સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિનીકુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર કોર્ટે જણાવ્યું કે ફ્રીબીઝ એ કરદાતાના નાણાં બગાડ છે. ખાસ કરીને ભારત દેશમાં અવરનવર વિવિધ રાજ્યોમાં ચૂંટણી ટાણે રાજકીય પક્ષો દ્વારા મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે અને ચૂંટણી બાદ તેના અમલથી દેશના અર્થતંત્રને ભયંકર નુકસાન થતું હોય છે. જે લોકો કામ જ કરવા નથી માગતા એમને મફત રાશન અને પૈસા આપવામાં આવી રહ્યા છે એ પ્રજાના ટેક્સના નાણાંનો ભયંકર દુરુપયોગ છે.
આપણા દેશમાં પરજીવીઓની એક જમાત ઉભી થઈ રહી છે એને માટે નેતાગીરી દોષિત છે. દેશમાં ગરીબી નાબૂદ જ કરવી હોય તો રોજગારીનું સર્જન કરવું પડશે. લોકોને કામ વગર જ પૈસા મળી રહ્યા હોય તો પછી સ્વાભાવિકપણે કામ કોણ કરશે ? દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ચૂંટણીમાં રેવડી કલ્ચર અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવ્યા પછી પણ રાજકારણીઓ એને કાને ધરતા નથી એ દુઃખદ છે. ફ્રીબીઝ એ ખૂબ જ ગંભીર બાબત છે. દેશની અર્થવ્યવસ્થા જ્યારે ખાડે જઈ રહી છે ત્યારે બધા જ રાજકીય પક્ષોએ અને દેશની નેતાગીરીએ આ અંગે ગંભીરપણે વિચારણા કરવાની જરૂર છે.
આ બધી રેવડી યોજનાઓથી આપણો દેશ વિનાશક આર્થિક પરિણામો ભોગવી રહ્યો છે. આવી મફતની યોજનાઓની જાહેરાત સમાજ કલ્યાણના બહાના હેઠળ કરવામાં આવે છે. સાચી વાત તો એ છે કે આવી મફતની યોજનાઓ થકી સમાજનું કલ્યાણ કેટલું થાય છે તે અંગે પણ સર્વે કરવાની જરૂર છે. પ્રજા માટે લાચારી એ છે કે સુપ્રીમ કોર્ટની કડક ચેતવણી પછી પણ સરકાર એ દિશામાં કંઈક નક્કર કરવાની વાત તો દૂર રહી પણ સાંભળવા માટે પણ તૈયાર નથી. લાચાર પ્રજા ન છુટકે આ બધા તમાશા જોઈ રહી છે. પ્રજાના નાણાંનો દુરુપયોગ ક્યારે અટકશે , એમ જાહેર જનતા પૂછી રહી છે.
નવસારી ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ઓલરાઉન્ડર આબિદ અલી
નજીકના ભૂતકાળમાં જેમનું અવસાન થયું તે ક્રિકેટર આબિદ અલી એક ઓલરાઉન્ડર હતા. તેઓ બેટ્સમેનની નજીક રહીને ફિલ્ડિંગ કરવામાં એકનાથ સોલકરની જેમ માહીર હતા. બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, નાડકર્ણી અને દુરાની જેવા સ્પિનરોને સફળતા અપાવવામાં તેમની ફિલ્ડિંગનો ફાળો મહત્વનો સાબિત થયો હતો.તેમની કારકિર્દીમાં તેમણે ૨૯ ટેસ્ટમાં ૪૭ વિકેટ લીધી હતી અને ૧૦૧૮ રન બનાવ્યા હતા. ૧૯૬૭માં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેમની પહેલી ટેસ્ટમાં ૫૫ રન આપી ૬ વિકેટ લીધી હતી અને તે સિરીઝની સિડની ટેસ્ટમાં બંને ઈનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી.તે સમયની ભારતીય ટીમના સુંદર દેખાવમાં આબિદ અલીનું યોગદાન મહત્વપૂર્ણ હતું.
સુરત -સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
