Charchapatra

આઝાદીના લડવૈયા

પ્રજાસતાક દિન પર્વ સામે છે ત્યારે આપણે એવા દેશભકતને યાદ કરીશું કે જેઓ આ સુરતની ભૂમિ પર આઝાદીનો જંગ લડયા હતા. ફકત માતાને સહારે ઉછરનાર અત્યંત ગરીબાઇમાં પણ પરિવારની પરવા ન કરતા 20 વર્ષની આયુમાં જ તેમણે આઝાદીનાં જંગમાં ઝંપલાવ્યું. આઝાદીનો જંગ ચરમસીમા પર ચાલી રહ્યો હતો.

તેઓ સ્વભાવે સાહસિક અને સ્પષટ વકતા હતા. મુંબઇની મહાસમિતિએ 1942ની 8મી ઓગષ્ટે ‘કરેંગે યા મરેંગે’નો ઠરાવ પસાર કરી ‘ભારત છોડો’નું એલાન આપ્યું. એ સુત્રનો અમલ કરવા આ વ્યકિત બ્રિટીશ સરકારના દારૂના પીઠાઓ બાળવા, તેઓના ટપાલના થેલાઓ લૂંટવા, તેઓના આશ્રય સ્થાનોને સળગાવવા વિગેરે ભાંગફોડીયા પ્રવૃત્તિ કરી હતી. તેમજ વાણીચાતુર્થ હોવાને કારણે ઠેરઠેર જાહેરસભાનું આયોજન કરી નવા સત્યાગ્રહીઓને ઉભા કરતા.

‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારા સાથે પ્રભાતફેરી કરતા સમયે 1942 તા.13મી સપ્ટેમ્બરના રોજ તેમની ધરપકડ કરવામાં આવી. બ્રિટીશ સરકારના હુકમ પ્રમાણે તેમને ‘માફીપત્ર’ લખી આપવા દબાણ કરવામાં આવ્યું. તેમનો એક જ જવાબ હતો. કરેંગે યા મરેંગે. તેમને 6 માસની સજા જાહેર થઇ. આ ઘટનાનો ઉલ્લેખ સુરત મહાનગર સ્વાતંત્ર્ય ઇતિહાસ સમિતિના પ્રસિધ્ધ થયેલ ‘સ્વાતંત્ર્ય સંગ્રામ’ નામના પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

તા.15મી સપ્ટેમ્બર 1944ના રોજ ‘ચિમૂર આષ્ટિ’ના ક્રાંતિકારીઓને જયારે ફાંસીની સજા જાહેર થઇ તેનો વિરોધ પ્રદર્શિત કરવા બદલ ફરી 6 માસની સજા કરવામાં આવી. જેનો ઉલ્લેખ ‘આઝાદીના ઘડવૈયા’ ભાગ-2 પર દર્શાવવામાં આવેલ છે. તેમને સાબરમતી જેલમાં લઇ જવામાં આવ્યા હતા.

આઝાદી મળ્યા પછી દર 26મી જાન્યુઆરી તથા 15મી ઓગષ્ટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર રાષ્ટ્રધ્વજને સલામી આપવા જવાનો અડગ નિયમ તેમણે જીવનના અંત સુધી નિભાવ્યો હતો. જેની કદર રૂપે આ વ્યકિતને રાષ્ટ્ર તરફથી 1972માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી હસ્તક અલ્હાબાદ મુકામે ‘તામ્રપત્ર’ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્વાતંત્ર્ય સેનાની બીજા કોઇ નહીં પણ મારા પિતા સ્વ. મગનલાલ તાપીદાસ છે. તેઓને આ સ્વાંતત્ર્ય પર કોટિકોટિ સેલ્યુટ. તેમની પુત્રી હોવાનો હું ગર્વ અનુભવું છું.

સુરત     -રેખાબેન એમ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાંવિચારો  લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top