વાપી, વલસાડ, નવસારી: (Valsad, Vapi, Navsari) જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી ઠંડીનું જોર વધ્યુ છે. ઉત્તર-પૂર્વીય દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને લઈ રાત અને સમગ્ર દિવસ દરમ્યાન વાતાવરણ ઠંડુંગાર રહેતા લોકો ગરમ કપડા પહેરવા અને તાપણું કરવા મજબૂર બન્યા છે. વલસાડ અને વાપીમાં તાપમાન (Temperature) 10 ડિગ્રીએ પહોંચતા છેલ્લા બે દિવસથી લોકો કડાકેદાર ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. છેલ્લા બે દિવસ અહીં સીઝનના (Season) સૌથી ઠંડા દિવસ રહ્યા છે. જ્યારે નવસારીએ પર આ વર્ષે ઠંડીના રેકોર્ડ તોડ્યા છે. નવસારીમાં છેલ્લા કેટલાય દિવસોથી થીજવતી ઠંડી (Cold) પડી રહી છે. ગુરુવારે પણ અહીં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું હતું.
દેશના ઉપરી ભાગોમાં થયેલી હિમવર્ષાની અસર પણ સમગ્ર રાજ્યમાં વર્તાઈ રહી છે. જેને લઈ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જિલ્લાના વલસાડ અને વાપીમાં સિઝનની સૌથી વધુ ઠંડી છેલ્લા બે દિવસથી સતત પડી રહી છે. જેની અસર જનજીવન પર જોવા મળે છે. સમગ્ર રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી નીચે પહોંચી ગયું હતું. જેને લઈ આખો દિવસ ઠંડોગાર રહ્યો હતો. મહત્તમ તાપમાન સવારે 29 ડિગ્રી હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા રહેવા પામ્યુ હતું. છેલ્લા સપ્તાહથી વલસાડ જિલ્લા માં પડી રહેલી સખત ઠંડીને લઈ લોકો ઠુઠવાઈ રહ્યા છે. કડકડતી ઠંડીથી બચવા લોકો આખો દિવસ ગરમ કપડાં અને રાત્રી દરમિયાન તાપણું કરી સહારો લઈ રહ્યા છે.
નવસારી જિલ્લામાં થીજવતી ઠંડી યથાવત
નવસારી : નવસારી જિલ્લામાં ગુરુવારે મહત્તમ તાપમાન વધ્યું હતું. જયારે થીજવતી ઠંડી યથાવત જ રહી હતી. નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી આસપાસ રહેતા જિલ્લામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ગત સોમવારે લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રીએ પહોંચી જતાં સોમવારે સિઝનનો સૌથી બીજો ઠંડો દિવસ નોંધાયો હતો. એ બાદ ગત ગુરૂવારે લધુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાતા, સિઝનનું સૌથી બીજા ક્રમનું નીચું તાપમાન નોંધાયું હતું.
ગુરૂવારે મહત્તમ તાપમાન 0.7 ડિગ્રીનો વધારો થતાં 30.3 ડિગ્રી નોંધાયું હતું. જયારે લઘુત્તમ તાપમાન 0.9 ડિગ્રી વધતા 10.5 ડિગ્રી નોંધાયું હતું. ગુરૂવારે સવારે ભેજનું પ્રમાણ 86 ટકા અને સાંજે ભેજનું પ્રમાણ 51 ટકા રહ્યું હતું. દિવસ દરમ્યાન ઉત્તર પૂર્વ દિશામાંથી કલાકે 5.4 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા દિવસે ઠંડીએ લોકોને ધ્રુજાવ્યાં હતા.