Gujarat

30મી જાન્યુઆરી-શહીદ દિન: સમગ્ર રાજ્યમાં બે મિનિટનું મૌન પાળી ઋણ અદા કરાશે

ગાંધીનગર: ભારતના (India) સ્વાતંત્ર્ય સંગ્રામમાં (Freedom Struggle) જેમણે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૩ને સોમવારના રોજ શહીદ દિને સવારે ૧૧-૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકાર દ્વારા જણાવાયું છે.

સોમવાર તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ જે સ્થળે સાયરનની વ્યવસ્થા કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં સવારે ૧૦-પ૯ થી ૧૧-૦૦ કલાક સુધી સાયરન વગાડી કે તોપ ફોડી બે મિનિટ માટે મૌન પાળવા સુચના અપાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળશે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે. બે મિનિટ બાદ મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર ૧૧-૦ર થી ૧૧-૦૩ કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું રહેશે.

જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે ૧૧-૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓ દ્વારા બહાર પાડવામાં આવશે. શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા સૌને અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top