની તાજી ઘટનાઓનો અહીં ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાઓમાં એક વસ્તુ સમાન જણાય છે. આનંદ પ્રમોદ માટે કે રમત માટે મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા હતા, કોઇક પ્રકારની બેદરકારી, અરાજકતા અને અંધાધૂ઼ંધીમાંથી ત્યાં ન થવાનું થઇ ગયું અને ઘણા બધા લોકો માર્યા ગયા.
મોરબીની ઘટનામાં પ્રાથમિકપણે એવું બહાર આવ્યું છે કે જે પુલ તુટી પડ્યો તેના સંચાલન અને જાળવણીનું કામ એક સ્થાનિક મોટી કંપનીને સોંપવામાં આવ્યું હતું. પુલ પર ઘણા બધા લોકોને ટિકીટો લઇને જવા દેવામાં આવ્યા, પુલ ભાર ન ઝીલી શક્યો અને તૂટી પડ્યો અને ભયંકર ગોઝારી ઘટના બની ગઇ. દક્ષિણ કોરિયામાં પણ લોકોની વધારે પડતી ઉત્તેજના અને ઘેલછા અને કદાચ યોગ્ય વ્યવસ્થાનો અભાવ મોટી દુર્ઘટના સર્જી ગયો. ઇન્ડોનેશિયામાં રમત ચાહકોની અસહિષ્ણુતા અને ગુસ્સો મોટી હોનારત સર્જી ગયો. ત્યાં પણ પૂરતી સલામતી વ્યવસ્થાનો સ્ટેડિયમમાં અભાવ હોવાનું કહેવાય છે.
ફૂટબોલની મેચોમાં આવી મારા મારી અને હિંસાની ઘટનાઓ ભૂતકાળમાં પણ અનેક બની છે. આમ તો રમત ગમતના ઘણા પ્રસંગોમાં હિંસક ઘટનાઓ સર્જાઇ જતી હોય છે પરંતુ ફૂટબોલની રમતનો ઇતિહાસ જરા વધુ ખરડાયેલો છે. ખાસ કરીને લેટિન અમેરિકન દેશોમાં ફૂટબોલની મેચોમાં ઉત્તેજના ઘણી રહે છે અને તેમાંથી હિંસાની ઘટનાઓ બની જાય છે.
આ ઘટનાઓમાં કેટલાક પરિબળો સમાન જણાય છે અને તે એ કે લોકોની ઉત્સવઘેલછા, ઉત્તેજના અને ઉન્માદ, ઉજવણીના કે મેળાવડાના સ્થળોએ પુરતી વ્યવસ્થાનો અભાવ, અને જો વ્યવસ્થા હોય તો પણ લોકોના વધારે પડતા ધસારાને કારણે તેનુ પડી ભાંગવું, સરકારી તંત્રો કે વ્યવસ્થા તંત્રોની બેદરકારી વગેરે. આ બધા પરિબળો ભેગા થાય છે અને કોઇ મોટી કરૂણાંતિકા સર્જાઇ જાય છે.
ફક્ત ઉત્સવો, ઉજવણી કે રમતોની ઘટનાઓમાં જ આવી દુર્ઘટનાઓ સર્જાય છે તેવું પણ નથી. અનેક વખતે ધાર્મિક પ્રસંગોએ પણ નાસભાગ કે કચડા કચડીની ઘટના બની હતી. આ વર્ષની શરૂઆતમાં વૈષ્ણોદેવી મંદિરમાં લોકોના ભારે ધસારાને કારણે જે કચડા કચડી મચી હતી તેમાં ૧૨ જણા માર્યા ગયા હતા તથા બીજા અનેક ઘાયલ થયા હતા. દેશમાં બીજા પણ અનેક ધાર્મિક મેળાવડાઓમાં આવી કચડા કચડી કે નાસભાગની ઘટનાઓ બની છે અને તેમાં લોકોના એક સામટા મોતના બનાવો બન્યા છે. ભૂતકાળમાં હજયાત્રા વખતે પણ આવી ભાગદોડની ઘટનાઓ બની છે અને તેમાં નોંધપાત્ર સંખ્યામાં લોકોનાં મોત નિપજ્યા છે. આ બધી જ ઘટનાઓમાં લોકોનો ધસારો, ઉન્માદ, અરાજકતા અને અંધાધૂંધી જેવા પરિબળો હોય છે. લોક ટોળાઓનું નાદાન વર્તન, ક્યાંક વ્યવસ્થાલક્ષી બેદરકારી તો ક્યાંક તંત્રની લાચારી હોય છે અને છેવટે મોતનું તાંડવ મચી જાય છે.