યુનોની સલામતી સમિતિના કાયમી સભ્યો એવા અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીને તાજેતરમાં સંયુકત નિવેદન બહાર પાડીને કહ્યું છે કે પરમાણુ યુધ્ધ કરી જીતી શકાય એમ નથી અને પરમાણુ યુધ્ધ કદી પણ લડાવું ન જોઇએ. આ પાંચેય પરમાણુ સત્તાઓએ કહ્યું છે કે પરમાણુ શસ્ત્રોના પ્રસારને રોકવો જોઇએ. આ સાથે પાંચેય દેશોએ કદી પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરવાની બાંહેધરી પણ આપી છે. તાજેતરમાં રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે તંગદિલી વધી છે એ સંજોગોમાં વિશ્વના આ મુખ્ય પાંચેય પરમાણુ સત્તા ધરાવતા દેશોએ આપેલ આ નિવેદન વિશ્વના લોકોને શાંતિ પ્રદાન કરનારું હોઇ અભિનંદનને પાત્ર જ ગણી શકાય. વિશ્વ માટે જે રીતે ચીન દ્વારા ફેલાવનાર કોરોના મહામારીએ અત્યંત ખરાબ સમાચાર ગણી શકાય તેવા સમકક્ષ સમાચાર વિશ્વ માટે રાહત આપનારા જ ગણી શકાય. કોરોના મહામારીને બે વર્ષ ઉપરાંતનો સમય થવા આવેલ છતાં આજે વિશ્વ કોરોનામુકત થયેલ નથી અને ત્રાહિમામ્ પોકારી ગયેલ છે. દૈનિકના એક સમાચાર અન્વયે રશિયા પાસે વિશ્વના સૌથી વધુ 6255, અમેરિકા પાસે 5550, ચીન પાસે 350, પાકિસ્તાન પાસે 165 અને આપણા ભારત પાસે 156 પરમાણુ શસ્ત્રો છે.
સ્ટોક હોમ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (સિપકી)ના એક અહેવાલ મુજબ વર્ષ 2020 માં વિવિધ દેશોએ સંરક્ષણ પાછળ કુલ બે લાખ કરોડ ડોલર(1981 અબજ ડોલર)નું બજેટ ફાળવેલ હતું જેમાં અમેરિકાનો ફાળો 39 ટકા (778 અબજ ડોલર) ચીનનો 13 ટકા (252 અબજ ડોલર), ભારતનો 3.7 ટકા (72.9 અબજ ડોલર), રશિયાનો 3.1 ટકા (61.7 અબજ ડોલર) અને બ્રિટનનો 3.0 ટકા (59.2 અબજ ડોલર) તેમજ અન્ય દેશોનો બાકીનો ફાળો હતો. યુનોના કાયમી સભ્યોએ જે રીતે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરવાની આવકાર્ય બાંહેધરી આપેલ છે તેવી જ બાંહેધરી વિશ્વના કાયમી સભ્યો સહિતના સર્વે સભ્યો પાસે શસ્ત્રોના વધતા જતા અતિશય ખર્ચાઓ અટકાવવા લેવાની જરૂર છે તેથી આવા ખર્ચાઓ પોતપોતાના દેશવાસીઓના આરોગ્ય શિક્ષણ અને વિકાસ માટે ખર્ચી શકાય. વિશ્વમાં કોરોના બે વર્ષથી હેરાન પરેશાન કરી રહ્યો છે ત્યારે વિશ્વે એ નક્કી કરવાનું છે કે વિશ્વને હાઇપરસોનીક મિસાઇલ, પરમાણુ બોંબ જોઇએ છે કે કોરોના જેવી મહામારીમાંથી મુકિત જોઇએ છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.