સ્વતંત્રતા

સિયાએ અરીસામાં જોયું અને મોઢા પર અણગમો આવી ગયો. ‘શીટ…ક્યારે પાતળી થઈશ? ગોડ નોઝ!’ નેવું કિલો વજનની કાયાને થોડીક શેપમાં દેખાડવા માટે થઈને એણે ચપોચપ બોડી શેપર પહેર્યું હતું. છતાં બ્લેક જીન્સમાંથી શરીરની ચરબી લચી પડી હતી. ખૂબસૂરત ચહેરો પણ કાયા જાણે હાથણી જેવી. આમાં ક્યાં કોઈ છોકરો એની સામે પણ જુએ! વેલેન્ટાઈન ડે આવું આવું થઈ રહ્યો છે. કોલેજની બધી છોકરીઓએ ખાસ તૈયારી કરી છે. કોઈકે સ્પેશ્યલ કપડાં સિવડાવ્યાં છે તો કોઈકે બે–ત્રણ મહિના ડાયટ કરીને ફિગર મેન્ટેન કર્યું છે. એક પોતે જ છે જે છેલ્લી ઘડીએ વિચારવા બેઠી કે શું કરવું? કેવી રીતે આર્યનને કહેવું કે એના માટે ક્રશ છે! દિલમાં રોજ રોજ હાજારો વાર પ્રેમના ફુવારા ઊડે છે! આર્યન તો એવો દેખાય છે જાણે હોલીવુડ હેન્ડસમ હંક! એની પાછળ કોલેજની દરેક કન્યા લટ્ટુ છે તો પોતાનો નંબર તો ક્યાંથી લાગે! સિયાએ મણ મણના નિ:સાસા નાંખ્યા.

નાનપણથી જ સિયાને ખાવાનો બહુ શોખ હતો. જાણે ખાવા માટે જ જન્મી હોય તેમ આખો દિવસ ખા ખા કર્યા કરે. સવારે ઊઠે એટલે નક્કી કરે કે આજે લિમિટમાં જ ખાવું છે. એટલે ઊઠીને ઓટસ સાથે મિલ્ક મિક્સ કરીને બાઉલ ભરીને ખાઈ લે. હવે સાંજ સુધી કશું ખાવું નથી. તે પ્રોમિસ દસ વાગતાં તો હાલકડોલક થવા લાગે. એમાં પણ ફ્રેન્ડસ સાથે કોલેજની કેન્ટિનમાં જાય એટલે બધાં કહે, ‘સિયા ! એક ચા ને સમોસા ખાઈ લે…એમાં કાંઈ વજન વધી નહીં જાય !’ સિયા તરત જ વિરોધ કરે, ‘ના…બાબા….મેં આજે મારી જાતને પ્રોમિસ આપ્યું છે કે હું નહિ જ ખાઉં.’ પણ પછી બહેનપણીઓના આગ્રહ સામે સિયા નમતું જોખી દે.‘હવે એક દિવસમાં શું ફેર પડે છે!’

બસ અને ભીષ્મ પ્રતિજ્ઞાનું કકડભૂસ થઈને તૂટી પડે. બસ આમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ ડાયટિંગના નામે ખો ખો રમ્યા કરે અને વજન વધતું વધતું હવે નેવુંએ પહોંચ્યું ત્યારે ડહાપણની દાઢ ફૂટી છે પણ આ વેલેન્ટાઈનનું શું કરવું? એણે એક બે વાર આર્યનનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો. આર્યન રોજ ટેબલ ટેનિસ રમવા કોલેજના સ્પોર્ટસ સેન્ટરમાં જતો હતો. સિયા ખાસ એની સાથે વાતચીત થાય તે માટે જવા લાગી. બસ એ એક વાર આર્યનને કહેવા ઈચ્છતી હતી, ‘આઈ લાઈક યુ!’ આર્યન અને સિયાના સબ્જેક્ટ કોમન હતા એટલે એકબીજાને જાણતાં હતાં પણ આર્યન એની સામે નજર પણ માંડતો ન હતો. એક દિવસ સિયા ટેબલ ટેનિસ રૂમમાં પહોંચી ત્યારે આર્યન એકલો જ હતો. એટલે પહેલી વાર સિયાની હિંમત વધી. આજે રમતાં રમતાં ચાન્સ મળે તો મનની વાત કહી પણ જોઉં.‘આજે તારી સાથે કોઈ નથી રમવા માટે તો હું રમું?’ સિયાએ ટેનિસ રેકેટ હાથમાં લીધું.

આર્યન એકલો એકલો પ્રેક્ટિસ કરતો હતો. સિયાનો અવાજ સાંભળીને એની તરફ જોઈને કહ્યું, ‘ના…તારી સાથે મજા નહીં આવે…યુ નો…પણ તું દોડાદોડી નહીં કરી શકે….અને યુ નો મને સ્લો રમવું ગમતું નથી’. સિયા એની તોછડાઈ જોઈ રહી. પોતે બહુ હેન્ડસમ છે તો શું થઈ ગયું? બીજાનું આટલું અપમાન કરવાનું? સિયાને હાડોહાડ લાગી આવ્યું. ‘ઇનફ ઈઝ ઈનફ…જો જીવનનો ગોલ આર્યન હોય તો પછી એ માટે મહેનત પણ કરવી પડે! બસ તે પછી સિયાએ પાછું વળીને જોયું નથી. શરૂઆત બ્રેક ફાસ્ટમાં માત્ર ફળ અને શાકભાજીના રસથી કરી, પછી લંચમાં બે રોટલી અને દાળ, ડિનરમાં માત્ર એક ગ્લાસ દૂધ. રોજ પાંચ કિલોમિટર રનિંગ એન્ડ વોકિંગ. પહેલા મહિને જ એને પોતાના પરેસેવાની કમાણી દેખાણી. વજન નેવુંથી સીધું એંસી પર આવી ગયું. સિયાનો આત્મવિશ્વાસ વધી ગયો.

વર્ષમાં સિયા પચાસની થઈ ગઈ અને કોલેજની જાડી છોકરીઓ માટે આઈકન બની ગઈ. દેખાવડી તો એ હતી જ. હવે તો એ કોઈ પરી જેવી દેખાતી હતી. વર્ષ તો જોત જોતામાં વીતી ગયું. એક સમયે એની સામે નજર ન નાંખતો આર્યન પણ હવે એની આગળપાછળ ફરતો થઈ ગયો હતો પણ સિયા માત્ર એની સાથે હાય હેલ્લોથી આગળ વધી ન હતી. છવ્વીસ જાન્યુઆરીએ કોલેજ પરેડમાં એ કેપ્ટન હતી ત્યારે આર્યન એની પાછળ હતો એ જોઈને સિયાને પહેલી વાર સંતોષ થયો. ‘બસ મારો ગોલ આર્યન ન હોવો જોઈએ! મારી ફ્રીડમ અને મારું અસ્તિત્વ!’

Most Popular

To Top